સુપરમેટિઝમ (Supermatism) (1913-1918) : રશિયન ચિત્રકાર કાસિમીર માલેવિચે 1915માં આરંભેલ એક આધુનિક કલાપ્રવાહ (movement).
કાસિમીર માલેવિચ
શુદ્ધ ભૌમિતિક આકારો વડે અમૂર્ત સર્જન કરવાની નેમ આ કલાપ્રવાહ ધરાવે છે. તેમાં કોઈ પણ પ્રકારે સામાજિક, રાજકીય કે ઊર્મિપ્રેરિત (sentimental) ટીકા કે અભિવ્યક્તિ કરવામાં આવતી નથી. 1915માં તેનો ઢંઢેરો (manifesto) પ્રકાશિત થયો હતો. 1917માં માલેવિચે ‘સુપર્મુસ’ (Supermus) નામે એક સામયિક શરૂ કર્યું, જે દ્વારા એમણે આ કલાપ્રવાહના વિચારોનો સમાજમાં પ્રચાર કર્યો. ઘનવાદ (cubism) અને ભવિષ્યતાવાદ(futurism)માંથી પ્રેરણા લઈને માલેવિચે શુદ્ધ આકાર અને શુદ્ધ આકૃતિની આરાધના કરવાની નેમ આ વાદ/પ્રવાહ દ્વારા પુષ્ટ કરી. ત્રણ મૂળ રંગો – લાલ, પીળો, આસમાની – તથા પૂર્ણ અંધકાર (કાળો) અને પૂર્ણ પ્રકાશ(ધોળો)ની મર્યાદિત રંગશ્રેણી તેમજ સીધી રેખાઓ, ત્રિકોણ, પિરામિડ, વર્તુળ, દડો (hemisphere), ચોરસ, ઘન જેવા મૂળભૂત પ્રાથમિક આકારોની મર્યાદિત આકૃતિશ્રેણી માનવીની મૂળભૂત લાગણીને અભિવ્યક્ત કરવા માટે સક્ષમ છે તેવો સિદ્ધાંત તેમણે આ ઢંઢેરા તેમજ સામયિક દ્વારા પ્રતિપાદિત કર્યો.
પૅરિસ અને ઍમસ્ટરડૅમમાં માલેવિચે 1910થી 1913 સુધી નિવાસ કર્યો હતો. દરમિયાન તેમણે દાદાવાદ અને પરાવાસ્તવવાદનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એ બેમાંથી તેમને તર્કશાસ્ત્ર(logic)નો ઇનકાર કરીને, તર્કને ઉવેખીને સ્વયંભૂ લાગણીથી સિંચાયેલી કલાની સ્થાપના કરવાની પ્રેરણા મળી હતી. પોતે લખેલા પુસ્તક ‘ધ નૉન-ઑબ્જેક્ટિવ વર્લ્ડ’(1928)માં તેમણે ‘સુપરમેટિઝમ’ અંગેના બધા જ વિચારો અને સિદ્ધાંતોનું સંકલન કર્યું છે.
કાસિમીર માલેવિચે દોરેલું ચિત્ર
ક્રુસેનિકના ઑપેરા ‘વિક્ટરી ઑવર ધ સન’ની માલેવિચે ચીતરેલી પિછવાઈ (1913) પ્રથમ ‘સુપરેમેટિસ્ટ’ ચિત્ર ગણાય છે. તેમાં તેમણે રાખોડી પશ્ર્ચાદભ પર એક કાળું ચોરસ અને એક ધોળું ચોરસ ચીતર્યાં હતાં. એ પછી તેમણે 1918માં તેમનાં જાણીતાં ચિત્રો ‘વ્હાઇટ ઑન વ્હાઇટ’ અને ‘બ્લૅક ઑન બ્લૅક’ આલેખ્યાં; જેમાં અનુક્રમે સફેદ પશ્ર્ચાદભ પર સફેદ ચોરસ અને કાળી પશ્ર્ચાદભ પર કાળો ચોરસ જોવા મળે છે. થોડા સમય માટે રશિયન ચિત્રકાર લિસિટ્ઝ્સ્કીએ સુપરમેટિઝમ અનુસાર ચિત્રસર્જન કરેલું. 1918માં આ ટૂંકજીવી અને માત્ર બે ચિત્રકાર પૂરતા મર્યાદિત રહેલ કલાપ્રવાહનો અંત આવ્યો. માલેવિચે મૉસ્કો ખાતે કલાશિક્ષણમાં જોતરાઈ ગયા પછીથી રચનાવાદ (constructivism) દે સ્ટીલ (‘De Stiil’) જેવા કલાપ્રવાહોએ સુપરમેટિઝમના સિદ્ધાંતોને બહુધા અપનાવી લીધા. ધાતુ, પ્લાસ્ટિક, કાચમાંથી બનતી રોજેરોજની આધુનિક વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનની ડિઝાઇનમાં ‘સુપરમેટિઝમ’ કળાસિદ્ધાન્તનો મોટો ફાળો રહેલો છે. રશિયામાં મિખાઇલ લારિયાનોલ, નાતાલિયા, ગોન્યારોવા, ઍલેક્ઝાન્ડર રોડચેન્કો, એલ લિસિટ્સ્કી અને લ્યુબોવ પોપોવાએ પરિધાનવસ્ત્રો, વાસણો, ફર્નિચર, સ્થાપત્ય જેવી ઉપયોગલક્ષી-ઉપભોક્તાલક્ષી વસ્તુઓનું સર્જન શરૂ કર્યું. સોવિયેત સત્તાને એ ઉપભોક્તાલક્ષી કલા પસંદ હતી પણ માલેવિચેની શુદ્ધ સૌંદર્યબોધમંડિત કલા નાપસંદ હતી.
અમિતાભ મડિયા