કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર; અ. 15 જાન્યુઆરી 2009) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી.
1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1978-81 દરમિયાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ‘રેણુની વાર્તાઓમાં ટૅકનિક’ અને ‘આઝાદી બાદ હિંદી ટૂંકી વાર્તામાં યથાર્થ નિરૂપણ’ પર શોધપ્રબંધ તૈયાર કરી અનુક્રમે એમ.ફિલ અને પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી.
તેમનો પ્રથમ હિંદી વાર્તાસંગ્રહ ‘ઇસ હમ્મામ મેં’ (1967) બદલ તેમને 1971ના વર્ષનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે પછી કાશ્મીરી લોકભાષાનો પ્રયોગ કરીને ‘તાપ’ (‘સનસાઇન’) વાર્તા લખી, જેનો સમાવેશ ‘પટા લારન પર્બત’ (‘ધ ચેઝિંગ હિલ’, 1972) વાર્તાસંગ્રહમાં કર્યો. આ સંગ્રહ અદ્યતન કાશ્મીરી ટૂંકી વાર્તાનું પ્રતીક બન્યો. આ કાશ્મીરી વાર્તાસંગ્રહ બદલ તેમને 1975ના વર્ષનો સાંસ્કૃતિક અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમના અન્ય હિંદી વાર્તાસંગ્રહ ‘ટોકરી ભાર ધૂપ’ (‘એ બાસ્કેટફુલ સનસાઇન’ 1976) બદલ 1977ના વર્ષનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ઍવૉર્ડ તથા 1978માં સાંસ્કૃતિક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા.
ત્યાર બાદ તેમણે 1976માં રંગમંચ પર ભજવી શકાય તેવાં નાટકો આપ્યાં. ‘નાટક કરિવ બંધ’(‘સ્ટોપ ધ ડ્રામા’, 1976)ની ભજવણી હિંદી ગઢવાલી બોલીમાં અને સિંધી અનુવાદમાં દિલ્હી અને મુંબઈમાં કરવામાં આવી હતી. રેડિયો અને ટી.વી. પરનાં તેમનાં લોકપ્રિય નાટકોમાં ‘યેલી વતન ખુર યુ યિવાન’ (‘એન્ટેંગલ્ડ રોડ’, 1975) અને ‘દસ્તર’ (1977) નોંધપાત્ર છે અને દૂરદર્શન પર અનેક વાર ભજવાયાં છે. તેમણે સાંસ્કૃતિક અકાદમી માટે મોતીલાલ કેમ્મુનું નાટક ‘ઈશાય’ (‘ધ શેડો’, 1977) હિંદીમાં અનૂદિત કર્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા
બળદેવભાઈ કનીજિયા