શ્રીનાથ (. 1385, કાલિપટ્ટનમ્, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; . 1445) : તેલુગુના ખ્યાતનામ કવિ. તેઓ સંસ્કૃત અને તેલુગુના પારંગત વિદ્વાન હોવા ઉપરાંત પ્રાકૃત અને શૌરસેનીમાં પણ એટલા જ નિષ્ણાત હતા. ‘ન્યાયદર્શન’ પર તેઓ વિશેષજ્ઞ ગણાતા.

1404થી 1420 દરમિયાન પેડાકોમટી વેમા રેડ્ડીના દરબારમાં તેઓ ‘વિદ્યાધિકારી’ના પ્રતિષ્ઠિત પદે રહ્યા અને કૉન્ડાવિડુના રેડ્ડી રાજાઓ તેમની આશ્ચર્યજનક વિદ્વત્તાથી ભારે પ્રભાવિત થયા હતા. વિદ્યાધિકારી તરીકે તેઓ પંડિતો સાથે વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ કરતા અને રાજદરબારમાં આવતા કવિઓની કસોટી કરતા. પરિણામસ્વરૂપ તેમને ‘કવિ સાર્વભૌમ’નો ખિતાબ પ્રાપ્ત થયેલો.

તેમણે તેલુગુ દેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો અને તેમનાં છૂટક કાવ્યોમાં જીવનની ઊજળી અને અંધકારમય બંને બાજુઓની પ્રતીતિ કરાવી. કેટલાક તેમને દુન્યવી રંગરાગમાં રચ્યાપચ્યા રહેતા ‘ભોગી’ માનતા, પરંતુ તેઓ શિવભક્ત હતા. તેમના વ્યક્તિત્વમાં અને તેમની કૃતિઓમાં વૈવિધ્યસમૃદ્ધિ જોવા મળે છે. પુરાણોમાંથી વાર્તાકેન્દ્રિત કાવ્યો તરફ તેલુગુ કવિઓને પ્રેરવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેલુગુ જીવન અને ઇતિહાસ પર આધારિત કાવ્યો રચવાની દિશામાં તેમણે પ્રારંભ કર્યો.

યુવાનવયે તેમણે રચેલ કાવ્યસંગ્રહ ‘મરુત્તરત ચરિત્ર’ અને ‘શાલિવાહન સપ્તશતી’ ઉપલભ્ય નથી. તેમના ઉલ્લેખનીય કાવ્ય-સંગ્રહોમાં નળ-દમયંતીની પ્રેમકથા વર્ણવતી કૃતિ ‘શૃંગારનૈષધમુ’; ‘હરવિલાસમુ’; ‘ભીમખંડમુ’ (જેને ‘ભીમેશ્વર પુરાણમ્’ પણ કહે છે) અને ‘શિવરાત્રિમાહાત્મ્યમુ’નો સમાવેશ થાય છે. તે ઉપરાંત ‘પલ્નાતી વીરચરિત્રમ્’ તેમનું  બૅલડ છે, જ્યારે ‘ક્રીડાભિરામમ્’ શેરીનાટક છે. ક્રીડાભિરામમ્ તેલુગુમાં પ્રથમ વ્યંગ્યકાવ્ય છે. તેમાં આંધ્ર પ્રદેશની જુદી જુદી કોમોનાં સ્ત્રી-પુરુષોનું સુસ્પષ્ટ વર્ણન આલેખ્યું છે. તેથી તે કૃતિ પંદરમી સદીમાં તેલુગુવાસીઓના સામાજિક ઇતિહાસની પુનર્રચના માટે ઉપયોગી સંદર્ભગ્રંથ પુરવાર થઈ છે. ‘શૃંગારનૈષધમુ’માં તેમણે દેશી ‘સિસ’ છંદનો ઉપયોગ કરવાને કારણે તે કૃતિ અતિલાલિત્યપૂર્ણ બની છે. સંસ્કૃત અને તેલુગુના મિશ્રણ સમાન તેમની શૈલી ગૌરવપૂર્ણ છે. તેલુગુ કાવ્યરચનાના અગ્રેસર તરીકે તેમની ખ્યાતિ ચિરંજીવ છે.

બળદેવભાઈ કનીજિયા