સીમાબદ્ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : બંગાળી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક અને સંગીત : સત્યજિત રાય. કથા : શંકરની નવલકથા પર આધારિત. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય પાત્રો : શર્મિલા ટાગોર, બરુણ ચંદા, પરામિતા ચૌધરી, અજય બેનરજી, હરાધન બેનરજી, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય.
દેશનાં અર્થતંત્રમાં આવેલાં પરિવર્તનો વેળાએ સમૃદ્ધિ અને નૈતિકતા – એ બેમાંથી યુવાપેઢી માટે કયો માર્ગ પસંદ કરવો એ મોટી દ્વિધા બની રહી હતી ત્યારે યુવામનના અંતર્દ્વંદ્વને અસરકારક રીતે રજૂ કરવા માટે સત્યજિત રાયે આ ચલચિત્ર સર્જ્યું હતું. પોતાની શૈક્ષણિક લાયકાત અને વ્યવહારકુશળતાને જોરે શ્યામલેન્દુ ચેટરજી ઘણી નાની વયે પંખા બનાવતી એક બ્રિટિશ કંપનીમાં ઉચ્ચ પ્રબંધકના હોદ્દા સુધી પહોંચી જાય છે. તેની મહત્ત્વાકાંક્ષા આ કંપનીના નિયામક બનવાની હોય છે. તે પોતાની પત્ની દોલન સાથે કોલકાતાના એક આલીશાન ભવનમાં વૈભવી જિંદગી વિતાવતાં હંમેશાં આ જ સપનું જોયે રાખે છે. દોલનની બહેન સુદર્શના રજાઓ ગાળવા તેમની સાથે રહેવા આવે છે. ગામડામાંનો એક ક્રાંતિકારી યુવાન તેના તરફ આકર્ષાયો હોવાનું તે જાણે છે, પણ તેનું મન શ્યામલેન્દુને મળી છે તેવી સફળતા પર હોય છે. શ્યામલેન્દુ પ્રત્યે નાનપણથી જ તેના મનમાં છાનો અહોભાવ છે, જે હવે ઓર મજબૂત બની જાય છે. શ્યામલેન્દુ પણ સુદર્શનાના આગમનને પોતાના જીવનમાં એક તાજી હવાની લહેરખી હોવાનું અનુભવે છે. દરમિયાનમાં તેની કચેરીમાં એક ગંભીર સમસ્યા ખડી થાય છે અને કંપનીની શાખ ડૂબે તેવી સ્થિતિ સર્જાય છે, પણ શ્યામલેન્દુ જે મુત્સદ્દીગીરીથી એ સમસ્યાનો હલ લાવે છે અને કંપનીની શાખ બચાવે છે તેને કારણે કંપની તેને નિયામક બનાવી દે છે અને તેનું સપનું પૂરું થાય છે, પણ આ દરમિયાન સુદર્શનાને તેના ચહેરાનું જે બીજું પાસું જોવા મળ્યું અને તેની સફળતા પાછળનું રહસ્ય તે જાણી ગઈ તે પછી તેના પરથી તેનું માન ઊતરી જાય છે. શ્યામલેન્દુએ તેને આપેલી ઘડિયાળ તે ઉતારીને મૂકી દે છે. સફળ જીવન અને તેની સાથેની ઉપલબ્ધિઓના અસ્વીકારનું તે પ્રતીક છે. તે શ્યામલેન્દુથી દૂર જતી રહે છે. હવે તેને ગામડામાં રહેતો અને તેના તરફ આકર્ષણ અનુભવતો ક્રાંતિકારી વધુ સ્વીકૃત લાગે છે. આ ચિત્રને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
હરસુખ થાનકી