સીમાવર્તી પૃથક્કરણ (marginal analysis)

January, 2008

સીમાવર્તી પૃથક્કરણ (marginal analysis) : વસ્તુની કિંમત અને તેના ઉત્પાદિત જથ્થા અંગે સમજૂતી આપવા માટે 19મી સદીના નવ્ય-પ્રશિષ્ટ (neo-classical) તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓ દ્વારા વિકસાવવામાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. આ અર્થશાસ્ત્રીઓમાં જિવોન્સ, મેન્જર, વોલરા(સ), ક્લાર્ક, એજવર્થ, માર્શલ, ફિશર, પરેટો વગેરેનો સમાવેશ થાય છે. પ્રશિષ્ટ (ક્લાસિકલ) અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રની વૃદ્ધિ અને તેમાં મૂડીસંચયની ભૂમિકા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવ્યપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનનાં સાધનોના જથ્થાની દૃષ્ટિએ સ્થિર રહેતા અર્થતંત્રમાં ઉત્પાદનનાં વિવિધ ક્ષેત્રો વચ્ચેની ઉત્પાદનનાં સાધનોની કાર્યક્ષમ ફાળવણીના પ્રશ્ર્ન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે માટે તેમણે સીમાવર્તી પૃથક્કરણની પ્રયુક્તિ (ટૅકનિક) અપનાવી હતી.

સીમાવર્તી પૃથક્કરણ કેટલીક પાયાની ધારણાઓ પર કરવામાં આવે છે. એક, વ્યક્તિ વસ્તુના ઉપભોક્તા કે ગ્રાહક તરીકે તેને મળતા સંતોષ(તુષ્ટિગુણ)ને મહત્તમ કરવાની કોશિશ કરે છે અને ઉત્પાદક તરીકે તેને મળતા નફાને મહત્તમ કરવાની કોશિશ કરે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો માનવી તર્કબદ્ધ (rational) વર્તન કરીને તેના ઉદ્દેશને અધિકતમ માત્રામાં હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. આ અર્થમાં તે અર્થપરાયણ માનવી (economic man) છે, જે પોતે જેને લાભ ગણે છે તેને મહત્તમ કરવાની અને તે માટેના ખર્ચને ન્યૂનતમ કરવાની કોશિશ કરે છે.

