સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ

January, 2008

સૃષ્ટિસર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે છેલ્લાં 250 લાખ વર્ષોમાં ધ્રુવનાં સ્થાનો આઠ વાર બદલાઈ ચૂક્યાં છે. દર વર્ષે ધ્રુવસ્થાન 1થી 10 સેમી. ખસે છે. ધ્રુવસ્થાન વધુ પ્રમાણમાં ખસતાં કે પૃથ્વી ધરીના ભાગે 23.5° નમેલી છે તે વધુ પ્રમાણમાં નમતાં પ્રલય અને નવસર્જન થાય છે. કુરાન, બાઇબલનાં કથાનકોમાં કે ચીન, એસિરિયા, બૅબિલોન, મેસોપોટેમિયા વગેરે દેશોમાં પણ પ્રલય અને નવસર્જનની કથાઓ મળે છે.

વેદ, બ્રાહ્મણ આદિમાં પૃથ્વી ગોળ છે (શ. બ્રા. 7/1/1/37), તે સૂર્યની આસપાસ ફરે છે (યજુ. 3/6), પૃથ્વીના પેટાળમાં ગરમી છે (શ. બ્રા. 14.9.4.21), પૃથ્વી ચુંબકીય અસર ધરાવે છે (ઐ. બ્રા. 1-2-3), વાયુને લીધે પૃથ્વી આકાશમાંથી છૂટી પડી છે (યજુ. – તૈ. સં. 3-4-3), પૃથ્વી રાત્રે પ્રકાશે છે (ઋ. 1-136-3), દર સત્તાવીશ દિવસે સત્તાવીશ નક્ષત્રો પૂરાં થતાં નાનાંમોટાં વાવાઝોડાં આવે છે (અથર્વ. 19-8-1), પદાર્થનો નાશ થતો નથી; રૂપાંતરણ થાય છે (ઋ. 10-45-8; 16-129-1) વગેરે બાબતોના ઉલ્લેખો મળે છે.

વેદનું तत्त्वमसि કે ભગવદ્ગીતાનું વિશ્વરૂપદર્શન વિજ્ઞાનના અંતે મળતા એક તત્ત્વની Unified field theoryનું આલેખન છે.

પુરાણોના એકાર્ણવ-પ્રલય અને નવસર્જનનાં કથાનકો પુરાણની સર્જન પાછળ રહેલી દૃષ્ટિ વર્ણવે છે.

પુરાણોના સર્જનમાં કાલનું તત્ત્વ ઉલ્લેખાયું છે. બ્રહ્માનાં વીતેલાં પચાસ વર્ષ, થઈ ગયેલા છ મનુઓ, સાત સંધિનાં વર્ષ, સાતમા વર્તમાન મનુના વીતેલા 27 યુગ, વર્તમાન કલિયુગનાં વીતેલાં વર્ષો ગણતાં પૃથ્વીનાં 1,97,29,49,032 વર્ષો વીત્યાં છે. પ્રલય માટે 2,34,70,50,968 વર્ષો વીતવાં બાકી છે. પૃથ્વીના પેટાળમાં રહેલાં પ્રાણીઓનાં અસ્થિનું વૈજ્ઞાનિક પરીક્ષણ પૃથ્વીનું ત્રીસેક કરોડનું આયુષ્ય ગણાવે છે.

પુરાણનાં પાંચ લક્ષણોમાં સર્ગ અને વિસર્ગ મુખ્ય છે.

પુરાણોમાં સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિના સર્જન અને વિસર્જનમાં સત્કાર્યવાદ જોવા મળે છે; પરંતુ પુરાણોના સાંખ્યમાં પ્રકૃતિ-પુરુષ ઉપર પરમાત્મા-ઈશ્વર છે. ગીતાના ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ જેવી જ આ વિચારસરણી છે. જગતમાં જોવા મળતાં સુખ, દુ:ખ અને મોહના કારણરૂપ પ્રકૃતિના ત્રણ ગુણોની સામ્યાવસ્થા ક્ષુબ્ધ થતાં પુરુષના સાન્નિધ્યને લીધે રજોગુણની ચંચળતાના પરિણામે મહત્, અહંકાર અને પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. તે પછી પંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને સોળમું મન મળી તેમની વૈકારિક સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ પછીની પાંચ ભૌતિક સૃષ્ટિ તે જ ભૂત સૃષ્ટિ છે. પદાર્થવિજ્ઞાનનું આ મૂળ છે. આ માટે અંધપંગુન્યાયે અંધ પ્રકૃતિ અને પંગુ પુરુષથી આ સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા ચાલી છે.

‘એકાકી’ પરમાત્માને ‘અનેક થાઉં’ – એવો ભાવ જાગ્યો. પ્રથમ જળ-અપનું સર્જન કરી તેમાં બીજ મૂક્યું. આ જ ગીતાની મહદ્યોનિમાં મુકાયેલું બીજ છે. તેમાંથી હિરણ્યગર્ભનો વિકાસ થયો. આમ રેતસ્ અને રજસ્નો સંયોગ એ જ વેદની અગ્નિષોમીય વિદ્યા છે (अग्नीषोमात्मकं जगत्). અદિતિ-દિતિ માતૃત્વનાં પ્રતીક છે. કશ્યપ રેતોધા છે. હિરણ્યગર્ભ પોતે જ પ્રગટ થયા તેથી સ્વયંભૂ કહેવાયા. પુરાણો આ સૃષ્ટિને બ્રાહ્મી સૃષ્ટિ કહે છે.

બ્રાહ્મી સૃષ્ટિમાંથી માનસી સૃષ્ટિ જન્મી. આ સૃષ્ટિમાં ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અંગિરસ, મરીચિ, દક્ષ, અત્રિ અને વસિષ્ઠ – એ નવ પ્રજાપતિઓને સ્વીકારવામાં આવ્યા છે. તેમની સાથે ખ્યાતિ, ભૂતિ વગેરે કન્યાઓ પરણી. દક્ષઅદિતિ પહેલાંની સૃષ્ટિ માનસી છે. તે પછીની સૃષ્ટિ મૈથુની સૃષ્ટિ છે.

બ્રહ્માંડના સર્જનની ક્રિયાને પુરાણોમાં વર્ણવી છે. એ રીતે શેષશાયી વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય, તેમનું તપ, કમળનાળમાં પ્રવેશીને તેના ત્રણ કે ચૌદ ભાગ કરી ત્રણ લોક કે ચૌદ લોકનું સર્જન – એ અંગેના નિર્દેશો છે. પુરાણોમાં આ સાથે પાંચ વરાહની કલ્પના વણાયેલી છે તે આ પ્રમાણે છે :

આ સૃષ્ટિના સર્જનમાં મંડળ, અક્ષર પુરુષ, ક્ષર પુરુષ અને શુક્ર (રેતસ્) નીચે પ્રમાણે છે :વાસુદેવશરણ અગ્રવાલ એમુષવરાહ-રચિત સૃષ્ટિમાં જળ, વાયુ અને સૂર્યનો મહત્ત્વનો ફાળો હોવાનું તારવે છે. જળ પૃથ્વીના પરમાણુઓને ભીંજવીને જોડે, વાયુ સૂકવે અને સૂર્ય તપાવીને કઠિન બનાવે. રેતીના કણોમાંથી પથ્થરની રચનાની પ્રક્રિયા જ સૃષ્ટિના મૂળમાં હોવાનું વરાહની કલ્પનામાં છે.

