શોધન, દીપક
January, 2006
શોધન, દીપક (જ. 18 ઑક્ટોબર 1928, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ક્રિકેટ-ખેલાડી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મૅચમાં જ સદી ફટકારનાર ભારતીય ટેસ્ટ-ખેલાડી. જાણીતા ઉદ્યોગપતિ હર્ષદલાલ શોધનના પુત્ર. દીપક ઉપનામથી જાણીતા બનેલ આ બૅટધરનું સાચું નામ રોશન છે. તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત 1942માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં શિક્ષણ લીધું. 1945-46 દરમિયાન કૉલેજના પ્રથમ વર્ષમાં હતા, ત્યારે ગુજરાતની રણજી ટ્રૉફીની ટીમમાં તેઓ પસંદગી પામ્યા. રણજી ટ્રૉફી એ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા હોવાથી તેમાં પસંદગી થવાથી તેઓ કૉલેજના પ્રથમ વર્ષથી જ ક્રિકેટના ‘રાષ્ટ્રીય ખેલાડી’ બની ગયા. વળી તેમણે સૌરાષ્ટ્ર સામે રમતાં 90 રન આપી 7 વિકેટ ઝડપી. એને કારણે ગુજરાતની ટીમ તે મૅચમાં વિજયી બની. 1948-49માં રણજી ટ્રૉફીમાં વડોદરા સામે તેમણે 82 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. રણજી ટ્રૉફીમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 1957-58માં મહારાષ્ટ્ર સામે 261 રનનો રહ્યો હતો. રણજી ટ્રૉફી ઉપરાંત તેમણે ક્રિકેટની રમતમાં ત્રણ વર્ષ મુંબઈ યુનિવર્સિટી, ત્રણ વર્ષ સંયુક્ત યુનિવર્સિટીઝ તથા એક વર્ષ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું; પરંતુ જો ભારતીય ટીમમાં કોઈ ખેલાડીને પસંદગી પામવી હોય તો તેની બૅટિંગ પણ સારી હોય તે જરૂરી જણાતું. તે ધ્યાનમાં લઈને તેમણે 1950થી બૅટિંગ તરફ વિશેષ ધ્યાન આપ્યું અને વેસ્ટ ઝોન વતી પાકિસ્તાન સામે રમતાં તેમણે અણનમ 87 રન બનાવ્યા. આ સરસ દેખાવને કારણે તેમની ભારતીય ટેસ્ટ ટીમમાં અનામત ખેલાડી તરીકે વરણી થઈ. વિજય હઝારે કોલકાતાની ઇડન ગાર્ડન ખાતેની મૅચ માટે ઉપલબ્ધ ન થવાથી દીપક શોધનને ટેસ્ટ-મૅચમાં રમવા માટેની તક મળી. ત્યારે તેમણે તેમની પ્રથમ ટેસ્ટમાં જ 110 રન કરી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો. જૂજ ખેલાડીઓ જ પોતાની પ્રથમ ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવતા હોય છે. ત્યારબાદ તેમની પસંદગી વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડનાર ભારતીય ટીમમાં થઈ અને ત્યાં પણ તેમણે સારો દેખાવ કર્યો હતો.
તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1,829 રન બનાવ્યા હતા તથા 74 વિકેટો પણ ઝડપી હતી. 1961માં તેમણે ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે પશ્ચિમ વિભાગની શાળાકીય ક્રિકેટ પસંદગી સમિતિના ચૅરમૅન અને ભારતીય ક્રિકેટ નિયમન સમિતિ(Board of Control for Cricket in India – BCCI)ની અખિલ ભારતીય શાળા ક્રિકેટ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. 1991-92માં ગુજરાત સરકારે તેમણે રમતગમતમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપીને અભિવાદન કર્યું હતું. 1997માં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નગરભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ઉપરાંત તેઓ બૅડમિન્ટન, વૉલી બૉલ, ગૉલ્ફ, ટેનિસ, ટેબલ ટેનિસ તથા ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરવા સાથે સરદાર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સમાં ક્રિકેટ-કોચ તરીકે તેઓે સેવાઓ આપે છે.
તેમના મોટા ભાઈ જ્યોતીંદ્ર પણ ક્રિકેટના સારા ખેલાડી હતા.
પ્રભુદયાલ શર્મા