સીમા-સરહદ (Boundary Frontier) : પાસપાસે આવેલા કોઈ પણ બે પડોશી દેશો કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ હેઠળના વિસ્તારો વચ્ચે નિયત કરેલી રેખા. સીમા એ રીતે રેખીય લક્ષણ બને છે. સીમાને સ્પર્શીને આવેલા જે તે દેશનો આંતરિક વિસ્તાર તે દેશની લશ્કરી દેખરેખ હેઠળ જળવાતો હોય છે, જેને સરહદ કહેવાય છે.

આ જ રીતે રાજ્ય-રાજ્ય, જિલ્લા-જિલ્લા, તાલુકા-તાલુકા કે ગામ-ગામ વચ્ચે અંકિત કરેલી નિર્ધારિત રેખાને પણ સીમા તરીકે ઓળખી શકાય. તેમાં તેમના પોતપોતાના આંતરિક મર્યાદિત વિસ્તારોને પણ તેમની પોતાની સરહદ તરીકે ઘટાવાય છે.

નકશાશાસ્ત્રનાં ચોક્કસ ધારાધોરણો મુજબ જે તે દેશની સીમા માટે દેશભેદે રૂઢ સંજ્ઞાઓ નિયત કરેલી હોય છે.

સીમા માટેની રૂઢ સંજ્ઞાઓ : 1. આંતરરાષ્ટ્રીય સીમા, 2. રાજ્યની સીમા, 3. જિલ્લાની સીમા, 4. તાલુકાની સીમા

સીમા એ રાષ્ટ્રીય એકમનું એક અતિ મહત્વનું સંવેદનશીલ રાજકીય ઘટક ગણાય છે. સીમા જે તે પ્રદેશ પર તેની સરકાર કે તેને માટે નીમેલ વહીવટદારને કાનૂની અંકુશ રાખવાનો અધિકાર આપે છે. ટૂંકમાં, બહોળી દૃષ્ટિએ જોતાં, સીમા એક દેશના સાર્વભૌમત્વને બીજા દેશના સાર્વભૌમત્વથી જુદું પાડી બતાવે છે.

દેશની સીમા નિર્ધારિત થઈ ગયા પછી તે સીમામાં મર્યાદિત થતા વિસ્તારને પોતાની આગવી આર્થિક, સામાજિક નીતિઓ તથા રાજકીય વિચારસરણી પ્રમાણે જરૂરિયાત મુજબ વિકસાવી શકાય છે. આ રીતે સમય જતાં, તે તે પ્રદેશ પડોશી દેશથી અલગ પડી જાય છે. આમ દેશની સીમા બે પડોશી પ્રદેશોને જુદા પાડી આપવાનું કાર્ય કરે છે. દેશભેદે સર્વ પ્રકારનાં લક્ષણો તેમાં ધીમે ધીમે વિકસે છે.

દરેક દેશ પોતાના પડોશી દેશ સાથેના સંબંધોને લક્ષમાં રાખીને લશ્કરી રક્ષણની દૃષ્ટિએ જેટલો જરૂરી હોય એટલો સીમા સાથેનો વિસ્તાર સરહદ તરીકે મર્યાદિત કરે છે. તેમાં મિલિટરી ચૅક-પોસ્ટ, મિલિટરી મથક/મથકો, રક્ષણ અંગેની જરૂરી સામગ્રી અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આવા મર્યાદિત સરહદી વિસ્તારમાં દેશનો નાગરિક પણ પૂર્વપરવાનગી વિના પ્રવેશી શકતો નથી. આ સંદર્ભમાં, સીમાની જેમ જ, સરહદ પણ દેશ અથવા રાજકીય એકમનું એક મહત્વનું અંગ બની રહે છે. દરેક દેશ પોતપોતાની અનુકૂળતા તથા વ્યૂહાત્મકતાને આધારે સરહદ માટેનું ચોક્કસ અંતર નિર્ધારિત કરે છે. તેમાં જો દરિયાઈ સીમા આવતી હોય તો દરિયાકિનારાથી અમુક ચોક્કસ કિમી. સુધીનો દરિયા તરફનો જળવિસ્તાર જે તે દેશના કાનૂની અધિકાર હેઠળ આવે છે; જેમ કે, ભારતને માટે એના દરિયાકિનારાના 22 કિમી.(12 નૉટિકલ માઈલ)નો વિસ્તાર તેનો સરહદી વિસ્તાર ગણાય છે; ભારતનું તટરક્ષક દળ તેની દેખરેખ રાખે છે.

