નાનભટ્ટજી (. 1848, સ્વામીના ગઢડા; . 1935, ગઢડા) : આયુર્વેદના એક અગ્રણી વૈદ્ય. પ્રકાંડ પંડિત, આદર્શ ગુરુ તથા નિ:સ્પૃહી જનસેવક તરીકે વિખ્યાત. લોકો હેતથી તેમને ‘વૈદ્યબાપા’ કહેતા.

પિતા તપોનિષ્ઠ સત્પુરુષ અને જ્યોતિષી હતા. નાનભટ્ટ તેમના મોટા પુત્ર. તેમણે ચાંદોદ-કરનાળીમાં વાસ કરી, પિતાની જેમ વર્ષો સુધી સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ કરી, ગઢડા આવીને આયુર્વેદ દ્વારા લોકોની આરોગ્યસેવાનો ભેખ લીધો. તેમણે ગઢડામાં 18મે વર્ષે દવાખાનું શરૂ કર્યું અને તે સાથે આયુર્વેદનું મહાવિદ્યાલય પણ શરૂ કર્યું. વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે પોતાની પાસે રાખી તેમને આયુર્વેદની ઉત્તમ વ્યાવહારિક તાલીમ આપતા. વિદ્યાર્થી વિદાય લે, ત્યારે તેને પુસ્તકો, ખરલબત્તો અને દવાઓ આપી દવાખાનું શરૂ કરવામાં મદદ કરતા. પોતાના શિષ્યોની તેઓ વારંવાર જાતે મુલાકાત લઈ, તેમને ત્યાં જઈ, તેમનું જ્ઞાન પાકું કરાવતા. પોતે શીખેલ નવું જ્ઞાન પણ તેમને શીખવતા. ગુરુદક્ષિણા રૂપે પણ શિષ્યો પાસેથી કંઈ ન લેતા.

નાનભટ્ટજી એક હરતીફરતી હૉસ્પિટલ જેવા સદાકાળ જાગ્રત નિ:સ્વાર્થ જનસેવક હતા. કોઈ પણ દર્દી તેમને એક પત્ર માત્ર લખીને જાણ કરે કે તેઓ દર્દીને ઘરે પહોંચી તેની ખૂબ પ્રેમથી પણ કડક પરેજી પળાવીને, ઘરગથ્થુ વનસ્પતિજ ઔષધિઓથી એવી તો ઉત્તમ સારવાર કરતા કે તેઓ ધન્વન્તરિના અવતાર જેવું માન પામ્યા, લોકોના હૃદયમાં સ્થાન પામ્યા. દર્દી ગરીબ હોય તો દવાના કે વિઝિટના પૈસા તો ન લે, પણ સામેથી તેને સારો ખોરાક લેવાના પૈસા આપે, તેવા તે પરોપકારી હતા.

તેમની ચિકિત્સાથી અનેક અસાધ્ય દર્દીઓ નીરોગી થતા, તેઓ અનેક રાજારજવાડાના વૈદ્ય બન્યા હતા. તેમને કાયમ દર્દીઓને સ્વસ્થ કરવા અનેક ગામોએ જવું પડતું. દર્દી રેલવેની ટિકિટ કઢાવી આપે તો ઠીક, નહિતર તેઓ જાતે જ ચાલીને કે પોતાના ખર્ચે જતા. સંપન્ન દર્દી તેમને સારવાર પછી સ્વસ્થ થયેથી પોતાની મરજીથી જે ઠીક લાગે તે આપે, એ તેઓ સ્વીકારે, પણ કદીય અમુક રકમ આપો તેવું ન કહેતાં જે મળે તેમાં સંતોષ માનતા. તેથી તેમને અનેક વાર આર્થિક સમસ્યાઓ સહન કરવી પડતી.

નાનભટ્ટજીએ સાઠ વરસ સુધી આયુર્વેદવિજ્ઞાનથી ગઢડાને કેન્દ્રમાં રાખી સૌરાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ સુધીના દર્દીઓની અનન્ય સેવા કરી, હજારો લોકોને સ્વાસ્થ્યસુખ કે નવજીવન આપી, પોતાને સાચા અર્થમાં ધન્વન્તરિ સાબિત કરેલા.

તેમના પુત્ર પ્રભાશંકરભાઈ પણ પિતાની જેમ એક પ્રખર વૈદ્યરાજ બનેલા, આમ છતાં આ સ્વમાની વૈદ્ય કદી સગા પુત્રનું ઋણ પણ ન સ્વીકારતા. સ્વાવલંબન અને સ્વાતંત્ર્યની ભાવના નાનભટ્ટજીના જીવનનો આદર્શ હતો. તેઓ પુત્ર અને શિષ્યોને કહેતા : ‘‘વિદ્યા વાંઝણી ન હોવી જોઈએ. માટે જીવો ત્યાં સુધી અભ્યાસ કરો’’. પોતે પણ એક હકીમ પાસેથી આંખનાં દર્દો, પથરી, હરસ-ભગંદર વગેરે દર્દોની સર્જરી શીખ્યા અને પછી તે તથા સુશ્રુતની સર્જરી પોતાના પુત્ર તથા શિષ્યોને શિખવાડી હતી. તેઓ આયુર્વેદની હરતીફરતી યુનિવર્સિટી જેવા હતા.

બળદેવપ્રસાદ પનારા