શાંત કોલાહલ (1962) : ગુજરાતના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા કવિ રાજેન્દ્ર શાહ(જ. 1913)નો ‘ધ્વનિ’ પછીનો બીજો કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમ વાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતર્મુખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમના નાભિકેન્દ્રમાંથી કોઈ પદ્મની જેમ વિકસી છે. કવિ જીવનની વિવિધ અનુભૂતિઓ દ્વારા પોતાના સાચા સ્વરૂપને અવગત કરવા માગે છે. આમ ‘સ્વ’માં ‘સર્વ’નાં દર્શન કરવાની ઉત્કટ મનીષા એમનાં કાવ્યોમાં જોઈ શકાય છે. વિષયવૈવિધ્યના અભાવનું કારણ પણ એમની આ અંતર્મુખ મનોવૃત્તિમાં પડેલું છે. રાજેન્દ્ર શાહને પાર્થિવ સ્વરૂપોનું આકર્ષણ, એ પાર્થિવ સ્વરૂપો પરમ ચૈતન્યના પ્રકાશને વહે છે તે માટે છે. રાજેન્દ્ર શાહની કવિતાનો વિકાસ અનુભૂતિનાં બાહ્યસ્થૂળ આવરણો ભેદીને એના અંતસ્તલ સુધી પહોંચવાની એમની તીવ્ર મથામણમાં જોઈ શકાય છે. એમનો તત્વરસ જ સૌન્દર્યનિષ્ઠારૂપે કવિતામાં પરિણત થયો છે. તેમની કવિતામાં ક્યાંય અવસાદ કે હતાશાનો ધ્વનિ મળતો નથી, કેમ કે તેમને પરમ તત્વની ત્રિકાલાબાધિત સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. આ ભૂમિકા જેમ ‘ધ્વનિ’ની તેમ આ ‘શાંત કોલાહલ’ની પણ છે.
‘શાંત કોલાહલ’ શીર્ષક રાજેન્દ્ર શાહના કવિમાનસનો અણસાર આપી રહે છે. દેખીતા સંઘર્ષો તળે કવિ પરમ સંવાદિતાના તત્વને જ કામ કરતું જુએ છે. કવિની દૃષ્ટિ ઝીણી અને ઊંડી છે. તેઓ સાંપ્રત સંગ મોકળે મન રમવાની વાત કરે છે. કવિ વિશ્વનાં લખ રૂપોને પરમ રસપૂર્વક માણે છે. કવિને મન તો આ સૃષ્ટિ પર ‘અનંત ઓચ્છવ’ જ છે. પ્રત્યેક પળે કવિ ‘ચિરંતનને ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌન્દર્ય’ પ્રગટ કરતું અનુભવે છે. કવિને માટે કોઈને પણ ઉપેક્ષી કે તુચ્છકારી શકાય એવું રહ્યું નથી. આગતને પણ તેઓ ઉમળકાથી આવકારવા સજ્જ થાય છે. કરાલ કે કોમળ બધા જ પ્રકારનાં સ્વરૂપોમાં કવિ એક અને અદ્વિતીય એવા પરમ તત્વને – મહાકાલને ક્રીડતો જુએ છે. રાજેન્દ્ર શાહ પ્રકૃતિએ સ્વસ્થ કવિ છે. એટલે જ એમનાં કાવ્યોમાં પરમ તત્વના અનુસંધાનમાં માનવ્યનું પણ સમ્યગ્ દર્શન શક્ય બન્યું છે.
રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમાં મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત નિરૂપણ છે. રાજેન્દ્ર શાહને મન પ્રણય એ માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું જ અવાંતર રૂપ બની રહે છે.
આ કવિ ગૃહસ્થાશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાન્તિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે.
કવિનું ઘર ચાર દીવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશમોકળું છે. એમાં બંધન નહિ, પણ મુક્ત છે. ‘શાન્તિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે. રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે.
