નાથદ્વારા : આ શહેર રાજસ્થાનના (મેવાડ વિભાગ) રાજસમંદ જિલ્લાનું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થસ્થાન.
ભૌગોલિક સ્થાન – વસ્તી – પરિવહન : તે 24 93´ ઉ. અ. અને 73 82´ પૂ. રે. પર આવેલું છે. અરવલ્લીની ડુંગરાળ હારમાળામાં બનાસ નદીને કિનારે વસેલું છે. સમુદ્રસપાટીથી આશરે 585 મીટર ઊંચાઈએ આવેલું છે. તે ખેતીવાડીનું બજાર છે. પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે રાજસ્થાન સરકારની માન્યતા ધરાવે છે. સરકારી કૉલેજ પણ આવેલી છે. નાથદ્વારા મંદિરના ટ્રસ્ટ તરફથી પાઠશાળા, પુસ્તકાલય અને ઔષધાલય પણ ચાલે છે. સરકારી પ્રાથમિક સારવાર કેન્દ્રો, સરકારી અને ખાનગી હૉસ્પિટલો પણ આવેલી છે. વસ્તી (2011 મુજબ) 42,016 છે. સાક્ષરતાનું પ્રમાણ 73% છે. 99% હિન્દુ વસ્તી વસે છે. અહીંના લોકોનાં મુખ્ય કાર્ય અને વ્યવસાયમાં મંદિરોમાં સેવાનું કામ કરવું, આવશ્યક સામગ્રી તેમજ પ્રસાદ તૈયાર કરવો, ચિત્રો બનાવવા તથા ચાંદીનાં ઘરેણાં, કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાનાં, રેડીમેઇડ કપડાં, પૂજા-સામગ્રી બનાવવાનો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોટલનો વ્યવસાય પણ વિકસ્યો છે.
આ તીર્થસ્થાન ઉદયપુરથી ઈશાને 48 કિમી. અને એકલિંગજીથી 38 કિમી. દૂર આવેલું છે. ઉદયપુરથી નાથદ્વારા જવાનો સડક માર્ગ પહાડી વળાંકોવાળો અને પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. નાથદ્વારાથી ઉત્તરમાં 10 કિમી. દૂર રાજસમંદ સરોવર આવેલું છે. અહીંથી થોડેક દૂર કાંકરોલી અને વલ્લભ સંપ્રદાયનું દ્વારકાધીશનું મંદિર છે. ત્યાંથી આગળ ઉત્તરમાં 25 કિમી. અંતરે પહાડ ઉપર કુમ્ભલગઢનો કિલ્લો છે. ઉદયપુર, જોધપુર, ભીલવાડાને જોડતા રેલમાર્ગો નાથદ્વારા થઈને પસાર થાય છે. ગામથી 7 કિમી. દૂર નાથદ્વારા રેલમથક છે. આ પ્રસિદ્ધ તીર્થસ્થાને પહોંચવા સડકમાર્ગ, રેલમાર્ગ અને હવાઈ માર્ગની સુવિધા છે. અહીં યાત્રીઓ આંતરરાજ્ય અને રાજ્યપરિવહનની બસો તેમજ ખાનગી બસો દ્વારા આવે-જાય છે. લગભગ આખુંય વર્ષ આ તીર્થસ્થાન યાત્રિકોથી ભરચક રહે છે.
વૈષ્ણવ સંપ્રદાય અને શ્રીનાથજી : આ સ્થળ વલ્લભ સંપ્રદાયના ભક્તો માટેનું ઉપાસ્ય સ્થાન છે. ભારતનાં મોટાં તથા પવિત્ર તીર્થસ્થાનોમાં તેની ગણના થાય છે. શ્રીનાથજી તે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. 17મી સદીમાં સ્થપાયેલા અહીંના ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીનાથજી(શ્રીકૃષ્ણ)ની લગભગ પૂર્ણ કદની મનોહારી, શ્યામરંગી મૂર્તિ છે. સંભવતઃ આ મૂર્તિ ઈ. સ. પૂર્વે બારમી સદીની હોવાનું કહેવાય છે. અહીં શ્રીનાથજીના વિગ્રહનાં દર્શન છે. પુષ્ટિમાર્ગના નિયમો અનુસાર સમય સમય પર દર્શનાર્થે મંદિર ઊઘડે છે. આ પ્રકારનાં દર્શનને ‘ઝાંખી’ કહે છે.
