સિંહા, શત્રુઘ્ન (જ. 17 મે 1941, મુંબઈ, મહારાષ્ટ્ર) : ચલચિત્ર-અભિનેતા અને રાજકારણી. હિંદી ચલચિત્રોમાં ખલનાયકમાંથી નાયક તરીકે લોકપ્રિયતા મેળવીને પછી રાજકારણમાં ઝુકાવી ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે રાજ્યસભામાં સભ્યપદ મેળવી, ભાજપના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં કેન્દ્રીય પ્રધાનપદું મેળવનાર શત્રુઘ્ન સિંહાનો પરિવાર મૂળ બિહારનો છે, પણ વર્ષોથી તેઓ મુંબઈમાં જ રહે છે. ચાર ભાઈઓમાં સૌથી નાના શત્રુઘ્નને તેમના પિતા દાક્તર બનાવવા ઇચ્છતા હતા, પણ શત્રુઘ્નને અભિનય પ્રત્યે લગાવ થતાં કારકિર્દી તરીકે અભિનયનું ક્ષેત્ર જ તેમણે પસંદ કર્યું અને તેની પદ્ધતિસરની તાલીમ લેવા પુણે ખાતેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ ગયા.
શત્રુઘ્ન સિંહા
તાલીમ બાદ તેમણે સંઘર્ષ શરૂ કર્યો અને પ્રારંભ 1969માં ‘સાજન’ સહિતનાં ચલચિત્રોમાં નાની ભૂમિકાઓથી કરી જોતજોતાંમાં તેઓ ખલનાયક બની ગયા. ગુલઝારના ચિત્ર ‘મેરે અપને’માં તેમણે એક ગુંડાની નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સંવાદ અદાયગીની વિશિષ્ટ શૈલી અને ચેષ્ટાઓને કારણે આવાં નકારાત્મક પાત્રો ભજવવા છતાં તેમને લોકપ્રિયતા મળી. હિંદી ચિત્રોમાં એક વાર ખલનાયક બને તેમને સામાન્ય રીતે કાયમ એવી ભૂમિકાઓ જ મળતી હોય છે, પણ શત્રુઘ્ન સિંહા તેમાં અપવાદ રહ્યા અને હિંદી ચલચિત્રોમાં તેનો પ્રારંભ કર્યો સુભાષ ઘાઈના ચિત્ર ‘કાલીચરન’થી નાયકની ભૂમિકાઓ પણ તેમણે સફળતાપૂર્વક ભજવી.
1990ના દાયકામાં જ્યારે તેમણે પોતાની શક્તિઓનો કોઈ નવા ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનું વિચાર્યું ત્યારે તેઓ રાજકારણમાં આવ્યા અને ભારતીય જનતા પક્ષમાં જોડાયા. આ પક્ષના નેતૃત્વ હેઠળનો રાષ્ટ્રીય લોકશાહી મોરચો (NDA) જ્યારે કેન્દ્રમાં સત્તા પર આવ્યો ત્યારે શત્રુઘ્ન સિંહાને પહેલાં આરોગ્ય અને પછી વહાણવટાખાતાના પ્રધાન બનાવાયા. હિંદી ચિત્રોનો કોઈ અભિનેતા કેન્દ્રમાં પ્રધાન બન્યો હોય એવો આ પહેલો પ્રસંગ હતો. પ્રધાન બન્યા પછી પણ તેમણે ચિત્રોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર વ્યાવસાયિક ચિત્રોમાં જ નહિ, તક મળી ત્યારે ‘પતંગ’, ‘અંતર્જલિ યાત્રા’ અને ‘કસબા’ વગેરે કલાચિત્રોમાં પણ કામ કર્યું.
કેટલાંક ચિત્રોમાં તેમની સાથે નાયિકા તરીકે અભિનય કરનાર પૂનમ સાથે તેમણે લગ્ન કર્યાં. તેમનાં ત્રણ સંતાનોમાં બે પુત્રો લવ અને કુશ તથા પુત્રી સોનાક્ષી છે.
નોંધપાત્ર ચલચિત્રો : ‘ખિલૌના’ (1970); ‘મેરે અપને’ (1971); ‘બુનિયાદ’ (1972); ‘સમઝૌતા’, ‘બ્લૅકમેઇલ’ (1973); ‘દોસ્ત’ (1974); ‘કાલીચરન’, ‘સંગ્રામ’ (1976); ‘કોતવાલ સાહબ’ (1977); ‘વિશ્વનાથ’ (1978); ‘કાલા પત્થર’ (1979); ‘દોસ્તાના’, ‘શાન’ (1980); ‘ક્રાંતિ’, ‘નસીબ’, ‘નરમગરમ’ (1981); ‘ખુદગર્જ’, ‘અંતર્જલિ યાત્રા’ (1987); ‘ખૂન ભરી માંગ’ (1988); ‘પતંગ’ (1994).
હરસુખ થાનકી