સિંઘ, પ્રેમ (જ. 1943, પતિયાલા, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી ચંદીગઢની ગવર્નમૅન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. ત્યારબાદ પતિયાલાની પંજાબ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, વડોદરા, ચંદીગઢ અને કોલકાતામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. તેમનાં ચિત્રોમાં માનવીની અવનવી અંગભંગી દ્વારા માનવીના મનમાં ચાલતાં મંથનોને વાચા આપવા તેમણે પ્રયત્નો કર્યા છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું સન્માન કર્યું છે.
અમિતાભ મડિયા