શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion)

January, 2006

શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion) (. 1932, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક.

રોદિયોં શ્ચેદ્રિન

શાલેય અભ્યાસ બાદ મૉસ્કો ખાતેની સંગીતશાળા મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં શ્ચેદ્રિને સંગીતનો અભ્યાસ કર્યો. અહીં યુરી શાપોરિન તેમના સંગીત-નિયોજનના તથા પિયાનિસ્ટ યાકૉવ ફલાચર તેમના પિયાનોવાદનના પ્રાધ્યાપક હતા. શિક્ષણના છેલ્લા વરસમાં શ્ચેદ્રિને લખેલી કૃતિ ફર્સ્ટ કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રાથી શ્ચેદ્રિનને તરત જ નામના મળી. ત્યારબાદ તેમણે લેવ તૉલ્સ્તૉયની સુવિખ્યાત નવલકથા ‘આના કેરેનિના’ ઉપરથી તે જ શીર્ષક હેઠળ બૅલે લખ્યો, તથા તેની સફળતાથી ઉશ્કેરાઈને બીજો બૅલે ‘ધ હમ્પ્ડ બૅક્ડ હોર્સ’ લખ્યો.

આધુનિક રશિયન સંગીત-નિયોજક દ્મિત્રિયેવિચ શોસ્ટાર્કાવિચ, જર્મન બરોક સંગીત-નિયોજક જે. એસ. બાખ (bach) અને રશિયન લોક-સંગીત – એ ત્રણ સ્રોત શ્ચેદ્રિનના મૌલિક સંગીતનાં પ્રેરક પરિબળો છે. શ્ચેદ્રિનની કૃતિઓમાંથી નીચેની કૃતિઓ શ્રેષ્ઠ ગણાય છે : (1) પહેલી સિમ્ફની (1952); (2) કન્ચર્ટો ફૉર ઑર્કેસ્ટ્રા ‘ઓઝોર્નિયે ચાસ્તુશ્કી’ (1963); (3) ઑપેરા ‘નૉટ લવ અલોન’ (1961); (4) 25 પૉલિફૉનિક ટુકડા : ‘પૉલિફૉનિક નોટબુક’; (5) બૅલે ‘કાર્મેન’; (6) એ. વૉગનેસેન્સ્કીનાં કાવ્યો પર આધારિત ઑરેટોરિયો ‘પોએટોરિયા’ (1967). પ્રીમિયર શોમાં તેમના મુખ્ય પાત્ર તરીકે પ્રસિદ્ધ ગાયિકા લ્યુદ્મિલા ઝિકિનાએ ગાયેલું; (7) બૅલે ‘આના કેરેનિના’; (8) બૅલે ‘ધ હમ્પ્ડ્ બૅક્ડ હૉર્સ’; (9) લેનિનની જીવનકથા ઉપર આધારિત ઑરેટોરિયો ‘લેનિન ઇન ધ હાર્ટ ઑવ્ ધ પીપલ’; (10) ગોગોલની નવલકથા ‘ધ ડેડ સોલ્સ’ ઉપર આધારિત તે જ નામનો ઑપેરા (1976); (11) ચેખૉવના નાટક ‘ધ સી-ગલ’ ઉપરથી એ જ નામનો બૅલે; (12) બીજી સિમ્ફની; (13) કૅન્ટાટા ‘બ્યુરોક્રાટિયાડા’.

શ્ચેદ્રિનની કૃતિઓનું ગાયનવાદનમંચન રશિયા ઉપરાંત બલ્ગેરિયા, ઇટાલી, જાપાન, ફિનલૅન્ડ, જર્મની, સર્બિયા અને અમેરિકામાં વારંવાર થતું રહે છે.

અમિતાભ મડિયા