મંડળ અક્ષર પુરુષ ક્ષર પુરુષ શુક્ર
1. સ્વયંભૂ મંડળ બ્રહ્મા પ્રાણ વાક્
2. પરશ્રેષ્ઠિ મંડળ વિષ્ણુ આપ: અપ્
3. સૂર્યમંડળ ઇન્દ્ર વાક્ અગ્નિ
4. ચંદ્રમંડળ સોમ અન્ન અપ્
5. પૃથ્વીમંડળ અગ્નિ અન્નાદ વાક્

પ્રજાપતિ પોતે જ વાયુ બની ચોમેરથી પૃથ્વીના પરમાણુઓને દબાવી રજપરમાણુનું સંયોજન કરે છે. આ પ્રજાપતિ જ પુરાણોનો સંયોજન કરનાર વરાહ છે. પૃથ્વીના પેટાળનો અગ્નિ જ તેના સંગઠન અને વિઘટનનું કારણ છે. તેમાં વરાહ જ નિમિત્ત બનેલ છે.

પુરાણોને વિદ્વાનોએ સાત વ્યાહૃતિઓ – ભૂ, ભુવ:, સ્વ:, મહ, જન, તપ અને સત્ય સાથે સૃષ્ટિ અને પુરાણોના સર્જનને જોડ્યાં છે. પુરાણો સાત વ્યાહૃતિઓના સૂત્રરૂપે જણાવે છે કે શેષનાગ ઉપર સૂતેલા વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા, સ્તુતિ કરતા નારદ અને તુંબરુનાં વર્ણન આ જ બાબતને સ્પષ્ટ કરે છે. માર્કંડેય પુરાણમાં વિષ્ણુના નાભિકમળથી બ્રહ્માનો જન્મ, મધુ-કૈટભનો જન્મ, તેમનો વધ, બ્રહ્માનું તપ અને સૃષ્ટિના સર્જનની વિગતો મળે છે. બ્રહ્મા (બ્રહ્મપુરાણ), પદ્મ (પદ્મપુરાણ), વિષ્ણુ (વિષ્ણુપુરાણ), શેષનાગ (વાયુપુરાણ), તેનો આધાર ક્ષીરસમુદ્ર (ભાગવતપુરાણ), નારદ (નારદપુરાણ), વિષ્ણુનું વાહન ગરુડ (ગરુડપુરાણ), ગુહ્ય બાબતની સમજણ (લિંગપુરાણ), વરાહની સક્રિયતા (વરાહપુરાણ), સંવત્સરાગ્નિ અને વૈશ્વાનર અગ્નિ (અગ્નિપુરાણ), અગ્નિનું ત્રિવિક્રમ સ્વરૂપ (વામનપુરાણ), કાશ્યપથી જન્મની પ્રાણીસૃષ્ટિ (કૂર્મપુરાણ), સૂર્યમંડળનું ક્રાંતિવૃત્ત (મત્સ્યપુરાણ), અને લોકલોકાંતર (બ્રહ્માંડપુરાણ) – આ સર્વનાં વર્ણનો પુરાણોમાં મળે છે. આ બધું બ્રહ્મના વિવર્તરૂપે છે. (બ્રહ્મ વૈવર્ત). આમ પુરાણોનાં નામાભિધાન પણ પુરાણોની સર્જનપ્રક્રિયાનો ખ્યાલ આપે છે.

શેષશાયી વિષ્ણુનું આ શબ્દચિત્ર પુરાણોના અને સૃષ્ટિના સર્જનની વિભાવનાને વ્યક્ત કરે છે.