પાયાની બીજી ધારણા ઉત્પાદનખર્ચ કે ધ્યેયપ્રાપ્તિ માટેના ખર્ચને સ્પર્શે છે. આ વિશ્લેષણમાં ખર્ચને વિશિષ્ટ રીતે જોવામાં આવ્યું છે અને તેમાં એક પાયાની ધારણા રહેલી છે. જરૂરિયાત સંતોષવા માટેનાં સાધનો મર્યાદિત છે અને તેમના વૈકલ્પિક ઉપયોગો છે. વ્યક્તિ પાસે ઉપભોક્તા તરીકે મર્યાદિત સમય અને મોટાભાગના દાખલાઓમાં મર્યાદિત આવક છે. તેથી તે પોતાની બધી જરૂરિયાતો ઇચ્છે તેટલા પ્રમાણમાં સંતોષી શકતી નથી. કોઈ એક જરૂરિયાત સંતોષવા માટે તેને બીજી કોઈ જરૂરિયાતનો પૂર્ણતયા કે અંશત: ભોગ આપવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો અન્ય વિકલ્પો જતા કરવા પડે છે. જતા કરવામાં આવેલા શ્રેષ્ઠ વિકલ્પને પ્રાપ્ત કરવામાં આવેલા વિકલ્પનું ખર્ચ ગણવામાં આવે છે. ઉત્પાદનના ક્ષેત્રમાંથી એક ઉદાહરણ લઈએ. એક ખેતરમાં ઘઉં, કપાસ, શાકભાજી એમ વિવિધ પાકો ઉગાડી શકાય. આ પૈકી કોઈ એક સમયે કોઈ એક પાક લઈ શકાશે અને અન્ય પાકો (વિકલ્પો) જતા કરવા પડશે. જતા કરવામાં આવેલા ઉત્તમ વિકલ્પને ઉગાડવામાં આવેલા પાકના ખર્ચ રૂપે જોવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં તેને વૈકલ્પિક ખર્ચ (opportunity cost) તરીકે રજૂ કરવામાં આવે છે. આ ઉદાહરણના સંદર્ભમાં જોઈએ તો કોઈ એક ખેતરમાં ઘઉંના વિકલ્પે કપાસ ઉગાડવામાં આવે તો ઉત્પન્ન કરવામાં આવેલા કપાસનું વૈકલ્પિક ખર્ચ જતું કરવામાં આવેલું ઘઉંનું ઉત્પાદન છે. ધારો કે આ દાખલામાં ઘઉંની ખેતીમાંથી ખેડૂતને બધું ખર્ચ કાઢતાં રૂ. 10,000 મળ્યા હોત. ઉગાડવામાં આવેલા કપાસનું એ વૈકલ્પિક ખર્ચ ગણાય. [મોટાભાગનું વૈકલ્પિક ખર્ચ, ખર્ચવામાં આવેલાં નાણાં દ્વારા વ્યક્ત થઈ જાય છે; પરંતુ કેટલાક દાખલાઓમાં બધું જ વૈકલ્પિક ખર્ચ, ખર્ચવામાં આવેલાં નાણાંમાં વ્યક્ત થતું નથી.] જો કપાસની ખેતીમાંથી ખર્ચ કાઢતાં રૂ. 10,000થી વધુ કમાણી થવાની ખેડૂતની ગણતરી હોય તો તે કપાસ માટે પોતાના ખેતરનો ઉપયોગ કરશે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો તે કપાસની ખેતી માટે પોતાની જમીન ફાળવશે. આ દાખલામાં ઘઉંની ખેતીની તુલનામાં કપાસની ખેતીમાંથી ખેડૂતને વધારે વળતર મળતું હોવાથી તેના દ્વારા કરવામાં આવેલી જમીનની ફાળવણી કાર્યક્ષમ બનશે. ઉત્પાદનનાં વિવિધ સાધનોની સમગ્ર અર્થતંત્રમાં કાર્યક્ષમ ફાળવણી નવ્ય-પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના અભ્યાસનો મધ્યવર્તી મુદ્દો હતો.

સીમાવર્તી વિશ્લેષણની પાયાની ત્રીજી ધારણા : જેમને વપરાશ કે ઉત્પાદનને લગતા નિર્ણયો કરવાના છે તે આર્થિક કર્તાઓ (agents) તેમને કરવાના નિર્ણયો માટે જરૂરી માહિતી ધરાવે છે. ગ્રાહક તરીકે વ્યક્તિ કોઈ એક વસ્તુના એક વધારે એકમ(સીમાવર્તી એકમ)માંથી તેને કેટલો સંતોષ કે તુષ્ટિગુણ (સીમાવર્તી તુષ્ટિગુણ) મળશે તેની ગણતરી કરી શકે છે. એ જ રીતે વસ્તુનો એક વધારે એકમ ખરીદવા માટે તેને કેટલું વધારે ખર્ચ (સીમાવર્તી ખર્ચ) કરવું પડશે તેની માહિતી તે ધરાવે છે. એક ઉત્પાદક તેના દ્વારા ઉત્પાદિત વસ્તુનો એક વધારે એકમ ઉત્પન્ન કરવાથી તેના કુલ ઉત્પાદનખર્ચમાં કેટલો વધારો થશે (સીમાવર્તી ખર્ચ) તેની ગણતરી કરી શકે છે. એ જ રીતે એક વધારે એકમ વેચવાથી તેની આવક કે તેના વકરામાં કેટલો વધારો (સીમાવર્તી આવકમાં) થશે તેની પણ તે ગણતરી કરી શકે છે. આ ઉત્પાદક એક વધારે મજૂરને રોકવાથી તેના દ્વારા થનાર વધારે ઉત્પાદનથી પોતાની આવકમાં કેટલો વધારો થશે તેની ગણતરી મૂકી શકે છે. તેને મજૂરની સીમાવર્તી ઉત્પાદકતા કહેવામાં આવે છે. એક વધારે મજૂરને રોકવાથી ઉત્પાદકના કુલ વેતનખર્ચમાં થતા વધારાને સીમાવર્તી વેતનખર્ચ કહેવામાં આવે છે.

