સોનામા ગિરિનિર્માણ : પર્મિયન ભૂસ્તરીય કાળ દરમિયાન વાયવ્ય નેવાડા વિસ્તારમાં કૉર્ડિલેરન ભૂસંનતિના ઊંડા જળરાશિમાંથી ઉત્થાન પામેલી ગિરિનિર્માણ-ઘટના. વર્તમાન પૂર્વે અંદાજે 28 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેના પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયન સમયગાળા દરમિયાન ગિરિનિર્માણની આ ઘટના બનેલી.
આ ગિરિનિર્માણક્રિયાના બે સ્પષ્ટ પુરાવા આજે પણ જોવા મળે છે : (1) અંતિમ પર્મિયન જ્વાળામુખીજન્ય ખડકો અને તેનાથી જૂના વયના ખડકો વચ્ચે કોણીય અસંગતિ મળે છે, જે સ્તરરચનાત્મક લક્ષણનો પુરાવો પૂરો પાડે છે. (2) ‘ગોલકોંડા અતિધસારા’ નામના ધસારા સ્તરભંગથી અંતિમ પર્મિયન કાળ પૂર્વેના ખડકો ઘણા કિમી.ના અંતર સુધી પૂર્વ તરફ ખસી ગયેલા જોવા મળે છે, તે રચનાત્મક ભૂસ્તરશાસ્ત્રીય લક્ષણનો પુરાવો પૂરો પાડે છે.
ગિરીશભાઈ પંડ્યા