સિંચાઈ-યોજનાઓ (Irrigation projects)
January, 2008
સિંચાઈ-યોજનાઓ (Irrigation projects)
ભૂપૃષ્ઠ જળ (surface water) માટે નદી પર આડો બંધ બાંધી, પાણીનો જથ્થો સંગ્રહી, નહેરો દ્વારા પાણીને ખેતરો તેમજ શહેરો કે ગ્રામવિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તેવી જ રીતે જરૂરિયાતવાળા સ્થળે ભૂગર્ભ-જળને ખેંચી પહોંચાડવાની વ્યવસ્થા.
ભારતમાં સિંચાઈનો ઇતિહાસ પુરાણો છે. ઈ. સ.ની બીજી સદીમાં દક્ષિણમાં કાવેરી નદી પર મોટો આડબંધ બાંધી સિંચાઈની સુવિધા કરવામાં આવેલી હતી તેમ જાણવા મળે છે. કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કુદરતી સ્રોતોનો વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની મદદથી કેટલો સક્ષમ ઉપયોગ કરે છે તેના પર અવલંબે છે. પાણી માનવજીવન માટે અગત્યનું છે; એટલે પૂરતા પ્રમાણમાં, ખાસ કરીને પીવા માટે, ખેત-ઉત્પાદન તેમજ ઔદ્યોગિક જરૂરિયાત માટે મળી રહે તે બહુ જરૂરી છે.
રાષ્ટ્રીય ખેતીવાડી કમિશન પ્રમાણે ભારતમાં 1901-1905 દરમિયાન અનાજની સરેરાશ વાર્ષિક માથાદીઠ ઉપલબ્ધિ 202 કિગ્રા. હતી, તે 1940-45માં 152.21 કિગ્રા. થઈ હતી. ભારતમાં 1956 દરમિયાન વાર્ષિક અન્ન-ઉત્પાદન 626 લાખ ટન જ હતું. અન્ન માટે બીજા દેશ પર આધાર રાખવો પડતો હતો. PL 480 નીચે અમેરિકાથી કેટલાંય વર્ષો સુધી અનાજ આયાત કરવું પડતું હતું જે એક રાષ્ટ્ર માટે શરમજનક બાબત ગણાઈ.
ઈ. સ. 1951માં 4.81 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. તેમાં આયાત થયેલ અનાજ ઉમેરતાં માથાદીઠ દૈનિક 394.9 ગ્રામ અનાજ ઉપલબ્ધ થતું હતું. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજ-ઉત્પાદનમાં વૃદ્ધિ ન થતાં અમેરિકાથી અનાજ આયાત કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તેમાં PL 480 નીચે અનાજ કેટલાંક વર્ષો સુધી આયાત કરવામાં આવ્યું હતું. મહત્તમ આયાત 1965માં આશરે 74 લાખ ટન અને 1966માં આશરે 1 કરોડ ટન અનાજની કરવામાં આવી હતી. તે વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે એવું મનાયું કે ભારતને તેની વધતી જતી અન્નની માગમાંથી બચાવી શકાય તેમ નથી. આ પરિપ્રેક્ષ્યમાં પહેલી પંચવર્ષીય યોજનાથી જ એવી નીતિ અપનાવાઈ કે ઉપલબ્ધ જળરાશિનો સક્ષમ ઉપયોગ કરી શકાય અને તે માટે મોટી સિંચાઈ-યોજનાઓના શ્રીગણેશ મંડાયા. ખેતીવાડી-ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા અપાઈ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાખરા-નાંગલ ડૅમને નૂતન ભારતનું તીર્થ કહ્યું. સારું બિયારણ, જરૂરી પાણી અને ખાતરની ઉપલબ્ધિ વધતાં 1967થી 1976ના ગાળામાં સરેરાશ અનાજ-ઉત્પાદન 2.17 %ના દરે અને 1977થી 1986ના ગાળામાં 2.5 %ના દરે વધ્યું. 20મી સદીનો સિત્તેરનો દશકો હરિયાળી ક્રાંતિ-(green revolution)નો કહેવાયો. 1984-85ની સાલમાં ભારતની વસ્તી 75 કરોડ થઈ ત્યારે 75 × 2 = 150 મિલિયન ટન અનાજની જરૂરિયાત સામે ભારતમાં 150 મિલિયન ટન અનાજ પાક્યું. આમ 1984-85માં ભારત અન્નક્ષેત્રે સ્વાવલંબી થયું. 2005ની સ્થિતિ પ્રમાણે અનાજ આયાત થતું નથી; પરંતુ અમુક પ્રમાણમાં તેની નિકાસ થાય છે. આ સંદર્ભમાં સિંચાઈ-યોજનાઓનું મહત્ત્વ અહીં ફલિત થાય છે.