સીમા અને સરહદની સૌથી મોટી જો કોઈ જવાબદારી હોય તો તે બંને એકમોને સ્પષ્ટ રીતે જુદા પાડી આપવાની – જુદા રાખવાની હોય છે. જવાબદારીનું આ કાર્ય તે કેટલી કાર્યક્ષમતાથી બજાવી શકે છે તેનો આધાર સીમાસ્વરૂપ અથવા સીમા-પસંદગી પર રહેલો છે. આથી જ સીમા-પસંદગી એ બારીકાઈભર્યા અભ્યાસનું તેમજ દીર્ઘદૃષ્ટિનું કાર્ય ગણાય છે; જો તેમાં કચાશ રહી જાય તો સીમા-સંઘર્ષની સમસ્યા ગમે ત્યારે ઉપસ્થિત થઈ શકે છે. આમાં કુદરતી (ભૌગોલિક) સીમા સાંસ્કૃતિક/ભૌમિતિક સીમા કરતાં વધુ સારી કાર્યસાધક બની રહે છે. અલબત્ત, આધુનિક રાજકારણમાં હવે ગમે તેટલી યોગ્ય કુદરતી સીમા પણ રાજકીય સંઘર્ષનાં કારણો પૂરાં પાડી શકે છે.

સીમા-સરહદ : અર્થઘટન : મધ્યયુગનાં સામ્રાજ્યો ગ્રીસ અને રોમ વચ્ચે તેમને અલગ પાડતી કોઈ સીમારેખા તે વખતે અસ્તિત્વ ધરાવતી ન હતી; માત્ર તેમની વચ્ચે આવેલો પંકપ્રદેશ સરહદ ગણાતો હતો ખરો, તેમ છતાં તેમાં પણ ચોકસાઈ ન હતી. પશ્ચિમ યુરોપમાં રોમન રાજાના આગમન વખતે સર્વપ્રથમ વાર સીમા નક્કી કરવાની ફરજ પડી. આમ સોળમી સદીમાં સર્વપ્રથમ વાર શાર્લમૅન રાજાએ પોતાના રાજ્યને ત્રણ પ્રાંતમાં વિભાજિત કર્યું; તેમ છતાં ત્યારે પણ વાસ્તવિક ભૂમિ-અંકન કરી શકાયું ન હતું. સર્વપ્રથમ 1718માં ઑસ્ટ્રિયા, નેધરલૅન્ડ અને ફ્રાંસ વચ્ચે વાસ્તવિક સીમારેખા અંકિત કરી શકાઈ હતી. અઢારમી સદીના અંત સુધીમાં સમગ્ર યુરોપમાં સરહદો નક્કી થઈ હતી; પરંતુ સીમાંકન થઈ શક્યું ન હતું. ઓગણીસમી સદીમાં સર્વેક્ષણ અને નકશાશાસ્ત્રના વિકાસને કારણે સમગ્ર યુરોપમાં સીમાંકન શક્ય બન્યું. વર્તમાન સમયમાં એક એવી સમજ પ્રવર્તે છે કે આંતરરાષ્ટ્રીય સીમારેખા એ જળ, ભૂમિ અને અવકાશી વિસ્તારોને પણ સ્પર્શે છે – સાંકળે છે, અર્થાત્ ‘સીમારેખા’ શબ્દ ઊર્ધ્વ અને સમક્ષિતિજ સીમાઓનો ખ્યાલ આપે છે અને તેથી જળવિસ્તારો, ભૂમિવિસ્તારો તથા અવકાશી વિસ્તારને સાંકળે છે.

સીમાંકન (demarcation) : સીમાંકન-પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે : (i) કયા પ્રદેશમાં સીમાંકન કરવાનું છે. (ii) સીમાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. (iii) સીમાંકન કર્યા પછી તેના સ્થાપીકરણ માટે કયાં ચિહનોનો – કઈ સાધનસામગ્રીનો ઉપયોગ કરવાનો છે; જેમ કે, તારની વાડ, થાંભલા વગેરે.