વનવાસીનાં ગીતોમાં વનવાસીનાં જીવનપ્રકૃતિને કેન્દ્રમાં રાખી પ્રધાનત: પ્રેમ-વીરતાનું મુગ્ધ-મુક્ત ગાન કવિએ છેડ્યું છે. પ્રકૃતિનાં અવનવાં રૂપોની સાથે વનવાસીના મનનું તાદાત્મ્ય કવિએ ઉપસાવ્યું છે. તળપદી બોલીની લઢણોનો પણ વિવેકપુર:સર અહીં ઉપયોગ થયો છે. આ કાવ્યોમાં ગીતોના પ્રલંબ લયહિલ્લોળમાં વક્તવ્યને છૂટું લહેરાતું મૂકી દેવાની રાજેન્દ્ર શાહની રીતિ ધ્યાનપાત્ર છે.
રાજેન્દ્ર શાહ દેશનાં કેટલાંક અનિષ્ટોનો કવિતામાં પડઘો પાડે છે. આમાં એમની સ્વદેશદાઝ સત્યદાઝ તરીકે આવે છે. તેઓ તત્વપૂત દૃષ્ટિથી જ અનિષ્ટોના પ્રેરક વેતાલનું નિવારણ થઈ શકશે એમ માને છે; એ વિના પોતાનો કે દેશનો ઉદ્વાર નહિ થાય એ વિશે એમને દૃઢ પ્રતીતિ છે.
રાજેન્દ્ર શાહની કવિતામાં ક્યારેક તત્વભાર વરતાય છે; તેમ છતાં એમની કવિતા એકંદરે ‘તત્વનું ટૂપણું’ થવામાંથી બચી છે. જેમ કોઈ અભ્ર પોતાની રસશક્તિથી સૂર્યના કિરણની આંતરસુષમાને સપ્તરંગમાં પ્રગટ કરે છે તેમ રાજેન્દ્ર શાહે જીવનની આંતરસુષમાને અવનવા પ્રકાશરંગો દ્વારા કવિતામાં પ્રગટ કરી બતાવી છે. ‘લાવણ્ય ભીતરનું દાખવતી લલામ’ એવી એમની કાવ્યસૃષ્ટિ છે. રાજેન્દ્ર શાહની દૃષ્ટિનો વ્યાપ બૃહત છે; એમને જીવનનું ખંડદર્શન અભિમત નથી. પ્રત્યેક પળને મહાકાલના સંદર્ભમાં મૂલવવાનું એ પસંદ કરે છે.
એકંદરે જોતાં કવિ પોતાની રૂઢ થઈ ગયેલી રીતિમાંથી બહાર નીકળી જવા સચિંત છે. આધુનિક કવિતાનાં કેટલાક ચલણવલણોનું પ્રતિબિંબ ‘શ્ર્વાનસંગી’, ‘ક્ષણને આધાર’, ‘મેડીને એકાન્ત’, ‘સ્મરણ’ વગેરે કાવ્યોમાં ઝીલી બતાવ્યું છે. અભિવ્યક્તિ અંગેની સભાનતા ભાવપ્રતીકો અને છંદોલયની બાબતમાં તો ખાસ જોઈ શકાય છે. આવાં કાવ્યોમાં ક્યારેક કવિનો કસબ આગળ પડી આવતો જોઈ શકાય છે.
એમના કવિમાનસના ઘડતરમાં ટાગોરનું પ્રદાન મહત્વનું છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો ભાર ક્યારેક કવિતાની પ્રફુલ્લ ગતિને મંથર કે સ્ખલિત કરી દે છે; તેમ છતાં સમગ્રતયા અવલોકતાં કાન્ત, ઉમાશંકરની જેમ આ કવિની સૌષ્ઠવપ્રિયતા એમની એક વિશેષતા લેખાશે. એમનું કવિ તરીકેનું સ્નિગ્ધ-ભીર વ્યક્તિત્વ આસ્વાદ્ય છે, છતાં એમનાં કેટલાંક પ્રણયગીતોમાં અને ‘ફેરિયો અને ફક્કડ’ જેવા કાવ્યમાં હળવાશ માણવા મળે છે. એકંદરે એમની કવિતા ધ્યાનસ્થ પ્રસન્ન યોગિનીના જેવી છે.
ચંદ્રકાન્ત શેઠ