સીતારામૈયા, વી. (જ. 1899, બુડિગરે, બૅંગલોર; અ. 1983) : કન્નડ કવિ, વિવેચક, નાટ્યકાર અને નિબંધકાર. તેઓ સામાન્ય રીતે વી. સી. તરીકે ઓળખાતા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરાલુ-બરાલુ’ બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બૅંગલોરમાં અભ્યાસ બાદ મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1922માં અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી, અધ્યાપનકાર્ય કર્યું અને 1955માં સહ-પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા.
પછી તેમણે બૅંગલોર મથકે આકાશવાણીમાં નિર્માતા અને હોનાવર ખાતે આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. તેઓ સાહિત્ય અકાદમી અને ભારતીય જ્ઞાનપીઠ સહિત અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને નિષ્ઠાપૂર્વક વરેલા હતા.
1937માં તેમણે અર્થશાસ્ત્ર પર તેમનો પ્રથમ ગ્રંથ ‘હાન પ્રપંચ’ (ધ વર્લ્ડ ઑવ્ મની) પ્રગટ કર્યો, જે તે વિષયનો એક ઉત્તમ ગ્રંથ લેખાયો. તેમાંના લેખો જોતાં યુનિવર્સિટીએ તેમને ક્ન્નડ વિભાગમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું. તેઓ ‘નવોદય’ના લેખકોની બીજી પેઢીના લેખક હતા. તેઓ તેલુગુ અને સંસ્કૃતના પંડિત હતા.
તેમણે કન્નડ તથા અંગ્રેજીમાં 50 ગ્રંથો આપ્યા છે. 1928માં તેમણે ‘પંપા યાત્રે’ નામક પ્રવાસવર્ણન પ્રગટ કર્યું. કેટલાંક નાટકો તથા અર્થશાસ્ત્ર તથા ભારતીય બંધારણ વિશે કેટલાક ગ્રંથો પ્રગટ કર્યાં છે. રામાયણ અને મહાભારત તેમજ કન્નડ પ્રશિષ્ટ ગ્રંથોના વિવેચનાત્મક ખ્યાલો અને મૂલ્યોના અભ્યાસવિષયક ગ્રંથો પણ તેમણે આપ્યા છે. આ ઉપરાંત ‘ગીતાગલુ’ કાવ્યસંગ્રહ (1931); ‘મહાનિયારુ’ વ્યક્તિચિત્રો (1970) અને વિવેચનાત્મક કૃતિ ‘સાહિત્ય સંપ્રદાય મટ્ટુ હોસામાર્ગ’ (1967) પ્રગટ કર્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અરાલુ-બરાલુ’ (1972) તેમનો અદ્યતન કાવ્યસંગ્રહ છે. તેમાં વિષયવસ્તુની સમૃદ્ધ વિવિધતા અને સર્જનાત્મક અભિવ્યક્તિની પ્રૌઢતાને લીધે આ કૃતિનું તત્કાલીન કન્નડ સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન હોવાનું લેખાયું છે.
બળદેવભાઈ કનીજિયા