બ્રહ્માંડની ગતિવિધિ કે કાલમાનનો નાનામાં નાનો એકમ નિમેષ (આંખનો પલકારો) છે. નિમેષથી અયનપર્યંત કાલમાનના વિવિધ ભાગ છે. બંને અયનો (છ માસનું એક અયન) દેવોના દિવસ અને તેટલી રાત છે. માનવવર્ષ દેવોના અહોરાત્ર છે. એક હજાર દિવ્ય વર્ષનો એક કલિયુગ, કલિથી બમણો દ્વાપર, તેનાથી ત્રણ ગણો ત્રેતા અને ચાર ગણો કૃત યુગ છે. દરેક યુગની સંધ્યા અને સંધ્યાંશ મળી બાર હજાર દિવ્ય વર્ષનો એક મહાયુગ થાય. એક હજાર મહાયુગમાં ચૌદ મનુ થાય. ચૌદ મનુઓનો કાળ પૂરો થતાં કલ્પ થાય. કલ્પના અંતે રાત્રિ થતાં બધું એકાર્ણવ થાય. તેમાં નૈમિત્તિક પ્રલય થાય. વડના પાંદડા ઉપર બાલમુકુંદનું શયન, મનુનું નૌકાબંધન વગેરે તેની સાથે સંકળાયેલી ઘટનાઓ છે. મધુકૈટભથી પરેશાન થયેલા બ્રહ્માની સ્તુતિથી વિષ્ણુનું જાગ્રત થવું અને મધુકૈટભનો નાશ થતાં બ્રહ્માએ તપ કરી બ્રાહ્મી, માનસી, દિવ્ય અને મૈથુની સૃષ્ટિ ક્રમશ: જન્માવી.

તંત્રાનુસાર બ્રહ્માંડ પ્રકૃત્યંડમાં સમાયેલું છે. આવાં પ્રકૃત્યંડો માયાંડમાં સમાયાં છે. નિયતિ, કાલ, રાગ, વિદ્યા અને કલા પંચકંચુક અને તેના કારણરૂપ માયા માયાંડ છે. માયાંડો શકત્યંડમાં સમાયાં છે. શકત્યંડ વિદ્યાતત્ત્વોની સમષ્ટિ છે. શુદ્ધ વિદ્યા, ઈશ્વર અને સદાશિવ તત્ત્વની સમષ્ટિ છે. બ્રહ્માનું બ્રહ્માંડ પાર્થિવાંડ છે. વિષ્ણુનું પ્રકૃત્યંડ છે. રુદ્રનું માયાંડ છે. અહીં સુધી માયાનું સાયુજ્ય છે. શકત્યંડમાં શુદ્ધ સત્યાત્મક સૃષ્ટિ છે.

અન્ય પુરાણોના પ્રમાણમાં વિષ્ણુપુરાણમાં સર્ગનું વર્ણન મુખ્ય છે. પુરાણોમાં પ્રાકૃત, વૈકૃત અને ઉભયાત્મક સર્ગ માનવામાં આવ્યા છે.

બધા સર્ગનું મૂળ સલિલ, મહાર્ણવ, એકાર્ણવ, અગાધ સલિલ કે યુગાન્ત તોય (જળ) છે. નિદ્રાધીન શેષશાયી નારાયણ, સ્થાણુસ્વરૂપ બની યોગનિદ્રા (ત્રણ ગુણની) માણે છે. આમ યોગનિદ્રા ત્રણ ગુણની સામ્યાવસ્થા છે. સામ્યાવસ્થાનો ક્ષોભ થતાં નિરોધ સ્થિતિ ક્ષુબ્ધ થઈ મહત્ તત્ત્વ કે બ્રહ્માની ઉત્પત્તિ થાય છે.

આ સર્જનમાં અવ્યક્ત કે પ્રધાન પ્રકૃતિ બીજરૂપ છે. આ સર્જન અબુદ્ધિપૂર્વક થયેલું સર્જન છે. તેને ‘સ્વયંભૂ’ કહે છે. આ જ સંસારરૂપી વૃક્ષનું થડ છે. આને પ્રાકૃત સર્ગ કહે છે.

મહત્ પછી દ્રવ્ય-જ્ઞાન-ક્રિયાના ઉદય રૂપ અહંકાર, તેના તામસ રૂપમાંથી પંચતન્માત્રાનો જન્મ – એ ભૂતસર્ગ છે. તેમાંથી પંચમહાભૂત તેના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઉત્પન્ન થાય છે તે સંસારરૂપી વૃક્ષનાં પાંદડાં છે. આને પ્રાકૃત-વૈકૃત સર્ગ કહેવાય છે.