ભારતમાં 24 નદીઓ મુખ્ય છે. તેનો સ્રાવક્ષેત્ર આશરે 33 કરોડ હેક્ટર છે. – બધી નદીઓનો સરેરાશ પાણીનો જથ્થો 1953 ઘન કિમી. અંદાજવામાં આવ્યો છે. આટલા પાણીના જથ્થા સામે વાપરવા મેળવી શકાય તેવો જથ્થો માત્ર 690 ઘન કિમી. અંદાજાયો છે. નદીના આ પાણીને ભૂપૃષ્ઠ-જળરાશિ (surface water) કહેવાય. આની સામે ભૂગર્ભ-જળરાશિ (underground water) 432 ઘન કિમી. અંદાજાયો છે. આમ ભારતમાં કુલ 690 + 432 = 1122 ઘન કિમી. જળરાશિ ઉપલબ્ધ બની શકે તેમ છે. આમાંથી આજ સુધીમાં આશરે 50 % ભૂપૃષ્ઠ અને 55 % ભૂગર્ભ-જળરાશિ ઉપયોગમાં લેવાય છે.
ઈ. સ. 1951માં ભારતમાં 2.09 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ હતી. પંચવર્ષીય યોજનાના આયોજનને પરિણામે 1970-71માં 3.01 કરોડ હેક્ટર, 1990-91માં 4.74 કરોડ હેક્ટર અને 2000-01માં આશરે 5.34 કરોડ હેક્ટર જમીનને સિંચાઈની સવલત ઉપલબ્ધ થઈ હતી. જેને પરિણામે ભારત અનાજની બાબતમાં ફક્ત સ્વાવલંબી નહિ; પરંતુ નિકાસ કરવા માટે સક્ષમ બન્યું હતું.
ગુજરાત રાજ્યમાં ભૂપૃષ્ઠ–જળરાશિ અને ભૂગર્ભ–જળરાશિ નીચે મુજબ અંદાજાયાં છે :
વિસ્તાર | ભૂપૃષ્ઠ-જથ્થો | ભૂગર્ભ-જથ્થો |
1. ગુજરાત-વિસ્તાર | 23.17 ઘન કિમી. | 7.32 ઘન કિમી. |
2. સૌરાષ્ટ્ર-વિસ્તાર | 3.61 ઘન કિમી. | 3.61 ઘન કિમી. |
3. કચ્છ-વિસ્તાર | 0.65 ઘન કિમી. | 0.25 ઘન કિમી. |
4. નર્મદા-યોજના | 11.10 ઘન કિમી. | – |
કુલ | 38.53 ઘન કિમી. | 11.18 ઘન કિમી. |
ગુજરાતમાં મોટી નદીઓ પ્રમાણે જોઈએ તો તાપી પર કાકરાપાર અને ઉકાઈ; મહી નદી પર વણાકબોરી અને કડાણા; સાબરમતી પર ધરોઈ અને વાસણા બૅરેજ; સરસ્વતી પર પાટણ બૅરેજ તથા મુક્તેશ્ર્વર બંધ; બનાસ પર દાંતીવાડા; શેત્રુંજી પર પાલિતાણા અને ખોડિયાર; ભાદર પર ભાદર; આજી પર આજી-1, આજી-2, આજી-3 અને આજી-4 બંધો; મચ્છુ પર મચ્છુ-1 અને મચ્છુ-2 બંધો; ખારી પર રુદ્રમાતા અને નર્મદા પર સરદાર સરોવર (નર્મદા) બંધ બંધાયા છે. આ ઉપરાંત અનેક નાની નદીઓ પર પણ ચેકડૅમ બંધાયા છે. અનેક વિવાદોથી ઘેરાયેલી સરદાર સરોવર (નર્મદા) યોજના ગુજરાતની જ નહિ; પરંતુ ભારતની પણ સૌથી મોટી સિંચાઈ-યોજના છે. કુલ સિંચાઈના અંદાજે 25 %, એકમાત્ર આ યોજના દ્વારા મળી રહેશે. વિશ્ર્વબૅંકે આ યોજનાને બિરદાવતાં કહ્યું હતું : આયોજન, ડિઝાઇન, બાંધકામ અને ‘ઑપરેશન’ની બાબતમાં આ યોજનાએ નવો ચીલો પાડ્યો છે.પાણીનું પ્રાપ્તિસ્થાન મુખ્યત્વે ભૂપૃષ્ઠ-જળ છે. ગુજરાતના મુખ્ય વિસ્તારમાં 17, સૌરાષ્ટ્રમાં 71 અને કચ્છ વિસ્તારમાં 97 નદીઓ છે. નોંધવા જેવી બાબત એ છે કે જે વિસ્તારમાં નદીઓની સંખ્યા વધુ છે ત્યાં ભૂપૃષ્ઠ-જળ ઓછું છે. ગુજરાતના મુખ્ય વિસ્તારમાં 89 %, સૌરાષ્ટ્રમાં 9 % અને કચ્છમાં 2 % જળસંપત્તિ વહેંચાયેલી છે. ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ – એમ બંને જળરાશિને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યની મહત્તમ સિંચાઈક્ષમતા (નર્મદા સિવાય) 46.96 લાખ હેક્ટર છે. તેમાંથી વર્ષ 2000 સુધીમાં આશરે 77 % જેટલી સિંચાઈશક્તિ સિદ્ધ થઈ હતી. નર્મદા-યોજનાને લીધે 17.92 લાખ હેક્ટર જેટલી વધુ જમીન સિંચાઈમાં આવરી લેવાશે.
1950થી 2001 સુધીમાં ગુજરાતમાં 184 બંધો બાંધવામાં આવ્યા, જેમની વિગતો નીચે પ્રમાણે છે :
વિસ્તાર | કુલ યોજનાઓ | પાણીનો સંગ્રહ આશરે ઘન કિમી.માં |
ગુજરાત | 43 | 12.34 |
સૌરાષ્ટ્ર | 121 | 2.33 |
કચ્છ | 20 | 0.27 |
કુલ | 184 | 14.94 |
આકૃતિ 1 : પાણીની અછત
ગુજરાતમાં દુષ્કાળ અને સંચાલન : ભારત સરકારના 1972ના સિંચાઈ-આયોગના અહેવાલમાં જણાવ્યા મુજબ, રાજ્યના તે વખતના જિલ્લાઓ પૈકી 11 જિલ્લાઓમાંના 62 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હતા. રાજ્યનો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તાર પાણીની અછત અને અનિયમિત વરસાદના પ્રદેશો છે. આ વિસ્તારમાં દરેક દાયકામાં બે કે ત્રણ વખત નાનામોટા દુષ્કાળો અનુભવાતા હોય છે. આથી ઊલટું, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અતિવૃષ્ટિ અનુભવતો વિસ્તાર છે, જ્યાં ઘણી વખત લીલો દુષ્કાળ અનુભવાયો છે. 1972-73 તથા 1985-86-87માં દુષ્કાળ પડેલ ત્યારે 80 % ઉપરાંત વિસ્તારને પાણીની મુશ્કેલી હતી. આવી સ્થિતિનું હજુ પણ નિર્માણ થતું રહે છે. તેના કાયમી નિવારણ માટે લાંબા ગાળાના આયોજન સાથે સુનિશ્ચિત પગલાં ભરવાં જરૂરી છે. અમુક પગલાં અને માર્ગદર્શક બાબતો નીચે પ્રમાણે સૂચવાયાં છે :
(1) પાણીનો મહત્તમ સંગ્રહ કરવો – સિંચાઈ-યોજનાઓ શક્ય તેટલી વધારવી.
(2) પૂરી થયેલી જળાશય-યોજનાઓમાં સિંચાઈ માટે વારાબંધી પદ્ધતિનો ઉપયોગ કરવો.
(3) પાણી બચાવવા માટે ટપકસિંચાઈના ઉપયોગ અંગે ખેડૂતોમાં મોટા પાયે જાગૃતિ કેળવવી.
(4) ઓછી જળસંગ્રહશક્તિવાળા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આવેલ જળાશયોમાં બાષ્પીભવન થકી થતો પાણીનો વ્યય અટકાવવા અસરકારક પગલાં ભરવાં.
(5) શક્ય તેટલી ખેતતલાવડીઓ તેમજ ચેકડૅમ અને બોરીબંધ બાંધવા. બિનસરકારી અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવો, જેથી ઓછા ખર્ચે વધુ ફાયદા મળે અને સમગ્રતયા જળની મહત્તા અંગે મોટા પાયે જનજાગૃતિ થાય.
(6) રાષ્ટ્રીય જળનીતિ દ્વારા સૂચિત એવી સિંચાઈ-યોજનાઓમાં પીવાના પાણીની જોગવાઈનું ધ્યાન આયોજન-તબક્કે જ રખાય તે જરૂરી છે.
(7) પાણીના આંતરબેઝિન જોડાણ માટે સાંકળ-નહેરો(link-canals)નું આયોજન બહુ જરૂરી બની રહ્યું છે. આ અંગે ઉચ્ચ સ્તરે નીતિવિષયક નિર્ણયો લેવાય અને આંતરરાજ્ય જળવહેંચણી અંગે સંબંધિત સૌ પક્ષો ઉદાર રાષ્ટ્રીય વલણ અપનાવે તે સમગ્ર રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે જરૂરી છે.
(8) મોટી, બહુલક્ષી, આંતરરાજ્ય સિંચાઈ-યોજનાઓમાં અનેક પ્રકારના અવરોધો ઊભા થાય છે અને યોજના પૂરી કરવામાં અક્ષમ્ય વિલંબ થાય છે. આને કારણે કરોડો રૂપિયાનું (પ્રત્યક્ષ અને પરોક્ષ) નુકસાન થાય છે; જેમાં છેવટે પ્રજાને સહન કરવાનું થાય છે. સરદાર સરોવર નર્મદા-યોજના આનું સ્પષ્ટ ઉદાહરણ છે. કોઈ પણ મોટી યોજનામાં પર્યાવરણને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન ન થાય તે બાબતની કાળજી લેવાય તે જરૂરી છે. આ અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ વિચારણા બાદ અમુક નિયમો અને માર્ગદર્શક સિદ્ધાંતો પણ નક્કી થયા છે. પર્યાવરણ-જાળવણી અને આર્થિક વિકાસની જરૂરિયાત એકરૂપ/સમરૂપ ન હોય અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે અંતિમ વલણને બદલે પ્રશ્નને સમગ્રતયા મૂલવી, સમાધાનકારી વલણ અપનાવાય (ખાસ કરીને પર્યાવરણ-જાળવણીમાં અને ડૂબથી અસરગ્રસ્ત થતાં કુટુંબોને યોગ્ય વળતર અંગે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં) તે ઇષ્ટ ગણાય. સંવેદનશીલતા એકપક્ષી/એકતરફી હોય ત્યારે તે ઘણી વાર અન્યાયકારી બની જાય છે.
પર્યાવરણના સંદર્ભમાં માત્ર બોલવું જ નહિ, પરંતુ સાંભળવું પણ જોઈએ તો જ પ્રશ્ન ઉકેલાય એમ એક પ્રતિષ્ઠિત આયોજનકારે કહ્યું છે. કોર્ટ-કેસ થતાં કોઈ મોટી બહુલક્ષી યોજનામાં 6 વર્ષનો વિલંબ થાય તેને જાગરૂકતા ગણવી કે કેમ તે વિચારવા જેવું છે. કોઈ યોજના 1946-47માં વિચારાઈ હોય તે અનેક અવરોધોને કારણે છેવટે 1978માં (એટલે કે 31 વર્ષ પછી) શરૂ કરવા માટે લીલી ઝંડી મેળવે. સન 2005 સુધીમાં પણ તે પૂરી ન થાય તે સંબંધકર્તા સહુ માટે માત્ર વિચારવાનો નહિ, પરંતુ ચિંતાનો પણ વિષય બની રહે છે. ખાસ કરીને જ્યારે જરૂરી પાણીની ઉપલબ્ધતા અને તે દ્વારા આર્થિક વિકાસની તાતી જરૂરિયાત હોય ત્યારે.
(9) ભારતમાં ખેતીલાયક જમીન માટે સરેરાશ હેક્ટરદીઠ સિંચાઈ જળરાશિનો જે લાભ મળે છે તે કરતાં ગુજરાતના ખેડૂતને 10 % જેટલો ઓછો મળે છે. એટલે કે સમગ્ર દેશની સરખામણીમાં ગુજરાતમાં પ્રમાણમાં ઓછી જમીન સિંચાઈ નીચે આવરી લેવાઈ છે. માટે ગુજરાતમાં હજુ વિશેષ પ્રમાણમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે.
ભારતની સિંચાઈક્ષમતા : ભારતમાં સિંચાઈ માટે ભૂપૃષ્ઠ તેમજ ભૂગર્ભ જળરાશિ નીચે પ્રમાણે ઉપલબ્ધ છે :
(1) મોટી તથા મધ્યમ સિંચાઈ દ્વારા 5.8 કરોડ હેક્ટર
(2) નાની સિંચાઈ યોજના દ્વારા 1.5 કરોડ હેક્ટર
(3) ભૂગર્ભ જળ દ્વારા (ટ્યૂબવેલ બનાવીને) 4.0 કરોડ હેક્ટર
11.3 કરોડ હેક્ટર
સમગ્ર ભારતમાં અમુક નદીઓ એવી છે કે જેનું પાણી તે જ નદીના સ્રાવક્ષેત્રમાં પૂરેપૂરું વાપરવા છતાં વધે છે અને તેનો વ્યય થાય છે. જ્યારે બીજી એવી નદીઓ પણ છે, જેમનું પાણી સ્રાવક્ષેત્રને સંતોષી શકે તેટલું પણ હોતું નથી. આ વિસંગતતાના નિવારણ માટે ભારત સરકારે આંતરજળાશયો(બેઝિનો)ના પાણીની તબદીલીનો મોટો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ માટે રાષ્ટ્રીય જળવિકાસ સંસ્થાન(National Water Development Agency)ની રચના કરી છે, જે આખા દેશની નદીઓના પાણીનો વિશ્ર્વાસપાત્ર અંદાજ મેળવશે. પછી રાજ્યો સાથે આંતરબેઝિનની જરૂરિયાત અંગે ચર્ચા કરશે. બધાં રાજ્યો સહમત થાય તો દેશની સિંચાઈ-ક્ષમતામાં આશરે 3.5 કરોડ હેક્ટરનો વધારો થશે અને દેશની કુલ સિંચાઈ-ક્ષમતા 11.3 + 3.5 = 14.8 કરોડ હેક્ટર થશે. વર્ષ 2003 સુધીમાં ઉત્પન્ન થયેલ સિંચાઈ-ક્ષમતા 8.08 કરોડ હેક્ટર હતી, જ્યારે ખેડવાલાયક જમીન 18.6 કરોડ હેક્ટર છે. એટલે કે આંતરબેઝિન યોજના અમલમાં આવે તોપણ 18.6 – 14.8 = 3.8 કરોડ હેક્ટર જમીન સિંચાઈના પાણી વિનાની રહેશે. આને માટે પણ ભારત સરકાર પડોશી દેશો – નેપાળ, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી વધારાનું પાણી મેળવવાના આયોજન અંગે વિચારી રહી છે. આ ઘણા લાંબા ગાળાની યોજના છે.
સિંચાઈ–યોજનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે : દુનિયાના 209 દેશોમાંથી 30 વિકસિત અને 50 વિકાસશીલ મળી 80 દેશોએ મોટા બંધોની ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને સલામતી વગેરેનાં પાસાં તપાસવા એક આંતરરાષ્ટ્રીય કમિશનની રચના કરી છે, જે ‘International Commission on Large Dams’ – ICOLD તરીકે ઓળખાય છે. પૅરિસમાં તેનું કેન્દ્ર છે. દર વર્ષે આ કમિશનની મિટિંગમાં 400થી 600 તજ્જ્ઞો ભાગ લે છે. આ કમિશનની મોટા બંધોની વ્યાખ્યા મુજબ મોટા બંધો એ કહેવાય જેમની ઊંચાઈ 15 મીટરથી વધુ હોય પરંતુ છલતી (spillway) 500 મીટર કે તેથી વધુ હોય.
આ વ્યાખ્યા પ્રમાણે આ 80 દેશોમાં કુલ 53,552 મોટા બંધો બંધાયા છે. મુખ્ય 16 દેશોમાં મોટા બંધોની સંખ્યા નીચે મુજબ છે :
ક્રમ | દેશ | મોટા બંધવાળી સિંચાઈ- યોજનાઓની સંખ્યા |
1 | 2 | 3 |
1. | ચીન | 18,820 |
2. | રશિયા | 12,000 |
3. | અમેરિકા | 8,297 |
4. | ભારત | 4,300 |
5. | જાપાન | 2,228 |
6. | સ્પેન | 737 |
7. | કોલંબિયા | 690 |
8. | બલ્ગેરિયા | 608 |
9. | બ્રાઝિલ | 516 |
10. | ફ્રાન્સ | 468 |
11. | ઑસ્ટ્રેલિયા | 409 |
12. | દક્ષિણ આફ્રિકા | 452 |
13. | ઇંગ્લૅન્ડ | 535 |
14. | ઇટાલી | 440 |
15. | મૅક્સિકો | 503 |
16. | અન્ય દેશોમાં | 2,549 |
કુલ | 53,552 |
દુનિયામાં મોટા બંધો મોટી સંખ્યામાં બંધાયા છે અને વર્ષોથી આ બંધોના લાભ મળી રહ્યા છે.
મોટા બંધો તેમજ આંતરરાજ્ય બંધો અંગે સંલગ્ન પ્રશ્નો : જળાશયો માટેનાં યોગ્ય સ્થળોને અભાવે સમગ્ર દેશમાં હાલમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ભૂપૃષ્ઠ જળસ્રોતનો જથ્થો માત્ર 3149 કરોડ ઘન મી. છે, જે દેશની કુલ ભૂપૃષ્ઠ જળરાશિના ફક્ત 4.55 % જ છે.
ભારતના નકશાને જોઈએ તો તેના પશ્ચિમ છેડે આવેલ કચ્છ-વિસ્તારમાં સરેરાશ માત્ર 10 સેમી. વરસાદ પડે છે, જ્યારે પૂર્વના છેડે આવેલ આસામમાં ચેરાપુંજીમાં સરેરાશ 1000 સેમી. વરસાદ પડે છે. વરસાદનો તફાવત બહુ મોટો છે; એટલું જ નહિ, પરંતુ તેની નિયમિતતા અને તીવ્રતામાં પણ મોટા ફેરફાર થતા રહે છે. આવી બધી અનિયમિતતાને ધ્યાનમાં લઈ દેશની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ વૉટર કમિશન-દિલ્હીએ વિવિધ સાધનો અને ગણતરીથી વાપરવા લાયક (વાપરવા મળી શકે તેવા) પાણીના જથ્થાની ગણતરી કરી છે અને તે મુજબ પાણીના વપરાશની વહેંચણી નક્કી કરી છે. વળી રાષ્ટ્રીય જળનીતિ (National Water Policy) નક્કી કરી, તે માટે નીતિનિયમો ઘડ્યા છે. 1987માં આ નીતિ મંજૂર થઈ. ભારતના બંધારણના આધારે દરેક રાજ્યમાં આવેલી જમીન તેમજ વરસાદથી પડતા પાણીનો જથ્થો જે તે રાજ્યની સંપત્તિ ગણાય. આને લીધે આંતરરાજ્ય નદીઓનાં પાણીની વહેંચણી મુશ્કેલ બની. નર્મદા નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થાય છે. આ સંબંધ-કર્તા રાજ્યો વચ્ચે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા, જેના નિરાકરણમાં અનેક વર્ષો વીતી ગયાં. દક્ષિણ ભારતમાં કૃષ્ણા-ગોદાવરી અને કાવેરી પરનાં જળાશયોની પાણીની વહેંચણીમાં પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.
