શાહ, હિંમત (જ. 1932, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગુજરાતના ચિત્રકાર અને શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે 1962માં દાખલ થયા, પણ અહીં શિસ્ત ખૂબ આકરી લાગતાં 1964માં દિલ્હી ભાગી છૂટ્યા. અહીં બેકાર હાલતમાં ખોરાક અને માથે છત્રની શોધમાં કારમી ભૂખ, ગરીબી, લાચારી તથા અપમાનનો પ્રત્યક્ષ અનુભવ થયો. કોઈના ગૅરેજમાં તો કોઈની બરસાતીમાં થોડો થોડો વખત રહીને વર્ષો વિતાવવાની સાથે કલાસર્જન કર્યું. 1974માં નર્વસ બ્રેકડાઉન થઈ ગયું. 1975માં મગજ ઠેકાણે આવતાં ફરી કલાસર્જન શરૂ કર્યું. 1980માં દિલ્હીના ‘ગર્હી’ સ્ટુડિયોએ તેમને જગા આપી, જ્યાં રહી તે કલાસર્જન કરે છે.
હિંમત શાહ પાબ્લો પિકાસો, ફ્રાન્સિસ ન્યૂટન, સૂઝા, જેરામ પટેલ અને પિરાજી સાગરાથી ગાઢ પ્રભાવિત છે. બિકાળવી, ભેંકાર અને ખૂંખાર જણાતી વ્યક્તિઓનાં આલેખન તેઓ શિલ્પ અને ચિત્રમાં કરે છે.
ભારતનાં પ્રમુખ નગરો ઉપરાંત દેશવિદેશમાં હિંમતે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે અને વિદેશોમાં એક ભારતીય કલાકાર તરીકે બહુ મોટી નામના મેળવી છે.
અમિતાભ મડિયા