શ્રીનાથજીની આ મૂર્તિ શ્રી વલ્લભાચાર્યને ગોવર્ધન પર્વત ઉપરથી મળેલી. એમના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગોસાંઈને સાત પુત્રો હતા. જેમને ‘સાત સ્વરૂપ’ કહેવામાં આવે છે. આ પૈકી મોટા પુત્રનું નામ ગિરધારીજી હતું. તે ટિકાયત-તિલકાયત હતા. તેમના પુત્ર દામોદરજી અથવા બડેદાઉજી નામથી ઓળખાતા. શહેનશાહ ઔરંગઝેબે મૂર્તિઓ તોડવાનું ફરમાન આપેલું. તેથી 1669માં શ્રી દાઉજી શ્રીનાથજીની પ્રતિમા લઈને ગુપ્ત રૂપે ગોવર્ધનથી નીકળી ગયા. પહેલાં તેઓ જોધપુર ગયેલા, પરંતુ ત્યાનાં રાજવીનું મન મોળું જોતાં તેઓ મેવાડના રાણા રાજસિંહ પાસે ગયેલા અને મેવાડમાં શ્રીનાથજીની સ્થાપના કરવાની ઇચ્છા વ્યક્ત કરેલી. રાણા રાજસિંહે ખુશીથી પ્રતિષ્ઠા કરવા જણાવ્યું અને ઉમેર્યું, ‘મારા એક લાખ રાજપૂતોનાં માથાં કપાશે ત્યારે જ કોઈ મૂર્તિને હાથ લગાડી શકશે.’ ઈ. સ. 1671માં (વિ. સં. 1725ના કારતક સુદ પૂનમે) શ્રી દાઉજી મૂર્તિ લઈને આવ્યા અને ત્રણેક માસ બાદ ફાગણ વદ સાતમે અહીં બનાસ નદી નજીક આવેલા સિહાડ ગામ પાસેના ખેડામાં શ્રીનાથજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.
શ્રી ગિરધારીજી તિલકાયતના વંશજ હોવાથી શ્રીનાથજીની ગાદીના મહંત પણ તિલકાયત (અથવા ટિકાયત) તરીકે ઓળખાય છે. અહીં શ્રીનાથજીની સ્થાપના થવાથી યાત્રીઓની અવરજવર વધતી ગઈ. ધર્મશાળાઓ વધી. પછી તો યાત્રીકુટિરો પણ બની. રાજસ્થાન અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ ભાવિકો શ્રીનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
19મી સદીના પ્રસિદ્ધ વિદ્વાન ભારતમાર્તંડ પંડિત ગટુલાલજી અહીં રહ્યા હતા. શ્રીનાથજી મંદિરને કેટલાંક ગામ અને જમીન ભેટ તરીકે મળેલાં છે. આ મંદિરનો પ્રસાદ વિશિષ્ટ પ્રકારનો હોય છે. દર્શનની સાથે મંદિરની જગામાં દહીં-માખણ બનાવવાની જગાઓનાં તેમજ ઘીના કૂવાનાં પણ યાત્રીઓ દર્શન કરે છે.
દરરોજ ભગવાનનાં આઠ દર્શન થાય છે. મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉથાપન, આરતી અને શયન. મોટે ભાગે બે કે ત્રણ ‘દર્શન’ સમયના અભાવે થઈ શકતાં નથી. દર્શનાર્થીઓ અહીં દૂધ, શાકભાજી, ફળો, ફૂલ, ઘરેણાં, નાણાં વગેરેની સેવા આપતા જ હોય છે.
અહીં શ્રી નવનીતપ્રિયાજી મંદિર, શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, વનમાલાજી મંદિર, મદન મોહનજી મંદિર, યમુનાજી મંદિર પણ આવેલાં છે. મીરાજ કંપનીના સહયોગથી આશરે 123 મીટર ઊંચી ભગવાન શિવની મૂર્તિ ઊભી કરવામાં આવી છે જે વિશ્વમાં સૌથી ઊંચી ગણાય છે.
નાથદ્વારા મંદિર પરિસરની બહાર ચિત્રકારોની ચિત્રકળા જોવાનો લહાવો લેવા જેવો છે. તેઓ ફક્ત રાજસ્થાની કલાનાં ચિત્રો દોરે છે તેવું નથી, પરંતુ ભગવાનનાં જુદાં જુદાં દર્શનોનાં ચિત્રો દોરે છે જે ‘પિછવાઈ’ તરીકે ઓળખાય છે. તેઓ શ્રીનાથજી ભગવાનનાં મોટાં અને નાનાં ચિત્રો પણ દોરે છે. અહીંના અનેક ચિત્રકારોએ પુરસ્કાર પણ મેળવ્યા છે.
નાથદ્વારાના વિકાસમાં તેમજ યાત્રાળુઓની સુવિધા માટે રિલાયન્સ ગ્રૂપ રસ લઈ રહ્યું છે. વલ્લભ સંપ્રદાય સાથે સંકળાયેલાં ગુજરાતનાં અનેક ટ્રસ્ટો અહીં સગવડસભર આવાસો ઊભા કરી રહ્યાં છે. મંદિરના ટ્રસ્ટીઓ પણ અહીં સ્વચ્છતા અને વિકાસ માટે પ્રયત્નશીલ છે.
શંકરલાલ ત્રિવેદી
નીતિન કોઠારી