સોમદેવ [જ. 1934, જયંતીપુર (બેનીપુર), જિ. દરભંગા, બિહાર] : મૈથિલી લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સહસમુખી ચૌક પર’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેઓ મૈથિલી ઉપરાંત બંગાળી, નેપાળી, અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. તેઓ મિથિલા વિશ્વવિદ્યાલય, દરભંગામાંથી હિંદીના ઉપાચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા.
સોમદેવ
1957માં તેમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. પ્રાકૃતિક ચિકિત્સા, યોગ તથા તંત્રમાં તેમને વિશેષ રુચિ છે. 1948માં તેમણે લેખનકાર્ય આરંભ્યું અને અત્યાર સુધીમાં તેમણે 13 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચાનોદયી’, ‘હોટલ અનારકલી’ (નવલકથા), ‘લાલ એશિયા’, ‘કલાધ્વનિ’, ‘સોમ-સતસઈ’ અને ‘સહસમુખી ચૌક પર’ (કાવ્યસંગ્રહ), ‘ચરૈવેતિ એવં સીતાયન’(નાટક)નો સમાવેશ થાય છે. તેમણે 10 સમાચારપત્રોનું સંપાદન કર્યું છે અને બે ફિલ્મો માટે સંવાદ તથા ગીતો પણ રચ્યાં છે.
તેમનું ‘મિથિલા વિભૂતિ સન્માન’ અને ‘યાત્રી ચેતના સન્માન’થી બહુમાન કરાયું છે. તેઓ ઉત્તર મધ્ય સાંસ્કૃતિક કેન્દ્રના કાર્યક્રમ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સહસમુખી ચૌક પર’ 43 મુક્ત કાવ્યોનો સંગ્રહ છે; જેમાં નવી શૈલી, સચોટ અભિવ્યક્તિ અને તીખી સંવેદનાની સાથે યુગચેતના પ્રગટ થાય છે. તેમાં વિનોદ, કટાક્ષ અને જીવનના વિચક્ષણ અવલોકન સાથે આજના ભારતની ગૂઢ ગતિનું ચમત્કારપૂર્ણ ચિત્રણ છે. તેથી જ આ કૃતિ મૈથિલીમાં રચાયેલ ભારતીય કવિતાનું મહત્વનું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા