સોપારી

એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Areca catechu Linn. (સં. પૂગ; હિં. સુપારી; બં. ગુઆ, સુપારી; મ. પોફળ, સુપારી; ગુ. સોપારી; ક. અડિકેમારા; તે. પોકાકાયા, ક્રમક્રમુ; મલા. તા. કમુકૂ, પૂગમ; ફા. પોપીલ; અં. બિટલનટ) છે. સોપારીનું ઉદભવસ્થાન મલેશિયા છે. તેનું વાવેતર દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં કરવામાં આવે છે. તે 12થી 18 મી. ઊંચું (કેટલાંક વૃક્ષો 30 મી. સુધી ઊંચાં) વલયોવાળું (annulate) તાડ છે અને ભારતમાં દરિયાકિનારે મહારાષ્ટ્રથી કેરળ અને તમિળનાડુ સુધી; દક્ષિણ ભારતના ઉચ્ચ સમતલ(plateau)માં; આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા નિકોબારના ટાપુઓમાં વિતરિત થયેલું છે. પ્રકાંડ 1.2થી 1.8 મી. લાંબાં, પિચ્છાકાર (pinnate) પર્ણોનો મુકુટ ધરાવે છે. પર્ણિકાઓ અસંખ્ય, 30થી 60 સેમી. લાંબી, ઉપરની પર્ણિકાઓ જોડાયેલી અને અરોમિલ (glabrous) હોય છે. પર્ણદંડો તલ ભાગે પહોળા, મજબૂત આવરણવાળા હોય છે. પૃથુપર્ણ (spathe) બેવડું, ચપટું અને અરોમિલ હોય છે. માંસલ શૂકી બહુશાખી હોય છે અને અનિપત્રી (ebracteate) નર અને માદા પુષ્પો ધરાવે છે. નરપુષ્પો નાનાં, અસંખ્ય અને અદંડી હોય છે. માદા પુષ્પો એકાકી અથવા બે કે ત્રણના સમૂહમાં અને માંસલ શૂકીની પ્રત્યેક શાખાના તલ ભાગમાં આવેલાં, અદંડી અને નરપુષ્પો કરતાં ઘણાં મોટાં હોય છે. દ્વિલિંગી પુષ્પો પણ જોવા મળ્યાં છે. ફળ અંડાકાર કે લંબચોરસ, 4થી 5 સેમી. લાંબાં, લીસાં, પાકે ત્યારે નારંગી કે સિંદૂરી લાલ રંગનાં, એકબીજમય, દીર્ઘસ્થાયી પરિદલપુંજ અને રેસામય મધ્યફલાવરણ ધરાવતાં હોય છે. બીજના મીંજને કે ભ્રૂણપોષને ‘સોપારી’ કહે છે. તે 2થી 4 સેમી. વ્યાસવાળી, ભૂખરી બદામી અને રાતી-બદામી રેખાઓવાળા રેસાભેદિત (ruminate) ભ્રૂણપોષયુક્ત હોય છે.

પ્રજનન અને પાકસુધારણા : સોપારી સામાન્યત: એકગૃહી (monoecious) છે અને પરપરાગિત (cross pollinated) વનસ્પતિ છે. તેની વિષમાંગતા(heterogeneity)ને કારણે પાકસુધારણાની તક મર્યાદિત છે.

સમૂહ-વરણ (mass selection) માટે વિદેશી જાતોનો પ્રવેશ અને પ્રજનનના હેતુ માટે જનનરસ(germplasm)ના વિકાસનાં પ્રોત્સાહક પરિણામો સાંપડ્યાં છે. અર્ધ-ઊંચી અને વહેલાં પુષ્પો ધારણ કરતી ચીનની ‘VTL 3’ જાતને ભારતમાં ‘મંગલા’ નામ હેઠળ સામાન્ય વાવેતર માટે બહાર પાડવામાં આવી છે. તે સ્થાનિક જાતો કરતાં 70 % વધારે ઉત્પાદન આપે છે અને રોપ્યા પછી ત્રણ વર્ષથી ઓછા સમયમાં પુષ્પો ધારણ કરે છે. ‘હિરેહાલી ડ્વાર્ફ’ નામની સોપારીની એક સ્વત: (spontaneous) વિકૃત જાતનો સાત વર્ષનો છોડ માત્ર 20 સેમી. જેટલી જ ઊંચાઈ ધરાવે છે. સ્થાનિક જાતને માતૃવનસ્પતિ અને વિદેશી જાતને નર-વનસ્પતિ ગણી સંકરણ કરાવતાં પિતૃપેઢી કરતાં વધારે ઉત્પાદન મળે છે. ‘મોહિતનગર’ નામની સ્થાનિક જાત અન્ય સ્થાનિક જાતો કરતાં વધારે સારી માલૂમ પડી છે. વામન, વહેલું પુષ્પનિર્માણ કરી શકે તેવો, અંત:ભૂસ્તારીવાળો (જે વાનસ્પતિક પ્રજનનમાં મદદરૂપ થઈ શકે છે.), ફળોનો વધારે બેસારો આપતો, પરિપક્વતાએ વધારે સંખ્યામાં ફળો ઉત્પન્ન કરતો જુઆરોધી (miticide) જનનરસ વિવિધ પ્રદેશોમાંથી કે દેશ બહારથી પ્રવેશ કરાવી રચી શકાય છે.

આકૃતિ 1 : સોપારીનું વૃક્ષ (ફળ સહિત)

catechu અને A. triandra વચ્ચેના આંતરજાતીય (interspecific) સંકરણના પ્રયાસો પણ થયા છે. જોકે આવા સંકરોમાં વંધ્યત્વની ઊંચી માત્રા જોવા મળે છે. A. triandraની કીડીરોધકતા અને માદા પુષ્પોની પ્રચુરતા(preponderance)નું આંતરજાતીય સંકરણ અને પ્રતિસંકરણ (back crossing) દ્વારા A. catechuમાં સ્થાનાંતર કરાવી શકાય છે. રોપણ દરમિયાન વૃદ્ધિનાં માપનો પર આધારિત પસંદગી-સૂચકાંક (selection-index) બધા સૂચકાંકોમાં સૌથી વધારે ઉપયોગી છે.

આબોહવા અને મૃદા : સોપારીની વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ કરવા માટે ભેજવાળી ઉષ્ણકટિબંધીય આબોહવા જરૂરી છે. તે શુષ્કતા સામે અત્યંત સંવેદી હોય છે. તે સારો નિતાર થતો હોય અને ભારે વરસાદ (500 સેમી.) પડતો હોય તેવા વિસ્તારોમાં થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈ થતી હોય તેવા શુષ્ક વિસ્તારોમાં પણ તે ઊગે છે. તે 15° સે. અને 38° સે. વચ્ચેના તાપમાનમાં થાય છે, છતાં તાપમાનના અંતિમો (extremes) અને તાપમાનના મોટા દૈનિક ફેરફારો તે સહન કરી શકતી નથી; ઠંડું ભેજવાળું વાતાવરણ માફક આવે છે. તે દરિયાની સપાટીથી 1000 મી.ની ઊંચાઈ સુધી થાય છે; છતાં 850 મી. કરતાં વધારે ઊંચાઈએ સોપારીનું અંકુરણ અને મીંજના શુષ્ક વજનમાં ઘટાડો થાય છે. ખાસ કરીને શરૂઆતના તબક્કાઓમાં તે છાયાપ્રિય વનસ્પતિ છે અને કેળ અને નાળિયેરી સાથે મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે છે. કેટલીક વાર તેનું વાવેતર આંબો, નારંગી, ફણસ અને જામફળનાં વૃક્ષો વચ્ચે કરવામાં આવે છે. મિશ્ર પાક દ્વારા વાતાવરણ ઠંડું થાય છે; પરંતુ સોપારીના પાકને સ્પર્ધાનો ગેરલાભ થાય છે. ઓછા નિતારવાળી, ક્ષારયુક્ત, આલ્કેલાઇન મૃદા કે કાંકરાવાળી, કૅલ્શિયમ કાર્બોનેટયુક્ત અને હલકી રેતાળ મૃદા સોપારીના વાવેતર માટે અનુકૂળ નથી.

આકૃતિ 2 : સોપારીનાં ફળ

વાવણી : વાવણીનો સમય આબોહવા અને સ્થાનને અનુલક્ષીને જુદો જુદો હોય છે. પ્રથમ ધરુવાડિયામાં પસંદ કરેલાં બીજ ક્યારીઓમાં વાવવામાં આવે છે. ક્યારીઓ 10થી 12 સેમી. ઊંડી, 50 સેમી. પહોળી અને અનુકૂળ લંબાઈવાળી હોય છે. બીજ કાં તો હરોળમાં 15થી 22 સેમી.ના અંતરે અથવા સમૂહમાં 20થી 50 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. બીજ ઉત્થિત (raised) ક્યારીઓમાં પણ ઉછેરી શકાય છે; તેવી ક્યારીઓ 15 સેમી. ઊંચી અને 1.2 મી. પહોળી હોય છે અને બે ક્યારીઓ વચ્ચે પિયત માટે 45 સેમી. પહોળી નીક હોય છે. સમગ્ર બીજ છાલ સાથે ઊભું ગોઠવી તેના પર રેતનું પાતળું સ્તર કરી ઘાસનું આચ્છાદન કરવામાં આવે છે. ક્યારીઓને દરરોજ પાણી આપવામાં આવે છે. ફણગા ફૂટે ત્યારે છાંયડાની વ્યવસ્થા કરવી જરૂરી છે. વાવણી પછી લગભગ 40થી 94 દિવસે બીજનું અંકુરણ થાય છે. ઊંચાઈ (altitude) વધવાની સાથે અંકુરણના દિવસો વધે છે. વહેલા અંકુરણ પામતા છોડ મોડા અંકુરણ પામતા છોડ કરતાં વધારે સારા હોય છે. 2થી 3 પર્ણો ધરાવતા ત્રણેક માસના અંકુરોનું રોપણ કરી શકાય છે. વાવણીપૂર્વે ક્યારીઓને 0.1 % સેરેસનનું કે લેઇટોસોલ(780 લિટર પાણીમાં 450 ગ્રા.)નું દ્રાવણ આપવામાં આવે છે; જેથી નાના રોપને સુકારાનો રોગ લાગુ ન પડે.

બીજને 1.0 % બોર્ડોમિશ્રણની સારવાર આપી તેમને તે જ મિશ્રણની સારવાર આપેલ બેવડી ગૂણમાં સંવેષ્ટન કરી રાખતાં તેઓની બીજાંકુરણની ટકાવારી વધે છે અને લાંબા અંતર સુધી વધારે સારી રીતે વહન કરી શકાય છે. 2, 4–ડાઇનાઇટ્રો ફિનૉલ (DNP), 2, 4–D (ડાઇક્લૉરોફિનૉક્સી એસેટિક ઍસિડ), NAA (નેપ્થેલિન એસેટિક ઍસિડ), IAA (ઇન્ડૉલ એસેટિક ઍસિડ), IPA (ઇન્ડૉલ પ્રૉપિયોનિક ઍસિડ) અને યુરિયાની એકલી કે સંયોજિત (combined) સારવાર આપતાં બીજાંકુરણની વધારે ઊંચી ટકાવારી પ્રાપ્ત થાય છે અને બીજાંકુરો વધારે તાકાતવાળા બને છે.

પ્રથમ ધરુવાડિયામાં 3થી 6 માસ સુધી લગભગ જૂન સુધી અથવા ચોમાસાની શરૂઆત સુધી રાખવામાં આવે છે અને તે પછી બીજા ધરુવાડિયામાં 40થી 45 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. રોપણ પછી લીલાં પર્ણોનું મૃદાના સંરક્ષણ માટે આચ્છાદન કરવામાં આવે છે. ઢોરોનું સારી રીતે કોહવાયેલું ખાતર 5થી 12 ટન/હેક્ટરના દરે બીજા ધરુવાડિયાને આપવામાં આવે છે. જો રોપની વૃદ્ધિ ધીમી હોય તો રોપણના 5થી 6 માસ પછી 55 કિગ્રા. યુરિયા અથવા 125 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ કે કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે.

એકથી બે વર્ષના રોપને ખેતરમાં વાવવાથી સારાં પરિણામો મળે છે. સૌથી વધારે સંખ્યામાં પર્ણો અને લઘુતમ ઊંચાઈ ધરાવતા રોપ પસંદ કરવામાં આવે છે. વહેલું પુષ્પનિર્માણ પ્રાપ્ત કરવા જે રોપને એક વર્ષમાં 4 કે તેથી વધારે પર્ણો હોય અને કૉલરનો ઘેરાવો 20 સેમી. કે તેથી વધારે હોય અથવા બે વર્ષમાં ચાર કે તેથી વધારે ગાંઠો હોય તેમનું વાવેતર કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા વ્યાપારિક રોપ રિજિયૉનલ ઍરિકાનટ રિસર્ચ સ્ટેશન, વિટ્ટલ (કર્ણાટક) અને સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિજિયૉનલ સ્ટેશન પરથી પ્રાપ્ત થાય છે. રોપ વચ્ચેનું 2.7 મી. × 2.7 મી. અંતર અનુકૂલતમ ગણાય છે. ખાડાની ઊંડાઈ મૃદાના ભેજ અને જલસ્તર (watertable) ઉપર આધાર રાખે છે. 90 સેમી. ઊંડાઈએ છોડ રોપતાં તેઓ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પુષ્પનિર્માણ વહેલું કરે છે. ઊંડા રોપણથી મૃદાની સપાટીની નીચે રહેલી ગાંઠો પરથી મૂળ ઉત્પન્ન થાય છે; જે વૃક્ષને વધારાનું પોષણ પૂરું પાડે છે અને વધારાનો આધાર આપે છે. જ્યાં ઊંચા જલસ્તરને કારણે અથવા અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે ઊંડું રોપણ શક્ય નથી, ત્યાં વૃક્ષના તલસ્થ ભાગની ફરતે માટીનો નાનો ટેકરો બનાવવામાં આવે છે. અંતરને આધારે પ્રતિ હેક્ટરે 1200થી 3000 રોપ વાવી શકાય છે. જો આંતર-પાક લેવાનો હોય તો પ્રતિ હેક્ટરે 1200થી વધારે રોપ વાવવા જોઈએ નહિ. પ્રથમ રોપણનાં 10થી 12 વર્ષ પછી બે વૃક્ષોની વચ્ચે નવા રોપનું વાવેતર કરવામાં આવે છે. એટલા જ સમય પછી પુનરાવર્તન કરવામાં આવે છે; જેથી ઉત્પાદનનું સાતત્ય જળવાય છે.

ખાતર : જ્યારે રોપ સ્થાપિત થયા હોય ત્યારે 12 ગાડાં લીલાં પર્ણો અને 25 ગાડાં ઢોરોનું ખાતર તથા ભસ્મ પ્રતિ હેક્ટર રોપના તલસ્થ ભાગે બનાવેલા ખાડામાં આપવામાં આવે છે. વળી દર ત્રણ વર્ષે એક વાર 220 કિગ્રા. મગફળીનો ખોળ ઉમેરવામાં આવે છે. વર્ષ દરમિયાન મૃદાની ઊંચી ફળદ્રૂપતા જાળવવા અને વધારે ઉત્પાદન મેળવવા પ્રત્યેક રોપને 100 ગ્રામ નાઇટ્રૉજન, 4-0 ગ્રા. ફૉસ્ફેટ (P2O5) અને 140 ગ્રા. પોટાશ (K2O) ખાતરના સ્વરૂપમાં આપવામાં આવે છે અને 12 કિગ્રા. લીલું ખાતર સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ઉમેરવામાં આવે છે. વરસાદ આધારિત પરિસ્થિતિમાં બીજી માત્રા પૂરતા ઉનાળુ વરસાદ પછી માર્ચ–એપ્રિલમાં આપવામાં આવે છે. પ્રત્યેક તાડની ફરતે તલસ્થ ભાગે 0.75થી 1.0 મી.ના અંતર સુધી ફરતે અને 15થી 20 સેમી. ઊંડાઈ સુધી સપ્ટે. –ઑક્ટો.માં ખાતર આપવામાં આવે છે. બીજી માત્રા પ્રત્યેક તાડની ફરતે પંજેટી વડે હળવેથી ખાંપીને મૃદા સાથે મિશ્ર કરવામાં આવે છે.

NPK ઉપરાંત તાડદીઠ 450 ગ્રા. ચૂનો આપવાથી સોપારીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. ઍસિડિક મૃદામાં ચૂનાનો વધારે પડતો ઉપયોગ ટાળવામાં આવે છે. ચૂનો વહેંચાતી માત્રાઓમાં અપાય તે વધારે સલામત અને અસરકારક છે.

સરેરાશ ફળદ્રૂપ મૃદામાં પુષ્પનિર્માણ કરતા તાડને સારણીમાં દર્શાવ્યા પ્રમાણે ખાતર આપવામાં આવે છે.

સારણી : રોપ્યા પછી ચાર વર્ષે પુષ્પનિર્માણ કરતા તાડને આપવામાં આવતું ખાતર

કુદરતી ખાતર/કૃત્રિમ ખાતર પુષ્પનિર્માણ કરતા તાડ

(રોપણ પછી ચાર વર્ષ બાદ)

500 તાડ

માટે માત્રા

(કિગ્રા.)

એક તાડ

માટે માત્રા

500 તાડદીઠ

ઘટક (કિગ્રા.)

(કિગ્રા.)

લીલાં પર્ણો અને જૈવ ખાતર (compost) 6000 12.0
કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ/એમોનિયમ સલ્ફેટ 125 0.25 25 N
સુપર ફૉસ્ફેટ 139 0.28 25 P2O5
પોટાશ મ્યુરિયેટ 66.6 0.13 40 K2O
કાષ્ઠની ભસ્મ 2000 4.0

મૃદાના પ્રકારને આધારે 3થી 5 દિવસે તાડને એક વાર પિયત આપવામાં આવે છે. વરસાદ-આધારિત પરિસ્થિતિમાં ખાતર અને પિયત સાથે આપવામાં આવે તો એકલા ખાતર કરતાં લગભગ ત્રણ ગણું ઉત્પાદન વધારે મળે છે. જ્યાં પાણીનો પુરવઠો ઓછો હોય ત્યાં ટપક-પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. તાડ જલાક્રાન્ત (water-logged) સ્થિતિ સામે ટકી શકતા નથી; તેથી મૃદાની નિતારશક્તિ પણ સારી હોવી જરૂરી છે.

સોપારીના બગીચામાં કાશ (Saccharum spontaneum) એક ગંભીર અપતૃણ છે. તેનો સંપૂર્ણ મૂળ સહિતનો ભાગ ખોદી કાઢી તેને બાળી નાખવામાં આવે છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં ઘાસની જાતિઓ અપતૃણ તરીકે થાય છે. વધારે વરસાદવાળા પ્રદેશમાં ફેબેસી અને એસ્ટરેસી કુળની વનસ્પતિઓ અપતૃણ તરીકે થાય છે. હાથ વડે નીંદણ ખેંચી કાઢવાને બદલે નીંદણનાશકોના ઉપયોગથી ઓછો ખર્ચો થાય છે. 1.0 % ડાઉપોન (2, 2–ડાઇક્લોરોપ્રૉપિયોનિક ઍસિડ) અને 0.5 % 2, 4–Dનું એમાઇનનું સૉલ્ટ સંયોજિત સ્વરૂપમાં આપતાં મોટાભાગનાં નીંદણોનો નાશ થાય છે. ગ્રેમોક્સૉન, ડાઉપોન, 2, 4, 5 T (2, 4, 5–ટ્રાઇક્લૉરોફિનૉક્સી એસેટિક ઍસિડ) અને 2, 4–Dના ઍમાઇનના સૉલ્ટનો છંટકાવ ધરુવાડિયામાં કરવામાં આવતો નથી, કારણ કે તેઓ બીજાંકુરનો નાશ કરે છે અથવા બીજાંકુરની પ્રારંભિક વૃદ્ધિ અટકાવે છે.મૃદાના પ્રકારને આધારે 3થી 5 દિવસે તાડને એક વાર પિયત આપવામાં આવે છે. વરસાદ-આધારિત પરિસ્થિતિમાં ખાતર અને પિયત સાથે આપવામાં આવે તો એકલા ખાતર કરતાં લગભગ ત્રણ ગણું ઉત્પાદન વધારે મળે છે. જ્યાં પાણીનો પુરવઠો ઓછો હોય ત્યાં ટપક-પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. તાડ જલાક્રાન્ત (water-logged) સ્થિતિ સામે ટકી શકતા નથી; તેથી મૃદાની નિતારશક્તિ પણ સારી હોવી જરૂરી છે.

આંતરપાક : સોપારીને નુકસાન ન પહોંચે અને આંતરપાક તરીકે લઈ શકાય તેવા પાક આ પ્રમાણે છે : કેળ (Musa paradisiaca), ગિની ગ્રાસ (Panicum maximum), કાળાં મરી (Piper nigrum), સૂરણ (Amorphophallus campanulatus), અનનાસ (Ananas comosus), નાગરવેલ (Piper betel), કોકો (Theobroma cacao) અને ઇલાયચી (Elettaria cardamomum). આદું અને હળદર ચોમાસા દરમિયાન આંતરપાક તરીકે ઉછેરી શકાય છે.

રોગો અને જીવાત : સોપારીને ઘણી ફૂગ દ્વારા રોગો લાગુ પડે છે; જેમકે, બદામી રસનો સડો (Polyporus ostreiformis), ફળનો સડો, બીજપતન અને કલિકાનો સડો (Phytophthora palmivora), કંઠનો સડો (Rosellinia cocoes), પુષ્પદંડનો સડો (Diplodia catechu), તલનો સડો (Ganoderma lucidum), પોચો સડો (Dimerosporium arecae, Gloeosporium palmarum), કડવો સડો (Glomerella singulata), થડનું ઝરવું (Ceratostomella parodoxa), કોલે રોગ કે મહાલી (Phytophthora arecae અને Brachysporium arecae), થોડાક રોગો હમણાં નોંધાયા છે; દા.ત., બૅક્ટેરિયા દ્વારા થતો પાનના પટ્ટાનો રોગ (Xanthomonas arecae), કાલવ્રણ (Colletotrichum catechu) અને પરોપજીવી લીલ (Cephaleuros).

ધરુવાડિયાના રોપને Botryodiplodia, Pestalotia, Phyllachora અને Ceriosporaની જાતિઓ દ્વારા ફૂગના કેટલાક રોગો થાય છે. Pestalotiopsis palmarum પાન ઉપર લાલ-બદામી વિસ્તારો ઉત્પન્ન કરે છે અને તેનો ચેપ તીવ્ર બનતાં પર્ણો ખરી પડે છે. દર મહિને 1 % ડાઇથેનનો છંટકાવ, પોટાશનો મ્યુરિયેટ અને એમોનિયમ સલ્ફેટનું ખાતર આપવાથી અને રોગિષ્ઠ પર્ણોનો નાશ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. Curvularia sp. દ્વારા પાનનાં પીળાં ટપકાંનો રોગ થાય છે. રોગ તીવ્ર થતાં રોપ મૃત્યુ પામે છે. 1 % બોર્ડોમિશ્રણના છંટકાવથી રોગની તીવ્રતા ઘટે છે. ફૂગના ચેપના નિયંત્રણ માટે મૅગ્નેશિયમ સલ્ફેટ, બોરિક ઍસિડ, ટેનિન, ડાઇથેનનો ફૂગનાશક તરીકે બે વાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારનાં પાનનાં ટપકાં અને પાનનો સુકારો Colletotrichum corda, Coniothyrium corda, Phomopsis, Phyllosticta, Helminthosporiumની જાતિઓ દ્વારા થાય છે. ખાસ કરીને ખુલ્લી પરિસ્થિતિમાં આ રોગો ઉગ્ર હોય છે. છાંયડાની વ્યવસ્થા અને 1 % બોર્ડોમિશ્રણનો છંટકાવ આવા રોગોનું નિયંત્રણ કરે છે. Fusarium અને Rhizoctoniaની જાતિઓ રોપના મૂળને સુકારાનો રોગ લાગુ પાડે છે. મૃદાને 0.1 % સેરેસન કે લેઇટોસોલ (450 ગ્રા. 680 લિ. પાણીમાં) આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. જલાક્રાન્ત કે અલ્પ નિતારવાળી મૃદામાં રોપના કંઠના ભાગમાં પોચો સડો થાય છે. મૃદાને 0.1 % સેરેસન આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

કોલે રોગ કે મહાલીના રોગમાં નાજુક ફળોની વિવિધ અવસ્થાઓ ઉપર Phytophthora arecae નામની ફૂગ ચેપ લગાડી તેમાં સડો ઉત્પન્ન કરે છે. બોર્ડોમિશ્રણ(1.0 %)ના વર્ષ દરમિયાન બે છંટકાવ, એક દક્ષિણ-પશ્ચિમ મોસમી પવનોની શરૂઆત પહેલાં અને બીજો ચાલીસ દિવસ પછી કરવાથી લાભ થાય છે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં 3થી 4 છંટકાવ જરૂરી છે. પડી ગયેલાં ફળોને બાળી નાખવામાં આવે છે.

જીવાત : કેટલાક કીટકો; જેમ કે, રસ ચૂસનારાં, પાન ખાનારાં, પુષ્પવિન્યાસની ઇયળો, ભમરા અને ઊધઈ સોપારીને ગંભીર નુકસાન પહોંચાડે છે. કેટલાક પરોપજીવી કૃમિઓ અને સસ્તનો પણ પાકને નુકસાન કરે છે.

રસ ચૂસનારાં કીટકો : આ સમૂહમાં થ્રિપ્સ, માંકડ, ચાંચડ, એફિડ અને શલ્ક કીટકોનો સમાવેશ થાય છે.

માંકડ : રતાશ પડતા બદામી માંકડ(Caravalhoia arecae)ને સામાન્ય રીતે ત્રાક માંકડ કહે છે અને મધ્યસ્થ ટોચ અને જૂનાં પર્ણો ખાય છે અને રસમાંથી પોષણ મેળવે છે. તેના નિયંત્રણ માટે ફિશ-ઑઇલ રોસિન સાબુ (80 લિ. પાણીમાં 1 કિગ્રા.), ઍન્ડ્રેક્સ (700 લિ. પાણીમાં 1 કિગ્રા.) અથવા પ્રવાહી ફોલીડોલ(4.5 લિ. પાણીમાં 1 મિલી.)નો છંટકાવ કરવામાં આવે છે.

જુઆ : તેઓ પર્ણની નીચેની સપાટીએ વસાહત-સ્વરૂપે રહે છે અને પર્ણની પેશીઓમાંથી રસ ચૂસે છે. અસરગ્રસ્ત ભાગો બદામી-પીળા રંગના અને પાછળથી ઘેરા બદામી રંગના બને છે. આક્રમણ કરતા જુઆના બે પ્રકારો છે : સફેદ (Paratetranychus indicus) અને લાલ (Raoiella indica). નારંગી રંગની એક જાતિ નાજુક ફળના વજ્રના અંદરના ચક્રમાં મળી આવી છે. ભેજગ્રાહી સલ્ફર(45થી 68 લિ. પાણીમાં 450 ગ્રા. સલ્ફર)નો છંટકાવ જુઆનું નિયંત્રણ કરે છે. પ્રવાહી મેલેથિયોન અને અકર–338 ઈંડાની અવસ્થાએ અને સાયફોસ (PP–175), સલ્ટેફ અને ટ્રાઇથિયૉન પરિપક્વ અવસ્થાએ વિશાળુ છે. 0.1 % કેલ્થેન અને થાયોમેટોન પુખ્ત લાલ જુઆ માટે વિષાળુ છે. જુઆનું જૈવિક નિયંત્રણ વર્મપંખી (Colepterous) ભક્ષકો; જેવા કે, Aspectes indicus, Cybocephalus semipictis અને Stephorus spp. દ્વારા થાય છે.

થ્રિપ્સ : તેઓ નાનાં ઘેરાં બદામી કીટકો છે અને પર્ણોની નીચેની સપાટીએ વસાહત સ્વરૂપે રહે છે. આક્રમણ કરતી સૌથી સામાન્ય જાતિ Rhipiphorothrips cruentatus છે. કેટલીક વાર તેઓ સમગ્ર પર્ણ ખાઈ જાય છે. પ્રવાહી ફોલીડોલ, પેરાથિયોન કે મેલેથિયોન અને તમાકુનો ક્વાથ આ કીટકોનું નિયંત્રણ કરે છે.

ઍફિડ : Cerataphis lataniae પુષ્પવિન્યાસ અને ફળ ખાય છે. તેથી ફળનો વિકાસ રૂંધાય છે અને અપરિપક્વ ફળો ખરી પડે છે. પુષ્પવિન્યાસ અને ફળો ઉપર પેરેથિયોન કે મેલેથિયોનનો છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ થાય છે.

Manatha albipes, નાળિયેરની જીવાત છે અને સોપારીનાં પર્ણોની નીચેની સપાટીએથી રસ ચૂસી ગંભીર નુકસાન પહોંચાડે છે. તેનું નિયંત્રણ 0.2 % DDT કે BHCના છંટકાવ દ્વારા થાય છે. કેટલીક માંકડની જાતિઓ અને શલ્ક કીટકો રોપનાં પર્ણો અને પ્રકાંડમાંથી રસ ચૂસે છે. 0.04 % ડાયેઝિનોન, ડાઇક્લોરોવોસ (DDVP), ફૉસ્કામિડોન, મોનોક્રોટોફોસ કે ક્વિનેલ્ફોસ શલ્કી કીટકો અને માંકડનું નિયંત્રણ કરે છે.

પાન ખાતી ઇયળો અને વેધકો (borers) : Elymnias caudata પર્ણો ખાય છે અને પર્ણસપાટીનું ક્ષેત્ર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડે છે. તેના કુદરતી દુશ્મન Brachymeria sp. દ્વારા નિયંત્રણ થાય છે; જે ઇયળ ઉપર ઈંડાં મૂકે છે. Nephantis serinopa નાળિયેર પર થતી સામાન્ય જીવાત છે, તે પણ સોપારીનાં પર્ણોને નુકસાન પહોંચાડે છે. રોગિષ્ઠ પર્ણોને બાળી નાખવાથી અને 0.2 % DDTના છંટકાવથી રોગનિયંત્રણ થાય છે. Diocalandra stigmaticollis, Rhynchophorus ferrugineas જેવી ધનેડાની જાતિઓ; Xyleborus perforans જેવી વિવિધભક્ષી (polyphagus) ભમરાની જાતિ; Lepidiota sp., Leucopholis lepidophora જેવી ગણગણ કરતી ભમરાની જાતિઓની ઇયળો; Tirathaba mundella જેવી પુષ્પવિન્યાસની ઇયળો વગેરે સોપારીની વિવિધ અવસ્થાઓમાં આક્રમણ કરે છે. Araecerus fasciculatus નાનો આછા ભૂખરા રંગનો ભમરો છે અને પર્ણો તથા પરિપક્વ થતાં ફળો ઉપર જીવે છે. 0.2 % BHC કે 0.04 % એન્ડોસલ્ફાનના છંટકાવ દ્વારા આ જીવાતનું નિયંત્રણ થાય છે.

ઊધઈ : ધરુવાડિયામાં રહેલા તરુણ રોપાઓ અને ફળોને સફેદ ઊધઈ (Odontotermes sp.) દ્વારા નુકસાન થાય છે. રોપેલા અંકુરોને અને વિકસિત તાડની છાલને સફેદ ઊધઈ ખૂબ નુકસાન પહોંચાડે છે. તેના નિયંત્રણ માટે પેરેથિયોન, BHC, એલ્ડ્રિન, પેન્ટાક્લૉરોફિનૉલ કે ક્લોર્ડેન જેવાં જંતુનાશકોની ભલામણ કરવામાં આવી છે.

સૂત્રકૃમિઓ : પરોપજીવી સૂત્રકૃમિઓ; જેવા કે, Helicotylenchus sp., Hemicriconemoides sp., Meloidogyne javanica, Pratylenchus coffeae, Radophalus similis અને Tylenchorhynchus sp. સોપારીના મૂળની આસપાસ જોવા મળે છે. નેમાગોન 100 % EC 22 લિ./હે. સિંચિત પાણી સાથે આપવામાં આવે છે. દવા આપતી વખતે પાણીનું સમતલ 10થી 15 સેમી. ઊંચું રહેવું જરૂરી હોય છે.

લણણી અને ઉત્પાદન : વાવણી પછી 10થી 12 વર્ષે સોપારીમાં પુષ્પનિર્માણ થાય છે. ફક્ત 46 %થી 66 % જેટલાં માદા પુષ્પોમાં ફળ બેસે છે અને પરિપક્વ બને છે. નરવંધ્યતા ઓછા ઉત્પાદન માટે કારણરૂપ હોય છે. લણણીનો સમય અને તેની શરૂઆત સ્થળ પ્રમાણે બદલાતાં રહે છે. વર્ષ દરમિયાન 40થી 50 દિવસના અંતરે ત્રણ વાર વીણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ચાર વાર વીણી થાય છે. ફળો સીધેસીધાં મજૂરો દ્વારા અથવા દાતરડાવાળા લાંબા વાંસની મદદથી વીણવામાં આવે છે. ફળનું રેસામય મધ્યફલાવરણ (mesocarp) સોપારીનું રક્ષણ કરે છે. કાચાં ફળોની વીણી પુષ્પનિર્માણ ઝડપી કરે છે; એટલું જ નહિ, પરંતુ તેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે. સામાન્ય રીતે સોપારી પરિપક્વ બને ત્યારે લણણી કરવામાં આવે છે. પાકાં ફળોનો રંગ એકસરખો ચકચકિત પીળો અથવા નારંગી છાંટ સાથે પીળો અથવા આછા લાલ રંગનો હોય છે.

લણણી કરેલાં ફળોને ઓવનમાં અથવા સિમેન્ટના તળિયા પર સૂકવવાની ભલામણ કરવામાં આવી છે; જેથી નુકસાન ન થાય.

ઉત્પાદન : દરેક વૃક્ષ દર વર્ષે ફળના બે કે ત્રણ સમૂહો ઉત્પન્ન કરે છે. પ્રત્યેક સમૂહમાં 150થી 250 ફળો હોય છે. મોટાં ફળો ધરાવતા સમૂહમાં 50થી 100 જેટલાં ફળો હોય છે. પ્રતિવર્ષ 200થી ઓછાં ફળોનું ઉત્પાદન આપતા તાડ બિન-આર્થિક ગણવામાં આવે છે અને તેવા તાડનો નિકાલ કરવામાં આવે છે.

સોપારી કાં તો કાચી અથવા સંસાધિત (cured) વાપરવામાં આવે છે. સામાન્ય રીતે જોવા મળતી સોપારીઓના પ્રકાર આ પ્રમાણે છે : (i) કાચી સોપારી, (ii) સૂકી પાકી સોપારી, (iii) સંસાધિત સોપારી અને (iv) પાણીમાં કે રસાયણોથી પરિરક્ષિત (preserved) પાકી સોપારી.

(i) કાચી સોપારી : બજાર માટે માત્ર પાકાં ફળો એકત્રિત કરવામાં આવે છે. લણણીની ઋતુ દરમિયાન પાકાં ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. બિન ઋતુના ઉપયોગ માટે છોતરા સાથે સોપારી 1.2થી 1.5 મી. ઊંડા ખાડામાં સંગ્રહવામાં આવે છે. સોપારી પાણી વડે

ભીની કરી તેમને સ્તરોમાં ગોઠવવામાં આવે છે અને સૌથી ઉપર સાદડી ઢાંકી તેના ઉપર માટીનું સ્તર ચઢાવવામાં આવે છે. સોપારીને માટીના મોટા પાત્રમાં કે કૉંક્રીટની ટાંકીમાં પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. ખરાબ ગંધ દૂર કરવા વખતોવખત પાણી બદલવામાં આવે છે.

(ii) સૂકી પાકી સોપારી : આખાં પાકાં ફળો સૂર્યના તાપમાં 6થી 7 અઠવાડિયાં સુધી તેમાં ભેજનું પ્રમાણ આશરે 10 % જેટલું મેળવવા સૂકવવામાં આવે છે. પછી છોતરાં કાઢી લેવામાં આવે છે. સિમેન્ટના તળિયા ઉપર પાકાં ફળો સૂકવવાથી તેમને ફૂગના ચેપનું પ્રમાણ 5 % જેટલું જ રહે છે. આ રીતે સૂકવેલી સોપારી સંસાધિત સોપારી કરતાં રંગમાં ઊતરતી હોય છે અને તેના સ્વાદને પણ અસર થાય છે. આ હેતુ માટે હાલમાં યાંત્રિક શુષ્કક(drier)નો ઉપયોગ કરવામાં આવે છે; જેથી સારી ગુણવત્તાવાળી સોપારી મળે છે અને સમય પણ ઘટી જાય છે.

(iii) સંસાધિત સોપારી : કાચી સોપારીમાં 21.6 %થી 30.2 % જેટલું ટેનિન હોય છે. સોપારીનું સંસાધન કરવાથી રંગ અને તેમના સ્વાદમાં સુધારણા થાય છે અને ગુણવત્તા જળવાય છે. તેમાં ટેનિનનું પ્રમાણ 8.0 %થી 15.0 % જેટલું થાય છે.

સોપારીના સંસાધન માટેના કેટલાક તબક્કાઓ છે : (1) દંડ પરથી સોપારીઓનું અલગીકરણ, (2) છાલ ઉતારવી (husking), (3) પતીકાં પાડવાં (slicing), (4) ક્વથન (boiling) અને (5) સોપારીનું શુષ્કન.

(iv) પાણીમાં કે રસાયણોથી પરિરક્ષિત પાકી સોપારી : તાજાં ફળોને ક્લોરિનયુક્ત પાણી(100 પીપીએમ ક્લોરિન)માં ધોવામાં આવે છે, જેથી ચોંટેલો કચરો અને અવશેષિત ફૂગનાશક છંટકાવ દૂર થાય છે. ત્યાર પછી 0.2 % કૅલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉકાળવામાં આવે છે, જેથી સપાટી પર રહેલા સૂક્ષ્મજીવો દૂર થાય છે અને અંતે 0.1 % સોડિયમ બેન્ઝોએટ અને 0.2 % પોટૅશિયમ મેટાબાઇસલ્ફાઇટના દ્રાવણમાં રાખવામાં આવે છે. (જેનો હાઇડ્રૉક્લોરિક ઍસિડ કે ફૉસ્ફોરિક ઍસિડ દ્વારા pH 3.5થી 4.0 કરી ઍસિડીકરણ કરવામાં આવે છે.) સોપારી આ પદ્ધતિ દ્વારા 12 માસથી વધારે સમય સુધી સંગ્રહી શકાય છે.

રાસાયણિક બંધારણ અને ઉપયોગ : તાજી સોપારીનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે હોય છે : પાણી 31.3 ગ્રા., પ્રોટીન 4.9 ગ્રા., લિપિડ 4.4 ગ્રા., રેસો 11.2 ગ્રા., કાર્બોદિતો 47.2 ગ્રા. અને ખનિજો 1.0 ગ્રા./100 ગ્રા.. ખનિજ-ઘટકો આ પ્રમાણે હોય છે : કૅલ્શિયમ 50.0 મિગ્રા., ફૉસ્ફરસ 130.0 ગ્રા., લોહ 1.5 મિગ્રા./100 ગ્રા. કૅરોટિન અને ઊષ્મીય મૂલ્ય (calorific value) અનુક્રમે 3.0 માઇક્રોગ્રામ/100 ગ્રા. અને 249 કૅલરી/100 ગ્રા. હોય છે. સોપારીમાં શુષ્કતાને આધારે 15.0થી 17.7 % તેલ હોય છે. તેનું ઍસિડ-મૂલ્ય 0.3, સેપોનિન-મૂલ્ય 249.0, આયોડિન-મૂલ્ય 27.0 અને અસાબુનીકૃત (unsaponifiable) દ્રવ્ય 0.6 % હોય છે.

સોપારીમાં ટેનિન 8.0 %થી 18.0 %, અ-ટેનિન 7.0 %થી 15 % અને અદ્રાવ્ય દ્રવ્યો 42.44 %. ટેનિનને સામાન્ય રીતે ‘ચોગારૂ’ કહે છે અને તેઓ મુખ્યત્વે કૅટેચોલ ટેનિનના બનેલા હોય છે. તેનો ઉપયોગ ચર્મશોધનમાં, માછીમારીની જાળ બનાવવામાં અને શાહી બનાવવામાં થાય છે. તેનો ખોરાક માટે સાંશ્લેષિક રંગ બનાવવામાં ઉપયોગ થાય છે. બગડેલી સોપારીઓના લિપિડરહિત દ્રવ્યના ક્લૉરોફૉર્મના નિષ્કર્ષમાં એફલેટૉક્સિન હોય છે.

સોપારીમાં પાયરિડિન સમૂહનાં કેટલાંક આલ્કેલૉઇડ હોય છે. તે પૈકી દેહધાર્મિક દૃષ્ટિએ સૌથી મહત્વનું આલ્કેલૉઇડ એરેકૉલિન છે. અન્ય આલ્કેલૉઇડોમાં એરેકેઇડિન, એરેકોલિડિન (C8H13O2N, ગ.બિં. 110° સે.), ગુવેસિન, ગુવેકૉલિન, આઇસો-ગુવેસિન (C8H9O2N, ગ.બિં. 22° સે.), નૉરએરેકેઇડિન અને નૉરએરેકૉલિનનો સમાવેશ થાય છે.

એરેકૉલિનની પિલોકાર્પિન જેવી અસર હોય છે. તે કોલીનધર્મોત્તેજક (cholinergic) છે અને સામાન્ય માત્રાએ લાળસ્રાવી (sialogogue) અને સ્વેદક (diaphorectic) પ્રક્રિયા દર્શાવે છે; પરંતુ વધારે માત્રાએ કેન્દ્રસ્થ ચેતાતંત્રનું અવનમન કરે છે અને સ્નાયુઓને લકવો લાગુ પડે છે. તેની નેત્રપ્રેરક (oculomotor) ચેતા ઉપર ઉત્તેજક અસર થાય છે. તેથી કીકીને સહેજ લકવાની અસર થાય છે; તે પહોળી બને છે અને નેત્રવિસ્ફાર (mydriasis) થાય છે. યકૃતના સમાંગદ્રવ્ય(homogenate)માં એરેકૉલિનનું એરેકેઇડિનમાં વિઘટન થાય છે, જેની પરાનુકંપી-અનુકારી (parasympathomimetic) અસરો હોતી નથી; પરંતુ માત્ર ઉત્તેજક ગુણધર્મો દર્શાવે છે. એરેકેઇડિનની ઉચ્ચ માત્રામાં શામક (sedative) અસર હોય છે. એરેકૉલિન મોનોએમાઇન ઑક્સિડેઝની અવરોધક સક્રિયતા અલ્પ માત્રામાં દર્શાવે છે. એરેકૉલિન હાઇડ્રોક્લોરાઇડ રિસર્પિન મંદવિરોધી (antagonist) તરીકે વર્તે છે.

ઉપયોગ : સોપારીનો ઉપયોગ મુખવાસ તરીકે એકલો કે પાન સાથે કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઔદ્યોગિક અને ઔષધીય હેતુઓ માટે પણ થાય છે.

સોપારીનું ચૂર્ણ ડાયેરિયા અને મૂત્રોત્સર્જન સંબંધી તકલીફોમાં આપવામાં આવે છે. કાચી સોપારી રેચક હોય છે; પરંતુ તે ર્દષ્ટિને અસર કરતી હોવાનું મનાય છે. સોપારી વ્રણ ઉપર અને ચામડીના રોગો ઉપર લગાડવામાં આવે છે. તે કૃમિહર (anthelmintic) છે અને પશુઓ માટે કૃમિહર તરીકે વપરાય છે. સૂકી સોપારીના ચૂર્ણની પેસ્ટ દંતમંજનમાં ઉપયોગી છે. સૂકી સોપારી શ્વાસ તાજો રાખે છે, પેઢાં મજબૂત બનાવે છે અને મન ઉપર ઉત્તેજક અને ઉલ્લાસક (exhilarant) અસર ઉત્પન્ન કરે છે. સોપારી ચૂસવાથી ફ્લોરાઇડ સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સોપારીની લિપિડમાં મિરિસ્ટિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનો મિરિસ્ટિક ઍસિડ અને તેના વ્યુત્પન્નોના ઉત્પાદનમાં ઉપયોગ થઈ શકે છે. સોપારીની ચરબીને કોકોબટર સાથે 1 : 1ના પ્રમાણમાં મિશ્ર કરી કોકોબટરની અવેજીમાં કે હાઇડ્રોજનીકૃત (hydrogenated) કોપરેલ માટે મીઠાઈમાં અને ડેરીની અનુકારી ઊપજોમાં ઉપયોગ કરી શકાય છે. દવાની પિંડલી(suppository)ના સામાન્ય સક્રિય ઘટકો તરીકે કાર્ય કરતાં અનેક રસાયણો સાથે સોપારીની ચરબી સંગત (compatible) માલૂમ પડી છે.

સોપારીનો જલીય નિષ્કર્ષ તીવ્રતા અને સમય બંને રીતે એડ્રિનાલિનની ક્રિયાને સક્ષમ બનાવે છે. જલીય, આલ્કોહૉલીય, આલ્કેલાઇન અને ઍસિડ-નિષ્કર્ષો રુધિરકેશિકાઓનું સંકોચન કરે છે.

તાજી સોપારીનો જલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Trichophyton rubrumના આલ્કોહૉલીય નિષ્કર્ષ Excherichia coli અને Candida albicansની વૃદ્ધિને અવરોધે છે. બિનઆલ્કેલૉઇડ ઘટક સૂક્ષ્મજીવરોધી ગુણધર્મો ધરાવે છે. ફળના નિષ્કર્ષો ફૂગનાશક સક્રિયતા દર્શાવતા નથી.

સોપારીનું ચર્વણ (chewing) મોંના કૅન્સર માટે ટેનિનને કારણે પ્રેરક પરિબળ હોઈ શકે છે. સોપારી ખાનારાઓમાં દાંતનું ઘર્ષણ, પેઢાનો સોજો અને દંત-ઉલૂખલ વિદ્રધિ (dento-alveolar abscess) વધારે પ્રમાણમાં જોવા મળે છે. એવું મનાય છે કે દૂરના પૂર્વના દેશોમાં પશ્ચિમના દેશો કરતાં મોંના કૅન્સરનું પ્રમાણ વધારે હોય છે; કારણ કે ત્યાંના લોકોને સોપારી, તમાકુ અને વિવિધ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોની બનેલી ગોળીઓ ચાવવાની ટેવ હોય છે.