ભારતની સૌથી પહેલી બહુલક્ષી આંતરરાજ્ય (ઓરિસા અને પશ્ચિમ બંગાળ) હિરાકુડ ડૅમની સિંચાઈ-યોજનામાં પણ પ્રશ્નો ઊભા થયેલા. આંતરરાજ્ય સિંચાઈ-યોજનામાં તજ્જ્ઞોની કમિટીઓએ તેમજ ટ્રિબ્યૂનલોએ ઊભા થયેલા કે ઊભા થતા પ્રશ્નોના નિરાકરણમાં ખૂબ સમય લીધો છે; તેમ છતાં એક યા બીજા સ્વરૂપે અસંતોષ તો ચાલુ જ હોય છે. સપ્ટેમ્બર, 1987ની રાષ્ટ્રીય જળનીતિના પ્રત્યક્ષ અમલીકરણમાં અસરકારકતા વધારવા જલ એ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય અને તે હેતુ માટે બંધારણમાં જરૂરી સુધારા કરવા અને કાયદા ઘડવા એવાં સૂચનો પણ અનેક જગ્યાએથી થયાં છે.
મોટા બંધો : મોટા બંધો વિરુદ્ધનો સૂર વધતો જાય છે. મોટા બંધ વિરુદ્ધ થયેલ આંદોલનોમાં ઉત્તર ભારતમાં ભાગીરથી નદી પરના તેહરી બંધ વિરુદ્ધનું આંદોલન અને ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમ વિરુદ્ધનું આંદોલન જાણીતું છે. બંને કિસ્સામાં મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં છેવટે અમુક જોગવાઈઓ કરીને બંધ બાંધવાની પરવાનગી મળી. બંને કિસ્સાઓમાં યોજનામાં વિલંબ થયો અને મોટું આર્થિક નુકસાન થયું.
આકૃતિ 2 : પુનર્વસવાટ
મોટા બંધ વિરુદ્ધ જે મુદ્દાઓ આગળ ધરાય છે તે નીચે મુજબ છે :
(1) મોટા બંધને લીધે ઘણી જમીન ડૂબમાં જાય છે, અનેક લોકોને સ્થળાંતર કરવું પડે છે. આને લીધે આર્થિક તેમજ સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. કુટુંબોને ઘણું સહન કરવું પડે છે.
(2) મોટા પ્રમાણમાં જમીન ડૂબમાં જતી હોઈ પર્યાવરણને મોટું નુકસાન થાય છે, જે પૂરવું અશક્ય છે.
(3) મોટા બંધો ખૂબ ખર્ચાળ બને છે. મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે છે અને ખરેખર આર્થિક વળતર પ્રમાણમાં બહુ જ ઓછું મળે છે. મોટા બંધોને બદલે નાના નાના બંધો, ચેક-ડૅમો, બોરી-બંધો બાંધવા જોઈએ; જેમાં ખર્ચ ઓછું થાય.
(4) મોટા બંધને લીધે ભૂકંપની શક્યતા વધે છે.
(5) મોટો બંધ કે તેની મોટી નહેર તૂટે તો પારાવાર નુકસાન થાય.
મહત્ત્વની વાત એ છે કે સિંચાઈ માટેની જમીન પાણીના સ્રોતથી ઘણી દૂર હોય ત્યારે મોટા ડૅમનો કોઈ વિકલ્પ નથી. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશો જ્યાં ભૂગર્ભ જળ પણ મર્યાદામાં જ છે, તેમને પીવા કે ખેતી માટે પાણી પહોંચાડવું જરૂરી લાગતું હોય તો નર્મદા ડૅમ જેવી મોટી યોજનાનો વિકલ્પ નથી. હકીકતમાં, ઉપલબ્ધ થતા ભૂપૃષ્ઠ-જળનો સિંચાઈ માટે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો મોટા, મધ્યમ, તેમજ નાના બંધો (ચેક-ડૅમો સહિત) યોગ્ય પ્રમાણમાં બાંધવાના થાય. નર્મદા ટ્રિબ્યૂનલે આવું જ સૂચવ્યું છે. કોઈ પણ એક પ્રકાર માટેનો આગ્રહ નુકસાનકારક બને છે.
ડૂબમાં જતી જમીનને લીધે સ્થળાંતરિત થતાં કુટુંબોનો પ્રશ્ન આર્થિક, સામાજિક અને માનવીય પણ હોય છે. પરોક્ષ રીતે તે રાજકીય સ્વરૂપ પણ પકડી શકે છે, માટે જ તે જટિલ બની રહે છે. આ પ્રકારના પ્રશ્નમાં સંવેદનશીલતા મોટો ભાગ ભજવે છે. તેથી એક યા બીજા કારણે અમુક સંસ્થાઓ માટે, કાર્ય કરવા માટે આવી સ્થિતિ મોટું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. તેઓ સક્રિય બને છે અને ઘણીવાર પ્રશ્ન વધુ ગૂંચવાય છે. પુનર્વસવાટ અને પુન:સ્થાપન માટેનાં ધોરણો જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં છે. સંબંધિત સર્વ પક્ષો વચ્ચે સમજણ તેમજ સર્વ રીતે વાજબીપણાનો સ્વીકાર થાય તેમાં આ જટિલ (બનાવાતા) પ્રશ્નનો ઉકેલ છે. નર્મદા-યોજનામાં ટ્રિબ્યૂનલનો ચુકાદો 1979માં આવી જવા છતાં પર્યાવરણ-મંત્રાલયની મંજૂરી છેક 1987માં મળી તેનું કારણ પર્યાવરણ અને પુનર્વસવાટ અંગે ઊભા થયેલા પ્રશ્નો હતા.
આકૃતિ 3 : વધુ ખેત-ઉત્પાદન
કોઈ પણ મોટી યોજનામાં ત્રણ ‘E’ ધ્યાનમાં લેવાવા જોઈએ : ‘Ecology’, ‘Economics’ અને ‘Ethics’. એટલે કે કોઈ પણ યોજના વિકાસલક્ષી હોય તોપણ તેમાં પર્યાવરણ-વનસ્પતિ અને પ્રાણીજીવનમાં સંતુલન (ecology) જળવાવું જોઈએ, ખર્ચના પ્રમાણમાં પ્રત્યક્ષ (tangible) કે પરોક્ષ (intangible) વળતર મળવું જોઈએ (economics) અને તે યોજના કોઈ પણ રીતે કોઈને પણ હાનિરૂપ ન થવી જોઈએ (ethics). સંપૂર્ણ રીતે આ શક્ય ન હોય તોપણ આ ત્રણ મુદ્દાઓ લક્ષમાં રાખવા જોઈએ એવું સ્વીકારાયું છે. કોઈ પણ યોજના માત્ર વિકાસલક્ષી હોય તે પૂરતું નથી; પરંતુ તે ટકાઉ (sustainable) એટલે કે બધાં પરિપ્રેક્ષ્યોમાં લાંબા સમય સુધી કોઈ વિપરીત અસર વગર જળવાય તેવી હોવી જોઈએ. મોટી યોજનાના આયોજનમાં બીજી મહત્ત્વની બાબતો સાથે પર્યાવરણ-રક્ષણને પણ આવરી લેવામાં આવે જ છે. તે સંતોષકારક હોય તો જ યોજનાને મંજૂરી મળે છે.
બહુ મોટા જળાશયમાં પર્યાવરણની દૃષ્ટિએ વિપરીત અસર થાય છે : (i) ડૂબને લીધે ઝાડપાન-જંગલ નાશ પામે છે. (ii) પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે. (iii) નાના જળાશય કરતાં મોટા જળાશયમાં પાણીના જથ્થાના પ્રમાણમાં માછલીઓનું ઉત્પાદન ઘટે છે. માછલીઓની જાત(variety)માં પણ ઘટાડો થાય છે. (iv) પાણીની ગુણવત્તામાં ઘટાડો થાય છે – ખાસ કરીને ભૂગર્ભજળમાં. (v) નાનાં પ્રાણીઓ અને પશુ-પંખીઓનો ક્ષય વધે છે; જંગલી પ્રાણીઓમાં પણ ઘટાડો થાય છે. (vi) હેઠવાસમાં પાણીનાં તળ નીચાં જાય છે. (vii) સ્રાવક્ષેત્રમાં ‘વૉટર-લોગિંગ’ અને ‘સેલિનિટી’ના પ્રશ્નો ઊભા થાય છે. અલબત્ત, આ વિપરીત અસરો સાથે અમુક હકારાત્મક અસરો પણ છે; જેવી કે —
(i) પાણી ઇચ્છતાં પંખીઓ માટે સારું રહેઠાણ બની શકે છે. (ii) સૂક્ષ્મ આબોહવામાં સુધારો થાય છે; પ્રાણવાયુની માત્રામાં વધારો થાય છે. (iii) પર્યટન અને મનોરંજન-સ્થળ તરીકે વિકસાવી શકાય છે. મૈસૂરનો વૃંદાવન ગાર્ડન – એ સારું ઉદાહરણ છે. (iv) પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ માટે અભયારણ્ય તરીકે તે વિકસાવી શકાય છે.
