સેન્ટ વિન્સેન્ટ, ભૂશિર : પોર્ટુગલની નૈર્ઋત્ય ભૂમિછેડે આવેલી ભૂશિર. ભૌગોલિક સ્થાન : 37° 01´ ઉ. અ. અને 9° 00´ પ. રે.. તે આટલાંટિક મહાસાગરના આ કંઠાર ભૂમિભાગ પર પૉન્તા દ સાગ્રેસ સાથે ઊંચાઈ ધરાવતી ભૂશિર રચે છે. અહીં અસ્તિત્વ ધરાવતા ધર્મસ્થાનક પરથી ગ્રીકો અને રોમનો તેને પવિત્ર સ્થળ તરીકે ઓળખતા હતા.
ગૌચર અને માછીમારી અહીંની મુખ્ય પ્રવૃત્તિઓ છે. આખોય વિસ્તાર અવાવરો છે. સાગ્રેસ અહીંની મુખ્ય વસાહત છે. સાગ્રેસ નજીકના વિલાનગર ખાતે 1420માં નૌકાસફરી હેન્રીએ નૌકા વેધશાળા તથા ખલાસીઓની સંસ્થા સ્થાપેલી.
આ ભૂશિરથી થોડે દૂર ઘણાં નૌકાયુદ્ધો લડાયેલાં, તે પૈકીની 1797માં લડાયેલી નૌકાલડાઈ મહત્ત્વની હતી, જેમાં અંગ્રેજ દળ સ્પૅનિશ દળ સામે જીતેલું.
ગિરીશભાઈ પંડ્યા