નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ (જ. 2 જૂન 1939, તિરુવલ્લ ગામ, કેરળ) : મલયાળમ લેખક. એમનું કુટુંબ ત્રણ પેઢીથી કર્ણાટકથી કેરળમાં આવીને વસેલું. દાદા પાસે સંસ્કૃત શીખ્યા અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન શેફર્ડના વિદ્યાર્થી બન્યા ત્યારે અંગ્રેજી કવિતા માટે શોખ જાગ્યો. સંસ્કૃત સાથે બી. એ. થયા. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ છે અને એન. વી. કૃષ્ણ વૉરિયરના પ્રભાવ હેઠળ ન આવ્યા હોત તો તેમની મધુર સ્વપ્નલીલા, સૂક્ષ્મ કલ્પનાશક્તિ તથા અંતર્મુખતાના કારણે તે રોમૅન્ટિક પ્રવાહ તરફ જ વળ્યા હોત. એમનાં મહત્વનાં પુસ્તકો ‘સ્વાતંત્ર્ય ટેકુરિયેચોરુગીતમ્’, ‘ભૂમિગીતંગલ’, ‘ઇન્ડિયેન્નાવિકમ’ તથા ‘અપરાજિતા’ છે. એમની પાસેથી 13 કાવ્યસંગ્રહો મળ્યા છે. ત્રણ નિબંધસંગ્રહ એમણે પ્રકાશિત કર્યા છે અને ચાર અનુવાદના ગ્રંથો આપ્યા છે. એ અંગ્રેજીના પ્રાધ્યાપક છે.
તેઓ વાયલાર ઍવૉર્ડ, વલ્લથોલ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, કેરાલા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, આસાન પ્રાઇઝ, સી. વી. કુન્હીરામન્ સાહિત્યિક પ્રાઇઝ અને ‘પદ્મશ્રી’થી સન્માનિત થયા છે.
ચન્દ્રકાન્ત મહેતા