ટેનિન દેહધાર્મિક ક્રિયા માટે જવાબદાર છે. સોપારીના જલીય નિષ્કર્ષના ઇથાઇલ એસિટેટ ઘટક અને પ્રોજેસ્ટિરોનની ઉંદરના ગર્ભાશયને ચિકિત્સા આપતા ઋતુચક્રના બધા તબક્કાઓની આકર્ષજન (spasmogenic) સક્રિયતા અને અંત:સ્રાવી અસરોની તુલનામાં તે વધારે ક્રિયાશીલ માલૂમ પડી છે. સોપારીનો આલ્કોહૉલીય નિષ્કર્ષ અત્યંત ઓછી ઑક્સિટોસીય (oxytocic) સક્રિયતા દર્શાવે છે.

સોપારીના પેટ્રોલિયમ ઈથર, આલ્કોહૉલીય અને જલીય નિષ્કર્ષો રંગહીન (albino) ઉંદરોમાં ગર્ભસ્થાપનરોધી (anti-implantation) સક્રિયતા દર્શાવે છે. પેટ્રોલિયમ ઈથરનો નિષ્કર્ષ રંગહીન ઉંદરોમાં ગર્ભપાતી (abortifacient) સક્રિયતા દાખવે છે. જોકે સોપારીના ત્રણેય પ્રકારના નિષ્કર્ષો સસલામાં અંડપાતરોધી (anti-ovalatory) સક્રિયતા દાખવતા નથી. માદા રંગહીન ઉંદરોમાં સોપારીના તેલનાં ફળદ્રૂપતારોધી (anti-fertility) પરિણામો પ્રાપ્ત થયાં છે.

આયુર્વેદ અનુસાર સામાન્ય સોપારી મોહક, તૂરી, સ્વાદુ, રુચ્ય, સ્વરક, મધુર, ગુરુ, કિંચિત્ તીખી, પથ્ય અને દીપન હોય છે. તે મુખવૈરસ્ય ત્રિદોષ, ઊલટી, ક્લેદ, મળ, કફ, વાયુ, પિત્ત અને દુર્ગંધીનો નાશ કરે છે. લીલી સોપારી અભિષ્યંદી, ગુરુ, તૂરી, શુદ્ધિકારક અને સારક હોય છે. તે દૃષ્ટિ તથા અગ્નિમાંદ્યકારક અને મુખમળ, રક્તદોષ, પિત્ત, કફ, ઉદર અને આધ્માનનો નાશ કરે છે. સૂકી સોપારી રુચિકારક, પાચક, રેચક, વાતલ અને સ્નિગ્ધ હોય છે અને ત્રિદોષ તેમજ કંઠરોગનો નાશ કરે છે. પાન સિવાય ઘણી ખાવાથી પાંડુરોગ અને સોજો કરે છે. પાકેલી લીલી સોપારી છેદક અને ત્રિદોષનાશક હોય છે. સૂકી પાકેલી સોપારી વાતલ, સ્નિગ્ધ અને ત્રિદોષનાશક હોય છે. ચીકણી સોપારી સર્વદોષ દૂર કરે છે. સોપારીના ઝાડનો ચીક શીતળ, સંમોહન, ગુરુ, પાક વખતે ઉષ્ણ, ખારો, ખાટો અને પિત્તલ હોઈ વાયુનો નાશક હોય છે.

સોપારીનો ઉપયોગ ઊલટી, મૂત્રાઘાત, આમવાત, આધાશીશી, વિસર્પ અને ચાઠાં, કૃમિ, ખસ, લાપોટિયું અને ઢોરોના ખાવામાં ઝેરી કીડા આવવાથી રેચ થાય તે ઉપર કરવામાં આવે છે.

કોમળ પર્ણોનો શાકભાજી અને સલાડ તરીકે ઉપયોગ થાય છે. કફ અને શ્વાસનળીની તકલીફોમાં પર્ણો ઉપયોગી છે. કોમળ પર્ણોના રસને તેલ સાથે મિશ્ર કરી કટિવેદનામાં લગાડવામાં આવે છે. લીલા કોમળ પ્રરોહોનો ગર્ભપાતી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોની મધ્યશિરાઓ સૂકવીને તેનો ખપાટિયાની અવેજીમાં ઉપયોગ કરી શકાય છે. પર્ણોને ગૂંથીને થેલીઓ, ટોપલીઓ અને સાદડીઓ બનાવાય છે. પર્ણિકાઓની મધ્યશિરાઓ બાંધીને સાવરણીઓ બનાવાય છે. પર્ણ-આવરકની પાતળી અંદરની શિરા સિગારેટના પરિવેષ્ટનમાં વપરાય છે. પર્ણોનો શાકભાજીની ફરતે વીંટાળવામાં ઉપયોગ થાય છે. પર્ણ-આવરકોને 10 સે. માટે 158° સે. તાપમાન આપતાં તેઓ સ્થિતિસ્થાપક બને છે અને તેમાંથી પ્યાલા અને થાળી બનાવવામાં આવે છે. તેના રંગ અને સપાટી ઉપર દાણાઓની વિભિન્નતાને કારણે નવી આકર્ષક વસ્તુઓ બનાવી શકાય છે. અન્ય કેટલીક ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ જેવી કે નાની બૅગ, ચા કે કૉફીની ટ્રે, ચશ્માંનાં ઘરાં, પેટીઓ વગેરે બનાવવામાં આવે છે. પર્ણો સાથે યીસ્ટ(Saccharomyces cerevisiae)નું સંરોપણ કરી ઔદ્યોગિક આલ્કોહૉલના ઉત્પાદનમાં આથવણ-ઉત્તેજક તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવે છે.

મૂળનો ક્વાથ હોઠના ચીરા મટાડવામાં વપરાય છે. મૂળનો ઉપયોગ યકૃતના રોગમાં પણ થાય છે. છાલનો વાયુવિકાર (flatulence) અને જલશોફ (dropsy) તેમજ કૉલેરા જેવી બીમારીઓમાં અવરોધહારક (deobstruent) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

કાષ્ઠ બદામી ભૂખરું, મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. તેનો ઉપયોગ લેખનસાહિત્યની વસ્તુઓ, ફૂટપટ્ટીઓ, કચરાની ટોપલીઓ, આંકણીઓ, ચાલવાની લાકડીઓ, હળના દંડ, પેપરકટરો, નાનાં ટેબલ, પુસ્તકો માટેની અભરાઈ વગેરે બનાવવામાં થાય છે. પ્રકાંડમાંથી ગર કાઢી લીધા પછી તેમનો જલનિકાસ માટે કે પિયત માટે પાઇપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કાષ્ઠ અને છાલનો ચર્મશોધનમાં ઉપયોગ થાય છે.

પર્ણો, પર્ણ-આવરકો અને છોતરાંનો કાર્બનિક ખાતર બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. અમેરિકાના કેટલાક ઉષ્ણ પ્રદેશોમાં તે શોભાની વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.

હરેશકુમાર લાધાભાઈ ધડુક