શાહ, હકુ વજુભાઈ (જ. 26 માર્ચ 1934, વાલોડ, દક્ષિણ ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર તથા ગુજરાતના આદિવાસી-લોક, જનજીવન અને તેમની કલાના ઉપાસક-સંશોધક. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં તેમનો જન્મ અને ઉછેર. પિતા જમીનમાલિક હતા અને આદિવાસીઓ તેમના કામદાર હતા. આદિવાસી કલા અને સંસ્કૃતિની ગરિમા હકુભાઈને નાનપણથી જ સમજાઈ ગયેલી અને નાનપણથી જ તેનાં શોષણ અને હ્રાસ તે જોતા આવેલા. વેડછી આશ્રમ નજીકમાં જ હતો અને તેથી આદિવાસીઓ અને દલિતોના સમાનાધિકારથી પણ હકુભાઈ બાળપણમાં સજાગ થઈ ગયેલા. શાલેય અભ્યાસ દરમિયાન જ હકુભાઈને ચિત્રો દોરવાનો શોખ જાગેલો. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, મહર્ષિ અરવિંદ આદિના ફોટાઓની તેઓ પેન્સિલ વડે નકલો કરતા રહેતા. શાળાના ચિત્રશિક્ષક ચિંતામણિ દેસાઈએ હકુભાઈની કલાવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. શાળામાં તેમના મોટાભાગના સહપાઠીઓ આદિવાસીઓ હતા. તેમની સાથે હકુભાઈ તથા તેમનાં ભાઈબહેનોને ઘણું ગોઠી ગયેલું. એ બધાં ભેગાં થઈને સવર્ણો દ્વારા આદિવાસી ઉપર થઈ રહેલા સિતમોનાં પોસ્ટરો ચીતરતાં અને ગામેગામ ફરીને તે બતાવીને જાગૃતિ લાવવા મથતાં.
ડોબ્દુન નામનું આદિવાસી વાંજિત્ર વગાડવાનો શોખ પણ હકુભાઈએ કેળવેલો. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કર્યા પછી નરહરિ પરીખના લહિયા તરીકે હકુભાઈએ થોડો સમય કામ કરેલું. હકુભાઈએ કરેલી આ પહેલી પગારદાર નોકરી હતી. લખેલાં પાનાંની સંખ્યાને આધારે તેમને વળતર મળતું; પરંતુ આ તો ટૂંકાગાળા માટેની કામચલાઉ વ્યવસ્થા હતી. ચીતરવામાં રસ હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો; પરંતુ તેમાં નિષ્ફળતા સાંપડતાં તેમણે વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને 1957માં ચિત્રકલાના સ્નાતકની તથા 1962માં અનુસ્નાતકની પદવીઓ મેળવી. આ દરમિયાન અહીં માર્કંડ ભટ્ટ, વી. આર. આમ્બેડકર, શંખો ચૌધરી અને નારાયણ શ્રીધર બેન્દ્રે હેઠળ તેમણે કલાનો સઘન અભ્યાસ કર્યો. આ પછી એક વરસ માટે તેમણે વેડછીની ઉત્તર બુનિયાદી તાલીમની કૉલેજમાં શિક્ષક તરીકે અધ્યાપન કર્યું. ત્યારબાદ 1964થી 1968 સધી તેમણે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં કલાનું અધ્યાપન કર્યું અને મદદનીશ સંશોધકની કામગીરી બજાવી. 1968થી 2001 સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠ ખાતેના આદિવાસી સંગ્રહાલયના ક્યુરેટર તરીકેની કામગીરી બજાવી. આ બધાં જ વરસો દરમિયાન ભારતીય આદિવાસીઓ અને તેમાં પણ ખાસ તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની જીવનશૈલી અને કલા અંગે ઊંડું સંશોધન આદર્યું અને પરિણામે દેશવિદેશમાં પ્રસિદ્ધિ મેળવી અને ભારતના આદિવાસીઓનાં જીવન અને કલા ઉપર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કરાવી શકવામાં સફળ થયા. આ માટે તેમણે વિદેશોમાં પણ આદિવાસી જીવન અને કલાનાં પ્રદર્શનો યોજ્યાં. લલિતકલા અકાદમીને ભારતના જુદા જુદા વિસ્તારોમાં આ માટે