ચીજવસ્તુઓની વપરાશ દ્વારા પોતાના સંતોષને મહત્તમ કરવા ઇચ્છતો ગ્રાહક વસ્તુમાંથી મળતો સીમાવર્તી તુષ્ટિગુણ વસ્તુની કિંમત બરાબર થઈ રહે એટલા વસ્તુના એકમો ખરીદશે. તે પોતાની મર્યાદિત આવક વિવિધ વસ્તુઓ પાછળ એટલા પ્રમાણમાં ખર્ચશે (ફાળવશે) જેથી પ્રત્યેક વસ્તુ પાછળ ખર્ચવામાં આવતા સીમાવર્તી (છેલ્લા) રૂપિયામાંથી મળતો (સીમાવર્તી) તુષ્ટિગુણ સરખો થઈ રહે. આ પૃથક્કરણ પ્રમાણે કોઈ એક વસ્તુની કિંમત વધતાં તેમાંથી મળતો સીમાવર્તી તુષ્ટિગુણ વસ્તુની કિંમત કરતાં ઘટી જશે. તે બેને સરખા કરવા માટે ગ્રાહક વસ્તુના ઓછા એકમો ખરીદશે. કોઈ ગ્રાહકની એક વસ્તુના એકમોની વપરાશ જેમ જેમ વધતી જાય તેમ તેમ વસ્તુમાંથી મળતો સીમાવર્તી તુષ્ટિગુણ ઘટતો જાય છે એ વપરાશ અંગેનો અર્થશાસ્ત્રનો પાયાનો સિદ્ધાંત છે. એ નિયમ પ્રમાણે વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુની વર્તમાન ખરીદી એ વસ્તુમાંથી મળતો સીમાવર્તી તુષ્ટિગુણ વસ્તુની કિંમતની તુલનામાં ઘટી જાય છે. તે બેને સરખાં કરવા માટે ગ્રાહક વસ્તુની ખરીદી ઘટાડે છે. આ રીતે વસ્તુની કિંમત અને વસ્તુના ખરીદવામાં આવતા જથ્થા વચ્ચે જે વ્યસ્ત સંબંધ જોવા મળે છે તેની સમજૂતી આપવામાં આવી.

કોઈ એક ઉત્પાદક પેઢી દ્વારા કરવામાં આવતા ઉત્પાદનની સમજૂતી આપવા માટે પણ સીમાવર્તી પૃથક્કરણનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉત્પાદન કરતી પેઢી તેને મળતા નફાને મહત્તમ કરવા માટે તેના સીમાવર્તી ખર્ચ અને તેની સીમાવર્તી આવકને સરખાં કરશે. જો સીમાવર્તી ખર્ચ કરતાં સીમાવર્તી આવક વધારે હશે તો પેઢી તેના ઉત્પાદનમાં વધારો કરશે. ઉત્પાદનના ક્ષેત્રે અમુક હદ પછી વધતા સીમાવર્તી ખર્ચની ધારણા છે; તેથી છેવટે ઉત્પાદનની કોઈ એક સપાટીએ સીમાવર્તી ખર્ચ અને સીમાવર્તી આવક સરખાં થઈ રહેશે. પેઢીના ઉત્પાદનને લગતા આ સીમાવર્તી વિશ્લેષણના આધાર પર સ્પર્ધાત્મક બજારોમાં વસ્તુના પુરવઠા અને વસ્તુની કિંમત વચ્ચે પ્રવર્તતા સીધા સંબંધની સમજૂતી આપવામાં આવી.

શ્રમ અને ઉત્પાદનનાં અન્ય સાધનોની કિંમતની સમજૂતી આપવા માટે પણ સીમાવર્તી પૃથક્કરણનો ઉપયોગ કરવામાં આવ્યો; દા.ત., પોતાના નફાને મહત્તમ કરવા માગતો ઉત્પાદક શ્રમના એટલા એકમો રોકશે જેથી વેતનદર (વેતનનું સીમાવર્તી ખર્ચ) અને શ્રમની સીમાવર્તી ઉત્પાદકતા સરખાં થઈ રહે. આ વિશ્લેષણ શ્રમની ઘટતી જતી સીમાવર્તી ઉત્પાદકતાની ધારણા પર રચાયેલું છે. તેના બે સૂચિતાર્થો છે. એક, જો વેતનદર ઘટે તો કોઈ એક પેઢી દ્વારા રોકવામાં આવતા કામદારોની સંખ્યામાં વધારો થશે (શ્રમ માટેની માંગ વધશે), એટલે કે વેતનદર અને રોજગારી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બીજું, પેઢી તેમના કામદારોને તેમની સીમાવર્તી ઉત્પાદકતા કરતાં ઓછું વેતન નહિ ચૂકવે; કેમ કે, તે તેના હિતમાં નથી. કામદારોને તેમની સીમાવર્તી ઉત્પાદકતા કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે તે કામદારનું શોષણ ગણાય એવી જો શોષણની વ્યાખ્યા કરવામાં આવે તો આ બીજો સૂચિતાર્થ એમ સૂચવે છે કે ઉત્પાદકો તેમના પોતાના હિતમાં કામદારોનું શોષણ નહિ કરે ! આ વિશ્લેષણનો એક ત્રીજો સૂચિતાર્થ પણ નોંધપાત્ર છે. દેશમાં બહુ ઓછું વેતન કે વળતર મેળવતા કામદારોને વધુ વેતન મળે એવું જો આપણે ઇચ્છતા હોઈએ તો એ કામદારોની ઉત્પાદકતા વધે એવાં પગલાં ભરવાં જોઈએ. એ માટેનો એક માર્ગ તેમને એવા વ્યવસાયોમાં ખસેડવાનો છે, જ્યાં તેમની ઉત્પાદકતા વધારે હોય; દા.ત., ખેતમજૂરોને ખેતીના વ્યવસાયમાંથી ખસેડીને ઉદ્યોગોના ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો તેઓ વધારે વેતન મેળવી શકે; કેમ કે, ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે તેમની સીમાવર્તી ઉત્પાદકતા વધારે હોવાની. એ જ રીતે હાથસાળને બદલે પાવરલૂમ પર ઉત્પાદન કરતા કામદારની સીમાવર્તી ઉત્પાદકતા વધારે હોવાથી તે વધારે વળતર મેળવી શકે. આમાં એ અભિપ્રેત છે કે જો કામદારને વધુ અને કાર્યક્ષમ મૂડીની સહાય મળે તો તેની ઉત્પાદકતા વધતાં તેની આવકમાં વધારો થશે.

સીમાવર્તી પૃથક્કરણના આધાર પર માંગ અને પુરવઠાના નિયમોની સમજૂતી આપવામાં આવી અને માંગ તથા પુરવઠાના વિશ્લેષણ દ્વારા સ્વયંમેવ ચાલતા અર્થતંત્રની કામગીરીને સમજાવવામાં આવી. આ સ્વયંસંચાલિત અર્થતંત્રમાં બધા આર્થિક કર્તાઓ પોતાના હિત માટે જ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં એકંદરે બધાનું હિત સધાય છે; એટલે કે લોકોની જરૂરિયાતો બજારના માધ્યમ દ્વારા સંતોષાય છે, એટલું જ નહિ, સીમાવર્તી પૃથક્કરણના આધાર પર એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે મુક્ત અને સ્પર્ધાત્મક રીતે ચાલતું અર્થતંત્ર કાર્યક્ષમ રીતે કામગીરી બજાવે છે.