સીમાંકનપ્રક્રિયા : સીમાંકન-પ્રક્રિયા એ મોટેભાગે તો એક પ્રકારની કુનેહ અથવા મુત્સદ્દીગીરી છે. સીમાંકનની પ્રક્રિયામાં જો કોઈ મતભેદ હોય તો તેને માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં વિરોધ નોંધાવી શકાય છે. સીમાંકન-પ્રક્રિયામાં ગુણદોષ તો રહેવાના જ. આ પ્રક્રિયા માટે મુખ્યત્વે પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે : (i) વ્યૂહાત્મક, (ii) વાંશિક, (iii) આર્થિક, (iv) ભૌગોલિક અને (v) ઐતિહાસિક.

સીમાસ્થાપીકરણ (delimitation) : સીમાંકન-પ્રક્રિયા પછી સીમા-નિર્દેશનની પ્રત્યક્ષ સ્પષ્ટતા માટે ચોક્કસ સાધનોથી નિશાની દર્શાવવી પડે છે. તેમાં કુનેહ મહત્વનો મુદ્દો છે. દસ્તાવેજ (નોંધણી) મુજબ અંકિત કરેલી સીમા ઉપર ચોક્કસ મથકો/સાધનો ઊભાં કરવામાં આવે છે. યુ.એસ.કૅનેડા વચ્ચે કાંટાળા તારની વાડથી પ્રત્યક્ષ સીમાંકન થયેલું છે. સીમાંકનનું આ શ્રેષ્ઠ સ્થાપન ગણાય છે.

કેટલાક દેશો વચ્ચેની સીમારેખાના નિર્દેશન માટે પ્રાકૃતિક (ભૌગોલિક) લક્ષણો – નદી, સરોવર, પર્વત, વગેરે – નો ઉપયોગ થાય છે. વિસ્તાર હિમાચ્છાદિત કે જંગલછાયો હોય તો તે માટે સમોચ્ચતામાન-રેખાઓનો આધાર લેવાય છે. રણવિસ્તાર હોય તો અક્ષાંશ-રેખાંશનાં લક્ષણોને સીમારૂપ ગણવામાં આવે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આવેલા રણપ્રદેશમાં સિમેન્ટના થાંભલાઓથી સીમાંકન કરાયેલું છે. આ ઉપરાંત અહીં કાંટાળા તારની વાડનું નિર્માણ પણ થઈ રહ્યું છે.

કાંટાળી વાડ

સીમાવર્ગીકરણ : પૃથ્વીની સપાટી પર આવેલા રાજકીય એકમો અને રાષ્ટ્રોની સીમાઓનું વર્ગીકરણ જોતાં તેમાં મુખ્ય ત્રણ પ્રકાર સ્પષ્ટપણે અલગ તરી આવે છે : (i) પ્રાકૃતિક, (ii) ભૌમિતિક અને (iii) સાંસ્કૃતિક.

પ્રાકૃતિક સીમાઓ : ગિરિમાળાઓ, નદીઓ, સરોવરો, સમુદ્ર-મહાસાગરો, રણપ્રદેશો, જંગલપ્રદેશો, પંક/કળણ પ્રદેશો વગેરે જેવાં કુદરતી લક્ષણો એક પ્રદેશને બીજા નજીકના પ્રદેશથી ભૌગોલિક રીતે અલગ પાડી આપવામાં સહાયરૂપ થઈ પડે છે. આ લક્ષણોવાળા સરહદીય વિસ્તારમાં આવેલા એકમોને રાજકીય સીમા તરીકે પસંદગી આપીને સીમાંકન અને સીમાસ્થાપન થાય છે.

ભૌમિતિક સીમાઓ : ઓછી વસ્તીવાળા કે ઓછા ઉપયોગી પ્રદેશોને તેમજ તેમાં આવેલાં કોઈ પણ પ્રકારનાં જળસ્વરૂપોનાં લક્ષણોની સહાયથી ભૌમિતિક રેખાઓ દ્વારા પ્રદેશોને સીમાંકિત કરવામાં આવે છે. આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં કેટલીક જગાઓ અક્ષાંશ-રેખાંશને લક્ષમાં રાખીને સીમાંકિત કરાઈ છે.

સાંસ્કૃતિક સીમાઓ : પૃથ્વી પરના કેટલાક ભાગોમાં વિશિષ્ટ વસ્તી/જાતિ જૂથો આવેલાં છે. જાતિ, ધર્મ અને ભાષાને આધારે વસ્તીજૂથો અલગ પડતાં હોય છે. તેમને પ્રત્યેકને પોતપોતાનાં આગવાં સ્વરૂપો હોય છે. દેશની કે રાજ્યોની રચનામાં આવાં અલગ પડતાં વસ્તીજૂથોને સીમા તરીકે પસંદગીમાં વિશેષ મહત્વ અપાય છે. આવી સીમાઓને સાંસ્કૃતિક સીમાઓ કહે છે. એક દેશને બીજા દેશથી કોઈ ચોક્કસ વસ્તીજૂથોની બહુમતીને આધારે સાંસ્કૃતિક લક્ષણો દ્વારા અલગ પાડવામાં આવે છે; જેમ કે, ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ત્યાંનાં જાતિજૂથોને લક્ષમાં રાખીને સીમાંકન કરાયેલું છે.

પ્રા. વાઇગર્ટે (Weigert) સૂચવેલા સીમાપ્રકારો નીચે મુજબ છે :

(i) કાયદેસર માન્ય સીમાઓ,

(ii) સંલગ્ન દેશોની સામાન્ય સીમા,

(iii) વિવાદાસ્પદ સીમા,

(iv) કાલ્પનિક સીમા.

સીમાઓનો હેતુ : દરેક રાષ્ટ્ર પોતપોતાની સીમાનું રક્ષણ કરતું હોય છે. આ સીમાને કારણે ઘૂસણખોરો, દાણચોરો, આતંકવાદીઓ, જાસૂસો અને દુશ્મનના લશ્કરના માણસોની અવરજવર પર નિયંત્રણ (કાબૂ) રહે છે. દરેક દેશ તેની સીમાની અંદર સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. પોતાના આર્થિક, સામાજિક કે રાજકીય વિકાસમાં અવરોધ ઊભો ન થાય તે માટે સીમા મહત્વનું કાર્ય કરે છે. સીમાને કારણે દેશમાં શાંતિ અને વ્યવસ્થાનિર્માણ કરવામાં અનુકૂળતા રહે છે. સાથે સાથે દેશની સંપત્તિ અને નાગરિકોનું રક્ષણ કરવામાં પણ વ્યવસ્થા જળવાઈ રહે છે.

આદર્શ સીમા : સીમાપ્રકારો જાણ્યા પછી કઈ સીમાને આદર્શ ગણવી તે કપરું છે. રાજકીય દૃષ્ટિએ આદર્શ સીમા તેને કહેવાય, જે સુરક્ષાની દૃષ્ટિએ સારી હોય. પ્રાકૃતિક સીમામાં પ્રાકૃતિક આધારનું મહત્વ વધુ હોય છે, તેમાં ફેરફારને અવકાશ હોતો નથી. કૃત્રિમ સીમામાં તોડફોડફેરફારની શક્યતા વધુ રહે છે.

સરહદ (frontier) : અંગ્રેજી ભાષામાં ‘સરહદ’ માટે ઉપયોગમાં લેવાતો ‘Frontier’ શબ્દ લૅટિન ભાષાના મૂળ શબ્દ Frons (અર્થ : અગ્રભાગ) પરથી ઊતરી આવેલો છે. તેનો અર્થ સરહદ અથવા રણક્ષેત્રની રેખા (Line of battle) થાય છે. ‘ફ્રન્ટિયર’ શબ્દના ઉપયોગની સર્વપ્રથમ શરૂઆત 1623માં હેન્રી કોકેર્મે કરેલી. તેમના મત મુજબ, ‘ફ્રન્ટિયર’ એટલે કોઈ પણ દેશ માટેની હદ. આ શબ્દને નાથન બેઇલી(Nathan Baily)એ પણ દેશની સરહદ તરીકે સમજ આપી. તેના પરથી ‘સરહદી નગર’ (frontier town) શબ્દ બન્યો; દા.ત., ગુજરાતના કચ્છ જિલ્લાનું લખપત સરહદી નગર છે. ‘Frontier’ શબ્દનો અર્થ હુમલાનો પ્રતિકાર કરવા માટેની હદ (barrier against attack). અમેરિકી વિદ્વાન પિયર્સને (Pierson) ‘સરહદ’ શબ્દની સમજ આપતાં જણાવ્યું છે કે ‘સરહદ એટલે ભૂસપાટી પર આવેલો ખાલી વિસ્તાર’ અથવા ‘સરહદ એટલે બે પ્રતિસ્પર્ધીઓ(સ્પર્ધકો, વિરોધીઓ)ને ભેદતી રેખા’.

