નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર, મુખ્યત્વે કવયિત્રી જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યા હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની.; 1956માં એમ.એ.ની; 1962માં અમેરિકાના ફિલાડેલ્ફિયાની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એસ.ની લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી તથા 1972માં ફિલાડેલ્ફિયાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની ડિગ્રી મેળવી. 1964થી 2003 દરમિયાન તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ 1985થી 2002 દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 2004માં તેમના પતિ નિકુલ નાયકનું અવસાન થયું.
કાવ્યલેખનનો પ્રારંભ 1972થી શરૂ થયો. કશા જ સંકોચ અને છોછ વિના એકદમ પારદર્શી લખનાર લોકપ્રિય કવયિત્રી છે.‘સ્નેપશૉટ’ એ એમનું પ્રથમ કાવ્ય 1971માં લખેલું અને મુંબઈ ‘કવિતા દ્વૈમાસિક’માં 1972માં પ્રથમવાર છપાયેલું
‘પ્રવેશ’ (1975), ‘ફિલાડેલ્ફિયા’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન (1991), ‘વિદેશિની: સમગ્ર કવિતા’ (2000), ‘ચેરી બ્લોસમ્સ’ (2004), ‘રંગઝરૂખે (2004), ‘અત્તર અક્ષર’ (હાઈકુ સંગ્રહ) એમના કાવ્યસંગ્રહો છે.
તેમના કાવ્યો વિદેશના આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષો સાથેના સંબંધો, લગ્ન જીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઇ છે. એમનાં કાવ્યોમાં વિષાદ વધુ છે, માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના છે, અને ભારતનો ઝુરાપોપણ છે.
તેમના પર અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો, તૈમના કાવ્ય સંગ્રહ ‘લવ પોએમ્સ’ (1967) વડે તેમને કવિતા લખવાની પ્રેરણા મળી હતી. તેમણે ભારતીય તેમજ વિદેશી કાવ્ય પ્રવાહોમાંથી પ્રેરણા લીધી હતી. છાંદસ-અછાંદસ, ગીત, સૉનેટ, મુક્તક, દીર્ઘ કાવ્યો અને લઘુ શબ્દચિત્રો વગેરે કાવ્યરૂપોમાં તેમની સરળ અને ભાવપોષક ભાષા દ્વારા પ્રગટ થઈ છે.
‘ફ્લેમિન્ગો’ (2003) તેમનો વાર્તાસંગ્રહ છે; જેમાં અમેરિકન અને ભારતીય સંસ્કૃતિઓમાં વહેંચાયેલા આધુનિક માનવીના ભાવવિશ્વને તેમણે વાર્તાઓમાં આલેખ્યું છે.
એમનાં ઘણા કાવ્યો ભારતની ઘણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે એમની ઘણી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું અંગ્રેજી રૂપાંતર પણ થયું છે જેમાંની ઘણી અમેરીકાના ઘણા મેગેઝીનોમાં પણ છપાયેલ છે.
‘પ્રવેશ’ કાવ્યસંગ્રહને 1978માં ગુજરાત રાજ્ય-સરકાર દ્વારા પ્રથમ પારિતોષિક એનાયત થયેલું. અમેરિકાની ગુજરાતી સાહિત્ય માટેની અકાદમીએ પણ તેમનું ગૌરવ-સન્માન કરેલું, 2002માં ચુનિલાલ વેલજી મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
અમૃત ચૌધરી
દર્શના ધોળકિયા