આ પછી ચોથો સર્ગ પંચપર્વવિદ્યા છે. આ તમોમય સર્ગ છે. આ સર્ગ-સૃષ્ટિ આંતર-બાહ્ય જ્ઞાન શૂન્ય છે. આ ઐન્દ્રિય સર્ગ છે. આ પછી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું સર્જન થાય છે. તેના આધારરૂપ મન આ દેવસર્ગનું પરિણામ છે. તે ભોગપ્રધાન છે. પછી તમિસ્ર, અંધતમિસ્ર, તમસ્, મોહ અને મહામોહ પંચપર્વથી બુદ્ધિનું આવરણ થાય છે. આ સર્ગ અબુદ્ધિપૂર્વક થયેલો પ્રાકૃત સર્ગ છે. વિષ્ણુપુરાણ પ્રથમ ત્રણને પ્રાકૃત અને બાકીનાને વૈકૃત સર્ગ કહે છે. ભાગવત સ્થાવર સર્ગને સાતમો ગણે છે. વિષ્ણુપુરાણનો તે મુખ્ય સર્ગ છે. છ પ્રકારની ઉદ્ભિજ્જ સૃષ્ટિ આભ્યંતર ચેતનાવાળી અને ઊર્ધ્વ સ્રોતસ્ છે. તે મૂળ દ્વારા ખોરાક મેળવી પોષક તત્ત્વોને ઉપર મોકલે છે.

આઠમો પશુ, પક્ષી, કીટ આદિનો તિર્યક્ સર્ગ છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુનની સ્વાભાવિક વૃત્તિથી તે દોરાય છે.

છેલ્લે બ્રહ્માએ માનવીની અર્વાક્ સ્રોતસ્ સૃષ્ટિ રચી. મુખ વાટે આહાર લઈ પોષક દ્રવ્યો નીચે મોકલે છે. તે બુદ્ધિશક્તિ અને મમત્વ બંને ધરાવે છે. પૃથ્વી ઉપરની સૃષ્ટિ કશ્યપની તેર પત્નીઓથી થયેલી કાશ્યપી સૃષ્ટિ છે.

આ સૃષ્ટિના સ્રોત સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ગણવામાં આવે છે. પુરાણોમાં આથી જ સૂર્યવંશ, ચંદ્રવંશ અને અગ્નિવંશો અને તેના અનુવંશો ગોત્રપ્રવરપૂર્વક ઋષિવંશોનું વર્ણન મળે છે. આ સૃષ્ટિ પાંચેય વિષયોમાં રમમાણ થાય છે. આને કૌમારસર્ગ કહે છે. આ સર્ગ પરમપુરુષાર્થ મોક્ષની સિદ્ધિ સાધવા સક્ષમ છે.

કૌમારસર્ગથી પણ બ્રહ્માની ધારણા બર ન આવતાં તેમને ગુસ્સો થયો. તે અર્ધનારીશ્વર થયા અને રૌદ્રી સૃષ્ટિ રચાઈ. તમોગુણથી અસુરો જન્મ્યા, સત્ત્વગુણથી દેવો, પાર્શ્ર્વ-પડખામાંથી પિતૃઓ અને રજોગુણથી માનવો ઉત્પન્ન થયા. પ્રત્યેક પ્રસંગે પ્રજાપતિના દેહત્યાગથી રાત્રિ, દિવસ, ઉષા, સંધ્યા થયાં.

સૃષ્ટિની સર્જનકથાઓ અનેક વાર રૂપકોથી રજૂ થઈ. મિત્રા-વરુણના ઉર્વશીના દર્શનથી અગસ્ત્ય-વસિષ્ઠનો જન્મ આવું જ એક રૂપક છે. વેદકાળથી આવાં રૂપકોનો ઉપયોગ થયો છે. સામાન્યત: બધાંના મૂળમાં સાંખ્યદર્શનના સત્કાર્યવાદથી સૃષ્ટિનું સર્જન રહસ્ય રૂપે રહેલું છે.

દશરથલાલ ગૌ. વેદિયા