સીમાવર્તી વિશ્લેષણની કેટલીક મોટી મર્યાદાઓ છે. ઉત્પાદનને લગતા નિર્ણયો ભવિષ્યને સ્પર્શતા હોય છે. અર્થતંત્રમાં જે મૂડીરોકાણો કરવામાં આવે છે તેમાંથી ભવિષ્યમાં અનેક વર્ષોપર્યંત આવક થાય છે. એ આવક કેટલી હશે તેની ગણતરી કરવા માટેનો કોઈ વસ્તુલક્ષી આધાર નથી હોતો. આનો અર્થ એવો થાય કે વ્યક્તિ ભાવિ અંગેની જે અપેક્ષાઓના આધાર પર મૂડીરોકાણ કરવા તૈયાર થાય છે તે અપેક્ષાઓની સમજૂતી સીમાવર્તી વિશ્લેષણના આધાર પર આપી શકાય તેમ નથી. અર્થતંત્રમાં થતાં મૂડીરોકાણો અને તેમાં થતી વધઘટના આધાર પર અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ (વિકાસ) અને અસ્થિરતા સર્જાતાં હોય છે. અર્થતંત્રની કામગીરી સાથે સંકળાયેલી આ બે મોટી ઘટનાઓની સમજૂતી આપવા માટે સીમાવર્તી વિશ્લેષણ ઉપયોગી બન્યું નથી.

મુક્ત અને સ્પર્ધાત્મક અર્થતંત્રમાં સાધનોની ફાળવણી કાર્યક્ષમ હોય છે એવા સીમાવર્તી વિશ્લેષણ પર આધારિત તારણની પણ કેટલીક મર્યાદાઓ દર્શાવવામાં આવી છે. એ મર્યાદાઓને ‘બજારની નિષ્ફળતા’ઓ તરીકે રજૂ કરવામાં આવે છે. તેનું કેવળ એક જ ઉદાહરણ અહીં પ્રસ્તુત છે : હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવતા કારખાનાને કારણે એ પ્રદૂષણનો ભોગ થઈ પડતા લોકોને તેની જે કિંમત ચૂકવવી પડે છે તેની ગણતરી કારખાનદાર તેના ઉત્પાદનખર્ચમાં કરતો નથી. તેને કારણે તેનું સીમાવર્તી ઉત્પાદનખર્ચ નીચું રહેતું હોવાથી તે વસ્તુનું વધારે પડતું ઉત્પાદન કરીને એ વસ્તુના ઉત્પાદન માટે વધુ પડતાં સાધનો રોકે છે. સાધનોની આ ફાળવણી કાર્યક્ષમ ન ગણાય. અર્થશાસ્ત્રની પરિભાષામાં એમ કહેવામાં આવે છે કે વસ્તુના ખાનગી સીમાવર્તી ખર્ચ કરતાં તેનું સામાજિક સીમાવર્તી ખર્ચ વધારે હોય એવા દાખલામાં જે તે વસ્તુના ઉત્પાદનમાં સામાજિક રીતે ઇષ્ટ હોય તેના કરતાં ઉત્પાદનનાં વધુ સાધનો ફાળવવામાં આવે છે. જે દાખલાઓમાં વસ્તુના ઉત્પાદનથી થતો ખાનગી લાભ તેના સામાજિક લાભ કરતાં ઓછો હોય છે, તેમાં જે તે વસ્તુના ઉત્પાદનમાં સામાજિક રીતે ઇષ્ટ હોય તેના કરતાં ઓછાં સાધનોની ફાળવણી થાય છે. અલબત્ત, બજારની નિષ્ફળતાના આ બે દાખલાઓમાં સાધનોની કાર્યક્ષમ કે ઇષ્ટ ફાળવણી માટે એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેમનો ઉપયોગ બજારના માધ્યમ દ્વારા થઈ શકે. સીમાવર્તી વિશ્લેષણની મર્યાદાઓ છતાં લોકોના વર્તનને સમજાવવામાં તેણે મૂલ્યવાન ફાળો આપ્યો છે.

રમેશ શાહ