શેઠ, રવિન્દર કુમાર

January, 2006

શેઠ, રવિન્દર કુમાર (. 3 સપ્ટેમ્બર 1939, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિદ્વાન અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી, સંસ્કૃત અને તમિળમાં એમ.એ., એમ.આઇ.એલ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ 1972-87 દરમિયાન હરદયાલ મ્યુનિસિપલ પબ્લિક લાઇબ્રેરીના માનાર્હ સેક્રેટરી; 1988 સુધી તમિળ હિંદી સંગમના પ્રમુખ અને 1989 સુધી ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય અને કન્વીનર, દિલ્હી ચૅપ્ટરના સભ્ય રહ્યા.

રવિન્દર કુમાર શેઠ

તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર એવમ્ કબીર કા તુલનાત્મક અધ્યયન’ (1972); ‘સુબ્રમણ્ય ભારતી’ (1981); ‘તમિળ વૈષ્ણવ કવિ અલ્વર’ (1986); ‘તમિળ મહાકવિ તિરુવલ્લુવર’ (1989); ‘તમિળ કા પ્રાચીન સાહિત્ય’ (1989); ‘તમિળ શૈવ ભક્તિ-સાહિત્ય’ (1993); ‘સચિત્ર પેરિયા પુરાણમ્’ (1994); ‘રામલિંગ સ્વામી વલ્લલાર કી જ્યોતિસાધના’ (1996); ‘તમિળ આગમશાસ્ત્ર તિરુમુલર કૃત તિરુમંતિરામ’ (1998) તેમના નોંધપાત્ર વિવેચનગ્રંથો છે. ‘નીતિ મુક્તાવલી’ (1981) સંસ્કૃત ગ્રંથનો અનુવાદ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1987માં ભારતીય ભાષા સાહિત્ય પુરસ્કાર, બિહાર સરકાર; 1986 તથા 1989માં શ્રેષ્ઠ કૃતિ પુરસ્કાર; 1989માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન તરફથી સૌહાર્દ સન્માન; 1990માં તિરુવલ્લુવર ભારતી સન્માન, ચેન્નાઈ તથા 1995માં સાહિત્યકાર સન્માન પ્રાપ્ત થયાં.

બળદેવભાઈ કનીજિયા