શાંઘાઈ (Shanghai) : ચીનનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 10´ ઉ. અ. અને 121° 30´ પૂ. રે.. તે ચીનના જિયાનસુ પ્રાંતમાં હુઆંગપુ અને વુસાંગ નદીઓના સંગમસ્થળે આવેલું એક બંદર છે. તે ચાંગ જિયાંગની નદીનાળથી આશરે 24 કિમી. અંદર તરફ વસેલું છે. પૂર્વ ચીની સમુદ્ર પરના આ સ્થળના જળમાર્ગ તરીકેના મોકાના સ્થાનને કારણે તે ઔદ્યોગિક શહેર બની રહેલું છે.

શાંઘાઈ નગરનો હાર્દભાગ

શહેર : શાંઘાઈ શહેરની વસ્તી 87,60,000 (1997) તથા મહાનગરની વસ્તી 1,45,70,000 છે. તેના વિશિષ્ટ મ્યુનિસિપલ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 6,200 ચોકિમી. જેટલું છે. જિયાનસુ પ્રાંતના આ જિલ્લાના ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે : (i) ઉત્તર તરફનો જૂનો વિદેશી વિભાગ, (ii) દક્ષિણ તરફનો મૂળ ચીની વસાહતોવાળો વિભાગ, (iii) આ બે વિભાગોની આજુબાજુ વિકસેલા પરાં-વિસ્તારો.

શાંઘાઈ દુનિયાનું વધુમાં વધુ ગીચ વસ્તી ધરાવતું શહેર ગણાય છે. અહીં પ્રત્યેક વ્યક્તિ દીઠ માત્ર 6 ચોમી. જગા અને 2.2 ચોમી.નો માર્ગ ફાળવી શકાય છે. શાંઘાઈનો મધ્યભાગ જૂના વિદેશી વિભાગમાં આવેલો છે. હુઆંગપુ નદી નજીકના મોટા માર્ગ પર 1920ના દાયકામાં બાંધેલી ગગનચુંબી ઇમારતો એક તરફ છે, જ્યારે બીજી તરફ જાહેર બગીચાઓ છે. બગીચાઓ પૂરા થાય છે ત્યાં વહાણો માટેની ગોદીઓ આવેલી છે. અહીંના નાનજિંગ માર્ગ પર ઘણી દુકાનો અને રેસ્ટોરાં આવેલાં છે. અહીંના જૂના બ્રિટિશ સ્પર્ધા-પથને રમતગમત માટેના સ્ટેડિયમમાં ફેરવ્યું છે. વિદેશી વિભાગમાંની જૂના વખતની આજે ખાલી પડી રહેલી ઘણી ગગનચુંબી ઇમારતો શાળાઓ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યાં વિદેશીઓ રહેતા હતા ત્યાં આજે ચીની કુટુંબો રહે છે.

વિદેશી વિભાગની દક્ષિણે મૂળ ચીની વસાહત આવેલી છે. આ વિભાગ ‘ચીની શહેર’  Chinese City નામથી જાણીતો બનેલો છે. અહીં આવાસી અને વેપારી ઇમારતો છે, તેમની વચ્ચે વાંકીચૂકી સાંકડી શેરીઓ પણ છે. 1950ના દાયકા પછી ચીની સામ્યવાદી સરકારે જૂના શાંઘાઈની આજુબાજુ 11 જેટલાં પરાંનું નિર્માણ કર્યું છે. તેમાં આવાસો, દુકાનો, શાળાઓ, કારખાનાં વગેરેની વ્યવસ્થા ઊભી કરી છે. શાંઘાઈના લગભગ બધા જ નિવાસીઓ ચીની છે. તેઓ અત્યારના જીવનધોરણ મુજબ કમાય છે અને મોભાવાળું જીવન જીવે છે. અહીં ઘણી યુનિવર્સિટીઓ, તેની સંસ્થાઓ, સંશોધનકેન્દ્રો આવેલાં છે. શાંઘાઈનાં જાણીતાં સ્થળોમાં 1882નું જેડ બૌદ્ધ મંદિર, ક્રાંતિકારી સન યાત-સેન(Sun Yat-Sen)નું નિવાસસ્થાન, ચીનના સામ્યવાદી પક્ષની સર્વપ્રથમ નૅશનલ કૉંગ્રેસની બેઠક ખાનગી રાહે મળેલી તે સ્થળ તથા લુ ઝૂન(Lu Xun)નું મકાન, સંગ્રહસ્થાન અને તેની કબરનો સમાવેશ થાય છે.

અર્થતંત્ર : શાંઘાઈ ચીનના ઘણા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું છે. અહીં પોલાદ, કૃષિક્ષેત્રે ઉપયોગી યંત્રસામગ્રી, જહાજી બાંધકામ, ચોકસાઈવાળાં વૈજ્ઞાનિક સાધનો, રસાયણો, આટાની અને વનસ્પતિ-તેલની મિલો તથા ખનિજતેલ-રિફાઇનરી જેવા ઉદ્યોગો વિકસ્યા છે. વળી શાંઘાઈ બંદર પણ હોવાથી ચીનનો 50 % આયાત-નિકાસનો વેપાર પણ સંભાળે છે. આ ઉપરાંત અહીં સિમેન્ટ, વીજળીનાં સાધનો, ખાતરનું ઉત્પાદન પણ લેવાય છે. પરાંમાં રહેલા ખેડૂતો ધાન્ય, કપાસ અને શાકભાજી ઉગાડે છે, તેની સાથે સાથે તેઓ ડુક્કર-ઉછેર અને મત્સ્યપાલન પણ કરે છે.

વહીવટ : જિયાંગસુ પ્રાંતમાં આવેલા આ મહાનગર શાંઘાઈનું વહીવટીતંત્ર પણ અલગ છે. 1949થી 1960ના ટૂંકા ગાળા દરમિયાન ચીની સામ્યવાદી પક્ષની કમિટીએ આ મહાનગરના વહીવટ અને વ્યવસ્થા માટે ધારાધોરણો અને નીતિનિયમો ઘડેલાં, જે સ્થાનિક નાગરિકો પાળતા હતા. 1960માં ચીની લશ્કરી કમિટીએ આ શહેરનો કબજો લીધેલો. 1979માં ફરીથી શહેરી વહીવટ સ્થાનિક નાગરિકોને હસ્તક આવેલો છે.

શાંઘાઈ બંદર

ઇતિહાસ : 960થી 1279ના ગાળા દરમિયાન સુંગ વંશના શાસન હેઠળ શાંઘાઈ એક નાનું વેપારી મથક હતું. 11મી સદીના ગાળામાં તે માછીમારોનું ગામ હતું. 1360 પછીથી તેનો એક શહેર તરીકે વિકાસ થતો ગયેલો છે. 1842માં થયેલા કહેવાતા ચીન-બ્રિટનના અફીણયુદ્ધને અંતે બ્રિટને આ શહેરને વિદેશી વેપાર માટે મુક્ત બનાવવાની ફરજ પાડેલી; પરિણામે બ્રિટન, ફ્રાન્સ, યુ.એસ., જાપાન તેમજ અન્ય ઘણા દેશોના લોકોનો વેપાર વધ્યો, તેમણે 1842માં નાનજિંગની સંધિ હેઠળ શાંઘાઈ ખાતે વેપારી હક્કો મેળવ્યા. ઘણા વિદેશીઓ અહીં આવીને વસ્યા. વિદેશીઓ તથા ચીની ધંધાદારીઓએ ભેગા મળીને બૅંકો શરૂ કરી અને ધંધાઓ વિકસાવ્યા. ઘણા ચીની ખેડૂતો દેશભરમાંથી નોકરીઓ મેળવવા અહીં આવ્યા. શ્રમિકો પણ આવ્યા અને શહેરના જૂના ભાગોમાં ઝૂંપડપટ્ટીઓ બનાવીને વસ્યા. અહીં આવેલા તેમજ વસેલા વિદેશીઓએ શહેરી બાબતોમાં સત્તાઓ હાંસલ કરી, તેમણે દુનિયાના બજારમાં શાંઘાઈને આગળ પડતું સ્થાન અપાવ્યું. શાંઘાઈ જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ નવા આવાસો, ચર્ચ, કાર્યાલયોની ઇમારતો બંધાતી ગઈ. શાંઘાઈ વિદેશી અસરને કારણે પાશ્ર્ચાત્ય શૈલીનું શહેર બની રહ્યું.

શાંઘાઈ ઑઇલ રિફાઇનરી

20મી સદીની શરૂઆતમાં અહીંના સ્થાનિક નાગરિકોએ વધતી જતી વિદેશી અસર સામે પ્રતિકાર શરૂ કર્યો. 1921માં શાંઘાઈમાં ચીનનો સામ્યવાદી પક્ષ સ્થપાયો. 1925માં અહીં 2,742 વિદેશી મતદાતાઓ પૈકી 1,000 તો બ્રિટિશ હતા. 1925માં મ્યુનિસિપલ કાઉન્સિલે શહેરી સ્વાતંત્ર્ય માટે એકતરફી જાહેરનામું બહાર પાડ્યું. 1927માં ચીની રાષ્ટ્રવાદીઓએ અનેક ચીની સામ્યવાદીઓની હત્યા કરી, બીજા અનેકને શહેર બહાર હાંકી કાઢ્યા.

1937માં જાપાનીઓએ શાંઘાઈ કબજે કર્યું. 1939-1945ના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શાંઘાઈને પણ અસર પહોંચી. વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી જાપાને શાંઘાઈ પર પોતાનો કબજો રાખેલો. બ્રિટને અને ફ્રાન્સે તથા યુ.એસ.એ આ શહેરમાંના પોતાના હક્કો છોડી દીધા. 1943-46 દરમિયાન ઘણા વિદેશીઓ આ શહેર છોડી ગયા. આંતરરાષ્ટ્રીય સમાધાન થયું. 1949માં સામ્યવાદીઓેએ ચીન પર પોતાનું વર્ચસ્ જમાવી દીધું. શાંઘાઈને વિસ્તાર્યું, ઉદ્યોગો વિકસાવ્યા. 1966માં સામ્યવાદી પક્ષના પ્રમુખ માઓ ઝેદાંગે તેમના હરીફ પક્ષનો કાંટો કાઢી નાખવા સાંસ્કૃતિક ક્રાંતિ કરી. પરિણામે માઓના ‘રેડ ગાર્ડ્ઝ’ (વિદ્યાર્થી સમર્થકોએ) શાંઘાઈમાંથી સરકારને સત્તા પરથી ઉથલાવી. શહેરને લશ્કરી કમિટીના કાબૂ હેઠળ મૂક્યું. 1979માં ફરી પાછું શહેરને નાગરિક સત્તા હેઠળ સોંપાયું છે.

ગિરીશભાઈ પંડ્યા