શિલ્પગ્રામની રચના કરવામાં મદદ કરી. લંડનના મ્યુઝિયમ ઑવ્ મૅનકાઇન્ડમાં તેમણે અમદાવાદનું જૂનું ગામ વાસણા અસલ સ્વરૂપે હૂબહૂ ઊભું કર્યું. આ માટે તેમને ડૉ. બ્રાયન ડ્યુરાન્સનો સાથ મળેલો. ભારતીય કલાના પ્રસિદ્ધ જર્મન ઇતિહાસકાર ડૉ. સ્ટેલા ક્રેમ્રીશ સાથે અમેરિકામાં હકુભાઈએ ‘અનનોન ઇન્ડિયા’ નામે આદિવાસી કલાનું પ્રદર્શન કર્યું. દિલ્હીમાં તેમણે આદિવાસી કલાનું પ્રદર્શન ‘માટી એ તેરે રૂપ’ એવા શીર્ષક હેઠળ કર્યું. ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના ભાગ રૂપે આ પ્રદર્શનને રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં લઈ જવામાં આવ્યું. ઑસ્ટ્રેલિયામાં તેમણે ચિત્રકાર મનજિત બાવાના સહયોગથી ‘ઇન્ડિયા સિન્ગ્ઝ’ નામે આદિવાસી કલાનું પ્રદર્શન યોજ્યું. ગુજરાતની આદિવાસી કલાના સંશોધન માટે તેમને 1971થી 1973 સુધી નહેરુ ફેલોશિપ મળેલી. આ બધાં વરસો દરમિયાન હકુભાઈમાં અંદર રહેલો મૌલિક કલાકાર કાર્યરત હતો જ. 1981માં અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન ખાતે તેમનાં મૌલિક ચિત્રોનું સિંહાવલોકી પશ્ર્ચાદ્વર્તી (Retrospective) પ્રદર્શન યોજ્યું. વળી કોલકાતા, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને અમેરિકાનાં કેટલાંક શહેરોમાં તેમની મૌલિક કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. તેમનાં મૌલિક ચિત્રોમાં ઘેરા રંગની બહુધા ઘેરી જાંબલી ત્વચા ધરાવતા ગોળાકાર ચહેરાવાળા વિસ્ફારિત નેત્રો સાથે સ્તબ્ધ આદિવાસીઓ, બગલાની પાંખ જેવાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ દેખાય છે. તેમના શરીરનો ઘાટ આંખોને ખટકે તેવો કોણાકાર (angular) હોય છે. આ માનવો બહુધા વાંસળી વગાડતા અને ગાયો, વાછરડાં કે આખલાના સંગાથમાં જોવા મળે છે.
1989માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ ખિતાબ વડે હકુભાઈને નવાજ્યા. 1991માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં રીજેન્ટ પ્રોફેસર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. 1952થી 1962 સુધી અલગ અલગ સમયાંતરે ભારત સરકારના વીવર્સ સર્વિસ સેન્ટરનાં મુંબઈ અને કોલકાતા કેન્દ્રોમાં ડિઝાઇનર તરીકે તેમણે સેવાઓ આપેલી. 1998માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ ગૌરવ પુરસ્કાર વડે તેમનું સન્માન કર્યું હતું. વળી અમદાવાદની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન તથા અમેરિકામાં ન્યૂયૉર્ક નગરની રોડ (Rhode) આયલૅન્ડ સ્કૂલ ઑવ્ ડિઝાઇન ખાતે પણ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે.
આદિવાસી જીવનનાં અનેક પાસાંઓની દસ્તાવેજ-નોંધ કરવા માટે હકુભાઈએ સુંદર ફોટોગ્રાફી પણ કરી છે અને તેનાં પ્રદર્શનો પણ દેશવિદેશમાં યોજાયાં છે. અનેક પુસ્તકો અને સામયિકોમાં તેમનાં લખાણો છપાયાં છે. અનેક લેખો, વ્યાખ્યાનો અને નિબંધો દ્વારા તેમણે આદિવાસી સમાજનાં જીવન અને કલા અંગે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવી છે. આ જ વિષયો ઉપર તેમણે પુસ્તકો પણ લખ્યાં છે.
1. કોમ્યૂનિટિ એન્સેસ્ટર વર્શિપ
2. રૂરલ ક્રાફ્ટસ્મૅન ઍન્ડ ધેર વર્ક (ડૉ. ઇ. ફિશરના સહયોગમાં)
3. મોગરા દેવ
4. વનેરા ને ખાંલા
5. ફોક મિથ ઍન્ડ ટ્રાઇબલ મૅજિક
6. વોટિવ ટેરાકોટાઝ ઑવ્ ગુજરાત
7. ફૉર્મ ઍન્ડ મૅનલી ફોર્સ ઑવ્ મધર ક્લે
8. ચંપા
9. મેમૉરિયલ્સ ફૉર ધ ડેડ (ડૉ. ઇ. ફિશરના સહયોગમાં)
10. ક્રૉકોડાઇલ ગૉડ્સ
નીચે મુજબની સંસ્થાઓમાં હકુભાઈએ માનાર્હ સભ્ય તરીકે સેવાઓ આપી છે :
1. વર્લ્ડ ફોક આર્ટ મ્યુઝિયમ. સાન ડિયાગો
2. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદ
3. વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદેપુર
4. લલિતકલા અકાદમી, ગુજરાત
5. નૅશનલ મ્યુઝિયમ, દિલ્હી
6. નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, દિલ્હી
7. સ્ટિયરિંગ કમિટિ ફૉર કલ્ચરલ પ્લાનિંગ કમિશન, ભારત સરકાર
8. ભારત કલાભવન, ભોપાલ
હકુભાઈએ આદિવાસી જીવન ઉપર બે દસ્તાવેજી ફિલ્મો પણ ઉતારી છે અને આદિવાસી જીવન અને કલા અંગે તેમણે અમેરિકા ઉપરાંત મેક્સિકો, જાપાન, હોલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં વ્યાખ્યાનો આપ્યાં છે. તાજેતરમાં હકુભાઈ વિશે ‘ઇન્વિઝિબલ ઑર્ડર : એ ટ્રિબ્યૂટ ટુ હકુ શાહ’ નામનું એક પુસ્તક લખાયું છે. તેમાં તેમના બહુમુખી વ્યક્તિત્વ ઉપર પુપુલ જયકર, એચ. વાય શારદાપ્રસાદ, મુલ્કરાજ આનંદ, સ્ટેલા ક્રૅમ્રીશ, નારાયણ દેસાઈ, ચાર્લ્સ કોરિયા, બાલકૃષ્ણ દોશી, શંખો ચૌધરી, અનીસ જંગ, કે. જી. સુબ્રમણ્યન, ઇ. અલ્કાઝી, જ્યોતિ ભટ્ટ, રતન પારિમુ, માઇકલ મેઇસ્ટર, નિયતિ શિંદે, કપિલા વાત્સ્યાયન અને રમેશ મંગુલાલ પંડ્યાએ સારો પ્રકાશ પાડ્યો છે.
શાલેય અભ્યાસ દરમિયાન હકુભાઈએ પાડેલી કાંતવાની ટેવ તેમણે દસકાઓ સુધી સાચવી રાખેલી. પહેલેથી જ એ ખાદીનાં વસ્ત્રો પહેરે છે. વડોદરામાં ફાઇન આર્ટ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એ કે. જી. સુબ્રમણ્યન સાથે વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞ અંગે ચર્ચાઓમાં મશગૂલ રહેતા. મૂળમાં હર્ષદ નામ પામેલા હકુભાઈએ પોતે જ પોતાના નામને ટૂંકાવી દઈને ‘હકુ’ કરી નાખ્યું છે. એ હસતાં હસતાં કહે છેય ખરા : ‘હું ઠીંગુજી ખરોને એટલે જ !’ શારીરિક કદમાં વામન હકુભાઈ તેમની સિદ્ધિઓથી આદિવાસી ગરિમાના ઉદ્ધારક સાચા કલાકાર બની રહ્યા છે.
અમિતાભ મડિયા