શતપથી, પ્રતિભા (શ્રીમતી) (જ. 18 જાન્યુઆરી 1945, કટક, ઓરિસા) : ઊડિયા કવયિત્રી અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તન્મય ધૂલિ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઊડિયા ભાષા અને સાહિત્યમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓએ ઓરિસાની વિવિધ યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું. પછી રામદેવી મહિલા મહાવિદ્યાલયમાં ઊડિયા વિભાગમાં પ્રાધ્યાપિકા અને અધ્યક્ષા રહ્યાં. તેઓ ઓરિસા સાહિત્ય અકાદમી અને એનબીટી વગેરે સંસ્થાઓમાં સભ્ય તથા 1975 સુધી ‘ઇશ્તહાર’નાં સંપાદિકાપદે રહ્યાં.
તેમણે 15 વર્ષની વયથી લેખનકાર્ય શરૂ કરેલું. તેમણે અત્યાર સુધીમાં (2008) કુલ 22 ગ્રંથો આપ્યા છે. તેમાં 10 કાવ્યસંગ્રહો, 5 નિબંધસંગ્રહો, 7 અનૂદિત કૃતિઓ આપ્યાં છે. તેમના બે કાવ્યસંગ્રહો હિંદીમાં અનૂદિત થયા છે. ‘નિત્ય વસુધા’ (1980), ‘નિમિષે અક્ષર’ (1985), ‘મહામેઘ’ (1988), ‘શબરી’ (1991) અને ‘તન્મય ધૂલિ’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘કલ્પનાર અભિષેક’ (1982), ‘સ્પન્દનાર ભૂમિ’ (1994) વિવેચનગ્રંથો છે. ‘પ્રતિફલન’ (1994) નિબંધસંગ્રહ છે. ‘કૃતદાસ’ (1984), ‘અપાપાબિધ્ચ’, ‘નગર મંથન’ (1987) અનૂદિત નવલકથાઓ છે.
તેમને વિસુવ પુરસ્કાર (1981), રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1986), ‘સરલા ઍવૉર્ડ’ (1992), શાશ્વતી રાષ્ટ્રીય પુરસ્કાર અને ક્રિટિક સર્કલ ઇન્ડિયા ઍવૉર્ડ (1996) એનાયત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તન્મય ધૂલિ’ 36 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં એક સુસ્પષ્ટ કાવ્યાત્મક દૃષ્ટિ અને ‘સ્વ’ની શોધ જોવા મળે છે. અસરકારક પ્રતિબિંબની યોજના દ્વારા વૈયક્તિક નિરર્થકતા અભિવ્યક્ત કરતી આ કૃતિ તેની આધ્યાત્મિક વિષયવસ્તુ અને ઉત્કટ ભાષાને કારણે ઊડિયામાં લખાયેલ ભારતીય કવિતામાં ઉલ્લેખનીય લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા