નાણાકીય નીતિ : રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારીમાં થયા કરતી વૃદ્ધિને આવશ્યક નાણાંનો પુરવઠો પૂરો પાડવાની સાથે રોજગારી અને ભાવોની સ્થિરતાને જાળવી રાખવાના ઉદ્દેશથી ભરવામાં આવતાં નાણાકીય પગલાં. નાણાકીય નીતિ ઉપરના બે ઉદ્દેશો ઉપરાંત અન્ય કેટલાક ઉદ્દેશો હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે; દા. ત., દેશના લેણદેણના સરવૈયામાં સમતુલા જાળવવી અને હૂંડિયામણનો દર બજારનાં પરિબળો દ્વારા નક્કી થતો હોય તો તેની અસ્થિરતાને ઘટાડવી. પરંતુ નાણાકીય નીતિના પાયાના ઉદ્દેશો બે છે : (1) ટૂંકા ગાળામાં ઉત્પાદન, રોજગારી અને ભાવોની અસ્થિરતાને ઘટાડવી અને (2) લાંબા ગાળામાં અર્થતંત્રમાં વધતા જતા ઉત્પાદન માટે આવશ્યક નાણાંનો પુરવઠો પૂરો પાડવો.
નાણાકીય નીતિનું સંચાલન દેશની મધ્યસ્થ બૅંક દ્વારા કરવામાં આવે છે. ભારતમાં રિઝર્વ બૅંક એ કામગીરી બજાવે છે. તે ત્રણ પ્રકારનાં પગલાં ભરીને નાણાકીય નીતિનાં લક્ષ્યો પાર પાડવાની અપેક્ષા રાખે છે : (1) વ્યાજના દરના ફેરફાર દ્વારા, (2) નાણાંના પુરવઠાના નિયંત્રણ દ્વારા અને (3) બૅંકો દ્વારા આપવામાં આવતાં ધિરાણોના નિયંત્રણ દ્વારા.
મધ્યસ્થ બૅંક વેપારી તથા સહકારી બૅંકોને વ્યાજના જે ન્યૂનતમ દરે ધિરાણ આપે છે તેને બૅંકદર (બૅંકરેટ) કહેવામાં આવે છે. જો મધ્યસ્થ બૅંક ટૂંકા ગાળામાં ભાવવધારાને અંકુશમાં રાખવા ઇચ્છતી હોય તો તે બકદરમાં વધારો કરશે. બકદરમાં વધારો થવાથી વેપારી બકોને તેઓ વ્યાજના જે દરે વેપારીઓ અને ઉત્પાદકોને ધિરાણ આપતી હોય તેમાં વધારો કરવાની ફરજ પડે છે. ધિરાણ પરનો વ્યાજનો દર વધતાં ધિરાણો માટેની માંગ ઘટશે. ધિરાણો લેવાનો વેપારીઓ અને ઉત્પાદકોનો ઉદ્દેશ ખર્ચ કરવાનો એટલે કે ખર્ચ દ્વારા ચીજવસ્તુઓ માટેની માંગ ઊભી કરવાનો હોય છે, તેથી ધિરાણો માટેની માંગ ઘટે તેનો અર્થ એવો થાય કે અર્થતંત્રમાં ચીજવસ્તુઓ માટેની માંગ પણ ઘટશે. આમ, અર્થતંત્રમાં માંગ ઘટતાં ભાવો વધવાનો દર પણ ઘટશે.
નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવા માટે દેશની મધ્યસ્થ બૅંક પાસે બે સાધનો છે. એક સાધનને ‘ખુલ્લા બજારમાં ખરીદીવેચાણ’ કહેવામાં આવે છે : અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને ઘટાડવા અથવા તેના વૃદ્ધિદરને ઘટાડવા માટે મધ્યસ્થ બૅંક તેની પાસે રહેલી સરકારી જામીનગીરીઓ (બૉન્ડ) વેચે છે. જે લોકો કે સંસ્થાઓ તે ખરીદે છે તેઓ તેની ચુકવણી નાણાંમાં કરે છે. આમ લોકો પાસે સરકારી જામીનગીરીઓ આવશે અને મધ્યસ્થ બૅંક પાસે તેનું નાણું પાછું ફરશે. આ પ્રક્રિયામાં વેપારી બકોની રોકડ નાણાંની અનામતો ઘટશે, કેમ કે જે લોકો જામીનગીરીઓ ખરીદશે તેઓ તે માટેનાં નાણાં બૅંકો પર લખાયેલા ચેક દ્વારા ચૂકવશે. વેપારી બૅંકોની અનામતો ઘટતાં તેમની શાખસર્જનની અને ધિરાણો આપવાની શક્તિ ઘટશે. બૅંકો દ્વારા અપાતાં ધિરાણો ઘટતાં અર્થતંત્રમાં માંગ ઘટશે અને ભાવવધારો કાબૂમાં આવશે.
નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવાનો બીજો માર્ગ બૅંકો દ્વારા અપાતાં ધિરાણોને નિયંત્રિત કરવાનો છે. મધ્યસ્થ બૅંક આ કામગીરી બે રીતે કરે છે : એક, વેપારી બૅંકોની ધિરાણ આપવાની શક્તિનું નિયંત્રણ કરવામાં આવે છે. આ માટે ભારતમાં રિઝર્વ બૅંક પાસે બે સાધનો છે : એક, વેપારી બૅંકોને તેમની થાપણો સામે નિયત કરેલા પ્રમાણમાં મધ્યસ્થ બૅંકમાં રોકડ નાણાં રૂપે અનામતો મૂકવી પડે છે. મધ્યસ્થ બૅંક આ અનામતોના પ્રમાણમાં વધારોઘટાડો કરી શકે છે. બીજું, વેપારી બૅંકોને તેમની ચાલુ અને મુદતી થાપણો સામે રોકડ અસ્કામતોના સ્વરૂપે ચોક્કસ ગુણોત્તર જાળવવો પડે છે. તેને ‘કાનૂની રોકડ ગુણોત્તર’ (statutory liquidity ratio – SLR) કહેવામાં આવે છે. આ અસ્કામતોમાં રોકડ નાણાં અને માન્ય જામીનગીરીઓનો સમાવેશ થાય છે. ભારતમાં રિઝર્વ બૅંક આ કાનૂની રોકડ–ગુણોત્તરમાં વધારોઘટાડો કરીને બૅંકોની ધિરાણો આપવાની શક્તિનું નિયંત્રણ કરે છે. બૅંકો દ્વારા અપાતાં ધિરાણોમાં વધારો કરવો હોય ત્યારે રોકડ-ગુણોત્તરમાં ઘટાડો કરવામાં આવે છે.
વેપારી બૅંકો દ્વારા અપાતાં ધિરાણોને નિયંત્રિત કરતું બીજું પગલું ‘ગુણાત્મક શાખનિયંત્રણ’ (selective credit control) તરીકે ઓળખાય છે. બૅંકો જે વિવિધ હેતુઓ માટે ધિરાણો આપે છે, તેને આ પગલા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે; દા. ત., ચોખા કે ઘઉં સામે આપવામાં આવતાં ધિરાણોને ઘટાડવા માટે ‘માર્જિન’ વધારવામાં આવે છે; જેમ કે ‘માર્જિન’ 60 ટકાથી વધારીને 65 ટકાનો કરવામાં આવે તેનો અર્થ એવો થાય કે બૅંકો રૂ. 100ની કિંમતની વસ્તુની સામે રૂ. 40ને બદલે રૂ. 35નું ધિરાણ કરી શકે. તર્ક એવો છે કે બૅંકો પાસેથી ધિરાણો મેળવીને વેપારીઓ અને ઉત્પાદકો ચીજવસ્તુઓની સંઘરાખોરી કરીને તેમના ભાવવધારાને પ્રોત્સાહન આપતા હોય છે. તેથી તેમને પ્રાપ્ત થતાં ધિરાણો ઘટે તો સંઘરાખોરી ઘટતાં ભાવવધારો અંકુશમાં આવે.
ગુણાત્મક શાખનિયંત્રણનો ઉપયોગ અર્થતંત્રમાં ચોક્કસ ક્ષેત્રો કે ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે પણ કરવામાં આવે છે; દા. ત., ભારતમાં સરકારની નીતિના ભાગરૂપ ખેતી, ગૃહ અને ગ્રામોદ્યોગો વગેરેને બૅંકો વ્યાજના નીચા દરે ધિરાણ પૂરું પાડે છે અને એ રીતે તેમને પ્રોત્સાહન આપે છે.
નાણાકીય નીતિની બાબતમાં નાણાવાદી અર્થશાસ્ત્રીઓ અને અન્ય અર્થશાસ્ત્રીઓની વચ્ચે મતભેદ પ્રવર્તે છે. એ વિવાદ વિવેકાધીન વિરુદ્ધ નિયમાધીન (Discretion V. Rule) નાણાકીય નીતિ તરીકે ઓળખાય છે. નાણાવાદી અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવાની વિવેકાધીન નીતિના વિરોધી છે. તેઓ એમ માને છે કે વિવેકાધીન નાણાકીય નીતિ અર્થતંત્રની અસ્થિરતામાં ઘટાડો કરવાને બદલે વધારો કરે છે, કારણ કે તેનાથી નાણાંના પુરવઠાનો વૃદ્વિદર અસ્થિર બને છે. નાણાવાદીઓનો એ સ્પષ્ટ મત છે કે બજારતંત્ર પર આધારિત મૂડીવાદી પ્રથા મૂળભૂત રીતે સ્થિર છે અને તેમાં જોવા મળતી અસ્થિરતા નાણાંના પુરવઠાના વૃદ્ધિદરની અસ્થિરતાનું પરિણામ હોય છે. વિશ્લેષણના આધાર પર તેઓ નાણાંના પુરવઠામાં એક નિયત દરે વધારો કર્યે જવાની નીતિની હિમાયત કરે છે; દા. ત., નાણાંના પુરવઠામાં પ્રતિવર્ષ 10 ટકાના દરે વધારો કરવાનો નિયમ કરવામાં આવ્યો હોય તો મંદીની સ્થિતિમાં એ દર વધારવાનો નહિ અને ફુગાવાની સ્થિતિમાં એ દર ઘટાડવાનો નહિ. નાણાકીય સ્થિરતાના આવા વાતાવરણમાં આર્થિક અસ્થિરતા મહદંશે આપમેળે દૂર થશે એમ નાણાવાદીઓ માને છે.
નાણાકીય નીતિ અંગેનો નાણાવાદી અર્થશાસ્ત્રીઓનો મત નાણાં માટેની માંગ સ્થિર રહે છે એવી તેમની અભિધારણા પર રચાયેલો હતો; પણ કેટલાક અનુભવમૂલક અભ્યાસોમાં નાણાં માટેની માંગ અસ્થિર માલૂમ પડી છે. તેથી નિયમાધીન નાણાકીય નીતિ માટેની તેમની હિમાયતને સૈદ્ધાંતિક પાયો રહ્યો નથી. વાસ્તવમાં કોઈ દેશે નિયમાધીન નાણાકીય નીતિ અપનાવી પણ નથી.
રમેશ ભા. શાહ