મોટી સિંચાઈ-યોજનામાં ભૂકંપની બાબત પણ ગણતરીમાં લેવામાં આવે છે. સંબંધિત ડૅમ અને જળાશયના સ્થળનો ઊંડાણમાં ભૂસ્તરીય તેમજ ભૂકંપલક્ષી (seismic) અભ્યાસ કરાય છે અને ત્યારબાદ જ યોજના મંજૂર થાય છે. સાથોસાથ એ પણ હકીકત છે કે મહારાષ્ટ્રમાં કોયના ડૅમને લીધે લાતુર ગામ પર ભૂકંપની અસર થઈ હતી એમ માનવામાં આવેલું; પરંતુ ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવાથી માલૂમ પડ્યું કે એ ધરતીકંપ ‘underground techtonic movement’થી થયો હતો અને નહિ કે કોયના બંધથી. અમુક પ્રકારની મોટી યોજનામાં તેની ટૅક્નૉલૉજી-સંલગ્ન થોડું ઘણું જોખમ રહે; જેમ કે ઍટમિક પાવર સ્ટેશનમાં રેડિયેશનનું જોખમ હોય, પરંતુ તેની વિપરીત અસરને પહોંચી વળવાની સજ્જતા પણ હોય જ. ભૂકંપની અસરને બંધ તેમજ જળાશય કોઈ પણ વિપરીત અસર વગર સહી શકે તે પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે.
મોટી સિંચાઈ-યોજનામાં બહુ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે છે; દા.ત., સરદાર સરોવરનું વર્ષ 2003 સુધીનું કુલ ખર્ચ આશરે 18,000 કરોડ રૂપિયા થવા જાય છે અને હજુ બાકીની નહેરો તેમજ બંધની ઊંચાઈ વધારવા માટે વધારાનું ખર્ચ થશે. જે યોજનામાં મોટું રોકાણ કરવાનું થાય તેમાં વળતર શું મળશે તેની ગણતરી કરવી જરૂરી છે. આવી ખર્ચ અને વળતરની ગણતરી આયોજનના તબક્કે જ પૂરી કરવામાં આવે છે અને વળતર સંતોષકારક જણાય તો જ યોજના આર્થિક રીતે સક્ષમ (viable) (સ્વતંત્ર રીતે ટકી કે જીવી શકે તેવી) ગણાય છે. યોજનાની આર્થિક સમીક્ષાનો માપદંડ યોજનાથી થતો વાર્ષિક ફાયદો (જેમાં ખેતીવાડીની ઊપજમાં વધારો, જળવિદ્યુત-શક્તિની ઊપજ તથા પીવાના પાણીની ઉપલબ્ધતાનું મૂલ્ય મુખ્ય છે.) અને યોજનાના વાર્ષિક ખર્ચ(જેમાં મૂડીરોકાણનું વ્યાજ, ઘસારો તેમજ ચાલુ – recurring – ખર્ચ મુખ્ય છે.)ના ગુણોત્તર(Benifit Cost Ratio – BC)થી નક્કી થાય છે. પ્રથમ દૃષ્ટિએ આ ગુણોત્તર 1થી વધુ હોય તે આવશ્યક ગણાય. પીવાના પાણીની સુવિધા ઊભી કરવી કે ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડવું તેમાં માત્ર આર્થિક માપદંડ ઉપરાંત જાહેર સેવાની બાબત પણ લક્ષમાં લેવાય છે. અમુક સિંચાઈ-યોજનામાં પૂરનિયંત્રણ પણ મહત્ત્વની બાબત હોય છે. આવા હેતુઓનું આર્થિક મૂલ્યાંકન અઘરું છે. હવે પર્યાવરણની બાબત બહુ મહત્ત્વની હોઈ પર્યાવરણ-ખર્ચની ગણતરી પણ પહેલેથી જ કરવામાં આવે છે. ખર્ચ અને આવકની બાબતમાં ઘણી અનિશ્ચિતતા રહેતી હોય છે. તેમાં યોજનામાં થતા વિલંબને કારણે ખર્ચમાં થતો વધારો મુખ્ય છે. યોજનામાં વિલંબ થવાનું સાહજિક થાય ત્યારે આ અંગેની ગણતરી પણ પહેલેથી જ ધ્યાનમાં લેવાની રહે છે.
જેકીશન ફકીરભાઈ મિસ્ત્રી
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