‘Front’ પરથી બનેલા ‘Frontier’ શબ્દને અગ્રભાગી (સામે દેખાતો/આવેલો) પ્રદેશ તરીકે પણ ઘટાવી શકાય. એક રીતે તેનો સરહદ માટેની મોરચાભૂમિ (forceland) તરીકે પણ ઉલ્લેખ કરી શકાય. સામાન્ય રીતે તો સીમારેખાની બંને બાજુના દેશો વચ્ચેના 20 કિમી. જેટલા ભૂમિવિસ્તારને સરહદી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. બ્રિટનની Association Geographical Glossary Committee-એ Frontier એટલે ‘A border region (zone or tract) which forms a belt of separation, contact or transition between political units.’ જેવો અર્થ સ્પષ્ટ કરી આપેલો છે. આમ સીમાને સ્પર્શીને આવેલા બંને દેશોનો પોતપોતાનો અંદર તરફ વિસ્તરતો મર્યાદિત વિસ્તાર – જે લશ્કરી દેખરેખ હેઠળ હોય, તેને સરહદી વિસ્તાર તરીકે ઓળખી શકાય. સીમા સાથેના પ્રાદેશિક પટ્ટાને સરહદ તરીકે ઘટાવાય છે.

સીમા અને સરહદ : તફાવત :

1. સીમા રેખાના સ્વરૂપમાં હોય છે, જ્યારે સરહદ ક્ષેત્રના સ્વરૂપમાં હોય છે.

2. લશ્કરી હેતુ માટે લશ્કરી અધિકારી સીમારેખા સુધી જઈ શકે છે. સરહદી વિસ્તારમાં લશ્કરના અધિકારીની લેખિત પરવાનગી દ્વારા સામાન્ય નાગરિક ધાર્મિક હેતુ માટે પ્રવેશી શકે છે.

3. સીમા માનવસર્જિત હોવાથી તે કૃત્રિમ ગણાય. સરહદ ભૂપૃષ્ઠના એક ભાગરૂપ હોવાથી કુદરતી ગણાય.

4. સીમા રેખાસ્વરૂપે હોવાથી સંઘર્ષને અવકાશ રહેતો નથી; સરહદ વિસ્તારના સ્વરૂપમાં હોવાથી તેને માટે તંગદિલી ઉદભવી શકે છે.

5. સીમા એ રાજનીતિજ્ઞો, મુત્સદ્દીઓ અને ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓનું સર્જન હોય છે; સરહદ એ કુદરતી વિસ્તાર હોય છે.

અક્ષાંશ-રેખાંશ દ્વારા નિર્ધારિત થતી સીમાઓ ભૌમિતિક સીમાઓ તરીકે ઓળખાય છે. ભૌમિતિક સીમાઓને નિયત કરવાનું અને નિભાવવાનું સરળ છે, તેમાં વસ્તી-જૂથ જેવી સંઘર્ષ-સમસ્યાઓ નડતી હોતી નથી. એવી સીમાઓનું નિર્ધારણ-સ્થાપન પણ સહેલું બની જાય છે. તે સીધી રેખાઓથી દર્શાવાય છે. ઑસ્ટ્રેલિયાના ભૂમિખંડના મોટા રાજકીય એકમો-પેટાએકમો ભૌમિતિક સીમારૂપે દર્શાવાયેલા છે.

હાર્ટશોનનું સીમાવર્ગીકરણ : સીમાઓનું વ્યવસ્થિત – એકધારું વર્ગીકરણ કઠિન છે; તેમ છતાં પ્રા. હાર્ટશોને (Hartshone) જે વર્ગીકરણ કર્યું છે તે નીચે મુજબ છે :

1.આનુવંશિક સીમા :

    (અ)  યથાપૂર્વ સીમા (Antecedent boundary)

    (આ) અનુવર્તી સીમા (Subsequent boundary)

    (ઇ)  અધ્યારોપિત સીમા (Superimposed boundary)

    (ઈ)  પરિણામી સીમા (Consequent boundary)

    (ઉ)  કાલગ્રસ્ત સીમા (Relict boundary)

2. પ્રાકૃતિક સીમા.

3. ભૌમિતિક સીમા.

નીતિન કોઠારી