સેન્ટ હેલેના : દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલો બ્રિટિશ ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 15° 57´ દ. અ. અને 5° 42´ પ. રે. આજુબાજુનો 122 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ આફ્રિકાના ભૂમિભાગથી નૈર્ઋત્યમાં 1930 કિમી.ને અંતરે તથા નજીકમાં નજીક આવેલા ઍસ્કેન્શન ટાપુથી અગ્નિકોણમાં આશરે 1100 કિમી.ને અંતરે આવેલો છે.
સેન્ટ હેલેનાનું ભૂપૃષ્ઠ ખૂબ જ ખરબચડું અને પહાડી છે. તે આટલાંટિક મહાસાગરના આ વિસ્તાર પૂરતો એકમાત્ર ટાપુ છે અને જ્વાળામુખીજન્ય ખરાબાની ભૂમિ ધરાવે છે. અહીંની વેરાન ભેખડો સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈવાળી છે.
આ ટાપુનો લગભગ ત્રીજો ભાગ ખેતીના પાકો ઉગાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. અહીંનો મુખ્યપાક શણ – ન્યૂઝીલૅન્ડ ફ્લેસ – છે. ટાપુનો થોડોક ભાગ ઢોર અને ઘેટાંના ચરિયાણ માટે ઉપયોગમાં લેવાય છે. બ્રિટિશ સરકારે રેસામાંથી બનાવાતી સાદડીઓ તૈયાર કરવા માટે કારખાનાં નાખવા સહાય કરી છે. અહીંના અન્ય મુખ્ય વ્યવસાયોમાં દોરી બનાવવાની તેમજ મીઠું ચડાવેલી માછલીઓ તૈયાર કરવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. માછલીઓ અને લાકડાં અહીંથી નિકાસ થતી મુખ્ય ચીજો છે.
સેન્ટ હેલેનામાંનું નેપોલિયન બોનાપાર્ટનું રહેઠાણ – ‘લૉંગવુડ’
1995 મુજબ આ ટાપુની વસ્તી આશરે 3000 જેટલી છે. જેમ્સટાઉન અહીંનું એકમાત્ર વસાહતી સ્થળ છે, જે પાટનગર (વહીવટી મથક) તેમજ બંદર તરીકે ઉપયોગમાં લેવાય છે. તે જેમ્સના અખાત નજીક નાના પહાડી ઝરણાના મુખ પર આવેલું છે. અહીં આફ્રિકી લોકો, યુરોપિયનો અને ઈસ્ટ ઇન્ડિયનો વસે છે.
આ ટાપુ 1502માં પોર્ટુગીઝોએ શોધેલો; પરંતુ 1673થી તે બ્રિટનના તાબામાં રહેલો છે. 1834માં તેમાં વસાહત શરૂ થયેલી. આ ટાપુ આટલાંટિક મહાસાગરમાં દક્ષિણ ભાગમાં આવેલા બીજા કેટલાક બ્રિટિશ ટાપુઓનું પણ વહીવટી મથક બની રહેલો છે. આ ટાપુસમૂહમાં ત્રિસ્તાન દ કુન્હા, ગોઘ, ઇનઍક્સેસિબલ અને નાઇન્ટિંગેલ ટાપુઓનો સમાવેશ થાય છે. ઍસ્કેન્શન ટાપુનો વહીવટ પણ અહીંથી જ થાય છે.
આ ટાપુ પર 1815માં નેપોલિયન બોનાપાર્ટને કેદ કરાયેલો, તે 1821માં મૃત્યુ પામ્યો ત્યાં સુધી અહીં રહેલો. નેપોલિયન બોનાપાર્ટને કારણે આ ટાપુ દુનિયાભરમાં ખ્યાતિ પામેલો છે.
ગિરીશભાઈ પંડ્યા