શાહ, હરકાન્ત (. 1925, અમદાવાદ; . 5 મે 1994, મુંબઈ) : 1950 અને 1960ના દાયકા દરમિયાન ગુજરાતી રંગભૂમિ પર સતત છવાયેલા રહેલા એક અગ્રણી અભિનેતા, સબળ દિગ્દર્શક અને કુશળ નિર્માતા. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન ‘શાહજહાં’ નાટકમાં દારાની ભૂમિકા ભજવી રંગમંચ પર પદાર્પણ કર્યું. પછી રાષ્ટ્રીય યુવક મંડળના ઉપક્રમે ‘મેવાડ વતન’ તથા ‘આગગાડી’ નાટકો ભજવ્યાં. 1946માં નૅશનલ થિયેટર્સ નામક સંસ્થાની સ્થાપના. તેના નેજા હેઠળ નવો ચીલો ચાતરતાં નૃત્યનાટકો અને ‘સહાઈની બહાર’, ‘દેવદાસી’, ‘છેલ્લો ચિરાગ’, ‘અખંડિત એકતા’ અને ‘રૂપાં આણલદે’ જેવી કૃતિઓ તખતા પર રજૂ કરીને અવેતન રંગભૂમિની દિશામાં મહત્વના સોપાન તરીકે નાટ્યસંસ્થા ‘જવનિકા’નો આરંભ કર્યો.

તેની સાથે ‘શયતાનનો સાથી’ (બર્નાર્ડ શૉ), ‘મળેલા જીવ’ (પન્નાલાલ પટેલ), ‘રામકહાણી’ (ગુણવંત આચાર્ય) અને ‘રૂપમતી’ (ચુ. વ. શાહ) જેવી પ્રસિદ્ધ સાહિત્યકૃતિઓને નાટ્યકૃતિ રૂપે ગુજરાતી તખ્તા પર રજૂ કરી. ત્યારબાદ તેમણે ‘માટીનું ઘર’, ‘હું અને મારી વહુ’, ‘પંખી અમે એક ડાળનાં’, ‘શ્યામલી’, ‘સંતાકૂકડી’ વગેરે નાટકોનું સર્જન કર્યું.

ત્યારબાદ તેઓ મુંબઈ ખાતે સ્થિર થયા અને શરદબાબુની નવલકથા પરથી ‘સુમતિ’ નાટક ભજવ્યું; તેમાં ઉષા મલજી, ચંદ્રકાન્ત ઠક્કર, અરુણા ઈરાની, ફીરોઝ ઈરાની, દીપક ઘીવાલા જેવા કલાકારોને તખ્તા પર પહેલી વાર રજૂ કર્યાં. પછી ‘પુત્રવધૂ’, ‘જુવાનીનાં ઝેર’, ‘મારી ઘરવાળી’ જેવાં નાટકો ભજવ્યાં અને ‘ધરતીનાં છોરુ’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું.

મુંબઈ રાજ્યની નાટ્યસ્પર્ધામાં ‘મળેલા જીવ’ નાટક માટે અને ‘રામકહાણી’ નાટકમાં જીવણ જુગારીની યાદગાર ભૂમિકા માટે પારિતોષિકો મેળવ્યાં. 1990માં તેમના મિત્રો અને પ્રશંસકોએ તેમનું જાહેર સન્માન કર્યું હતું.

તેમણે ‘રૂપમતી’ નાટક દ્વારા ગુજરાતી રંગભૂમિ પર પહેલી વાર બે  માળનો સેટ રજૂ કર્યો અને પાર્શ્ર્વગાયકની પરંપરા શરૂ કરી. ગુજરાતી તખતાને તેમણે અસંખ્ય કલાકારો-કસબીઓની ભેટ આપી. નાટ્યકલાક્ષેત્રે તેમના પ્રદાન બદલ 199394ના વર્ષનો ગૌરવ પુરસ્કાર ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી તેમને અર્પણ કરાયો હતો.

બળદેવભાઈ કનીજિયા