શેખ, વજીહુદ્દીન અહમદ અલવી (જ. ઈ. સ. 1504, ચાંપાનેર, ગુજરાત; અ. 1589, અમદાવાદ) : ગુજરાતના મુઘલ કાલ(1573-1758)ના સૂફી સંત અને અરબી-ફારસીના વિદ્વાન. ગુજરાતમાં મુઘલ હકૂમત દરમિયાન કેટલાક મુસ્લિમ સૂફી સંતો અને અરબી-ફારસીના વિદ્વાનો થઈ ગયા. તેઓમાં અમદાવાદના શેખ વજીહુદ્દીન અહમદ અલવી આગલી હરોળમાં હતા. તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હતા. તેમના પિતાનું નામ શેખ નસરૂલ્લાહ અલવી હતું. તેમણે સૂફી સંપ્રદાયનું જ્ઞાન મુહમ્મદ ઘૌસ સાહેબ પાસેથી મેળવ્યું હતું. શેખ વજીહુદ્દીન વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા. તેથી લોકો મોટી સંખ્યામાં તેમનાં દર્શન કરવા તેમના નિવાસસ્થાને જતા. તેઓ અમદાવાદમાં મદરેસા ચલાવતા. ઉર્દૂના મોટા શાયર વલી ગુજરાતીએ એમની મદરેસામાં શિક્ષણ લીધું હતું. મુસ્લિમ લેખક સૈયદ અબ્દુલ મલેક બિન સૈયદ મુહમ્મદે ‘મલકૂસે કબીરી’ નામની કિતાબમાં તેમનો જીવનવૃત્તાંત આલેખ્યો છે.
તેમણે ‘શરહે રિસાયલયે કોસજી’ નામનું ખગોળવિદ્યાનું પુસ્તક તથા ‘શરહે જામે જહાંનુમા’, ‘દીવાને વજીહ’ અને ‘હકીકતે મોહંમદી’ નામના ગ્રંથો લખ્યા હતા. તેમણે ‘બયઝાવી શરેહ’ નામનું પુસ્તક અરબી ભાષામાં લખ્યું હતું. તેઓ ‘અલવી’ ઉપનામથી સાહિત્યરચના કરતા હતા. તેમની કબર ખાનપુરમાં આવેલી છે. તેમની કબર પર ગુજરાતના સૂબેદાર મુર્તઝાખાને (ઈ. સ. 1606-09) ભવ્ય રોજો બંધાવ્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી