શેઠ, રાજી (. 4 ઑક્ટોબર 1935, નૌશેરા કૅન્ટૉન્મેન્ટ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી લેખિકા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મોમાં તજ્જ્ઞતા. તેઓ હિંદી અકાદમી, દિલ્હીનાં કારોબારી સભ્ય; સાહિત્યિક માસિક ‘યુગ-સાક્ષી’નાં સહસંપાદક; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડિઝ, સિમલાનાં ફેલો; 1998થી 2002 સુધી હિન્દી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડનાં સભ્ય રહ્યાં હતાં.

તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 9 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અંધે મોડ સે આગે’ (1979); ‘તીસરી હથેલી’ (1981); ‘યાત્રા મુક્ત’ (1987); ‘દૂસરે દેશ કાલ મેં’ (1992) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘તત્સમ’ (1983); ‘નિષ્કવચ’ (1995) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. આ ઉપરાંત તેમણે જર્મન કવિ રિલ્કેના પત્રો બે ભાગમાં અનૂદિત કર્યા છે. આ પ્રકારના પ્રદાન બદલ તેમને સંખ્યાબંધ ઍવૉર્ડ અને ઇનામો પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા