સિંક્યાંગ (Sinkiang)

January, 2008

સિંક્યાંગ (Sinkiang) : ચીનના સૌથી મોટા ગણાતા ચાર સ્વાયત્ત પ્રદેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 35°થી 50´ ઉ. અ. અને 75°થી 95´ પૂ. રે. વચ્ચેનો આશરે 16,46,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, જે ચીનના કુલ ક્ષેત્રફળનો  ભાગ ધરાવે છે. તેના ઈશાનમાં મૉંગોલિયા, પૂર્વમાં ગાન્શુ અને કિંઘહાઈ (Qinghai) પ્રાંતો, દક્ષિણે જમ્મુ-કાશ્મીર અને તિબેટ, પશ્ચિમે જમ્મુ-કાશ્મીર, અફઘાનિસ્તાન અને રશિયા તથા વાયવ્યમાં રશિયાની સીમાઓ આવેલાં છે.

સિંક્યાંગ

ભૂપૃષ્ઠ : સિંક્યાંગનો સમગ્ર પ્રદેશ આશરે 6000 મીટર ઊંચી ગિરિમાળાઓથી ઘેરાયેલો છે. આ પ્રદેશની ઉત્તરે અલ્તાઈ અને તરબાગટે (Tarbagatay), દક્ષિણે કારાકોરમ, પામીર, કુનલુન તથા પશ્ચિમે તિએનશાન હારમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓ મેદાનોને કારણે એકબીજીથી જુદી પડે છે. સમુદ્રસપાટીથી 760 મીટર જેટલી ઊંચાઈ ધરાવતાં તરિમ(Tarim)નાં મેદાનો સિંક્યાંગના કુલ વિસ્તારનો અડધો ભાગ રોકે છે. તે પૂર્વે ગાન્શુ અને કિંઘહાઈથી શરૂ કરીને પશ્ચિમે અફઘાનિસ્તાનની સીમા સુધી પથરાયેલાં છે. તિએનશાન અને કુનલુન હારમાળાઓ વચ્ચે આવેલાં આ મેદાનોની લંબાઈ આશરે 500 કિમી. અને પહોળાઈ 1500 કિમી. જેટલી છે. તરિમનાં મેદાનોની મધ્યમાં તકલામકન રણની રેતીના થર પથરાયેલા છે. હારમાળાઓની તળેટીઓ ફળદ્રૂપ જમીનો ધરાવે છે. અહીં હિમગલનથી અનેક ઝરણાં ઉદભવે છે. અહીંની નદીઓ તરિમનો જળપરિવાહ રચે છે. અહીંની મહત્વની નદીઓમાં કારાકોરમમાંથી નીકળતી યારકંદ (Yarkant), તિએનશાનમાંથી નીકળતી અક્સુ હે કુલ 1600 કિમી. જેટલું અંતર કાપીને પૂર્વે આવેલા લોપનૂર(Lop nur)ની ક્ષારીય ભૂમિને મળે છે, તેમાંથી ખારા પાણીનાં સરોવરોની રચના થાય છે; પાણીનો વધુ જથ્થો મળે ત્યારે તેનું વિશાળ સરોવર પણ બની રહે છે.

તિએનશાનની ઉત્તરે નાનું ઝુંગારિયન (Dzungarian) થાળું આવેલું છે. તેની સીમા ઈશાનમાં મોંગોલિયા સુધી અને વાયવ્યમાં રશિયા સુધી વિસ્તરેલી છે. તિએનશાનના ઉત્તર તરફના ઢોળાવોમાં અનેક ઝરણાંઓનાં મૂળ રહેલાં છે. બીજો એક સ્રોત યિલી (Yili) નદી દ્વારા મળે છે. તે બાલ્ખશ સરોવરને મળે છે. મેદાન સમકક્ષ આ ઝુંગારિયન થાળું તરિમના મેદાન જેવું જ છે. આ બંને મેદાનો આંતરિક જળપ્રણાલી ધરાવે છે. માગોલિયન અલ્તાઈમાંથી નીકળતી બ્લૅક ઇરતિશ નદી ઉત્તર સિંક્યાંગને ઓળંગીને ઓબ નદીને મળે છે, ઓબ આર્ક્ટિક મહાસાગરમાં ઠલવાય છે.

આબોહવા : સિંક્યાંગના મેદાની પ્રદેશોમાં ખંડીય પ્રકારની આબોહવા અનુભવાય છે. શિયાળા અતિ ઠંડા અને ઉનાળા અતિ ગરમ રહે છે. પહાડોની આજુબાજુનું વાતાવરણ ભેજવાળું રહે છે. તરિમ અને ઝુંગારિયન મેદાનોમાં અનુક્રમે 100 મિમી. અને 250 મિમી. વરસાદ પડે છે. પૂર્વ અને પશ્ચિમની હારમાળા બંને મેદાનોને જુદાં પાડે છે. તુરફાનનો નિમ્નભાગ લોપનૂરથી ઉત્તરે 320 કિમી.ને અંતરે આવેલો છે, જે સમુદ્રસપાટીથી 150 મીટર નીચો છે. આ ભૂમિવિસ્તારમાં ઉનાળાનું તાપમાન 54° સે. જેટલું ઊંચું જાય છે.

અર્થતંત્ર : આ વિસ્તારના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલનની છે. ખેતી મુખ્યત્વે સિંચાઈની સગવડ, રણદ્વીપ અને કાયમી જળસ્રોત ધરાવતાં ઝરણાંઓ પાસે થતી જોવા મળે છે. 1949થી ચીનમાં ખેતીવાળા વિસ્તારનું પ્રમાણ વધતું ગયું છે. અહીંની આશરે 85 % ખેતીયોગ્ય ભૂમિમાં ખાદ્ય પાકો – ઘઉં, ડાંગર અને મકાઈનું વાવેતર થાય છે. તરિમના મેદાનના રણદ્વીપોમાં કપાસ અને ફળોની ખેતી થાય છે, જ્યારે રેશમ માટે શેતૂરનાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. તુરફાનનો નીચાણવાળો પ્રદેશ બીજવિહીન દ્રાક્ષ માટે જાણીતો છે. તુરફાનની પૂર્વે આવેલ હામી ખીણમાં તરબૂચની ખેતી થાય છે. ઝંગારિયન મેદાનો ચરાણવિસ્તાર તરીકે ઓળખાય છે. ઘેટાંઉછેર અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. આ ઉપરાંત અહીં ગાય, ઊંટ અને ઘોડાનો ઉછેર પણ થાય છે. પરિણામે ઊન, ચામડાં અને દૂધ જેવી આડપેદાશો મળે છે, જેની નિકાસ કરવામાં આવે છે.

સિંક્યાંગમાં આવેલું પૅગોડા

આ પ્રદેશ ખનિજસંપત્તિ તથા ખનિજતેલમાં ખૂબ જ સમૃદ્ધ છે. ખનિજતેલની પાઇપલાઇન ઝુંગારિયાથી દુશાનઝી સુધી નાખવામાં આવી છે. અલ્તાઈ અને કુનલુન હારમાળાઓમાંથી સોનું તથા હો તાનના રણદ્વીપમાંથી કીમતી પથ્થરો મેળવવામાં આવે છે. ઉરુમકી પાસેથી કોલસો તથા લોહ-અયસ્ક મળે છે. ઉરુમકી ખાતે લોખંડ-પોલાદ, સિમેન્ટ, રાસાયણિક ખાતર, કાપડ અને ખાદ્યપદાર્થો બનાવવાના એકમો આવેલા છે.

પરિવહન : આ પ્રદેશ માટે ગાન્શુની સરહદથી ઉસુ સુધી રેલમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધી ધોરી માર્ગો બનાવ્યા છે. તરિમ થાળું, લોપનૂર, લ્હાસા સુધી પાકા રસ્તાઓ બાંધ્યા છે. કાશ્મીરની સરહદેથી પસાર થતા કારાકોરમ ધોરી માર્ગનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. તે હો તાન રણદ્વીપ અને પાકિસ્તાન હસ્તક કાશ્મીરના ગિલગીટને સાંકળે છે. તરિમ થાળાથી દૂર પશ્ચિમે રશિયાના પ્રવેશદ્વાર કાશગરને સાંકળતો એક માર્ગ આવેલો છે.

આ પ્રદેશની વસ્તી 1,71,80,000 (1997) જેટલી છે.

ઇતિહાસ : ઈ. પૂ. 206થી ઈ. સ. 220ના આશરે 426 વર્ષના ગાળા દરમિયાન આ પ્રદેશ હાન વંશના વંશજોએ હસ્તક રહેલો. ત્યારબાદ ચંગીઝખાને અહીં તેનું શાસન સ્થાપેલું. રશિયાની સીમા પાસે આ પ્રદેશ આવેલો હોવાથી તેનું મહત્વ વધ્યું છે. 1955થી સિંક્યાંગ સ્વાયત્ત પ્રદેશ રહ્યો છે.

નીતિન કોઠારી