શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના વિષયો સાથે પ્રથમ નંબરે બી.એસસી. (ઑનર્સ) થયા.
ત્યારબાદ દિલ્હી ક્લૉથ મિલ્સ લિમિટેડમાં ઊંચા પગારથી કેમિકલ એન્જિનિયર તરીકે જોડાયા હતા; પરંતુ 1942ની આઝાદીની ચળવળ શરૂ થતાં જ રાજીનામું આપી લડતમાં ઝંપલાવ્યું. ભૂગર્ભવાસ દરમિયાન અરુણા અસફઅલી, હેમવતીનંદન બહુગુણા, બી. વી. કેસકર વગેરે સાથે મળીને દિલ્હીમાં સરઘસો, હડતાળો, શાહેદરા સ્ટેશનની લૂંટ, ફ્રન્ટિયર મેલની રેલપટ્ટીઓ કાઢી નાખવી, વિદેશી ચલણનો નાશ કરવો, કોનાટ સરકસમાં બૉંબ ફોડવા, બ્રિટિશ શાસનને વખોડતી પત્રિકાઓ વહેંચવી, લાલ કિલ્લામાંથી રાઇફલો લૂંટવી વગેરે આંદોલનોનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેઓ એમ. એમ. શાહ તરીકે ઓળખાતા અને દાઢી તથા ફ્રેન્ચ ટોપી રાખતા હોવાથી અંગ્રેજ સરકાર તેમને મુસલમાન માનીને તેમની નિષ્ફળ શોધ કરતા હતા; પરંતુ પછીથી સાથીદાર ફૂટી જવાથી જાન્યુઆરી 1943માં તેમની ધરપકડ કરી તેમને લાલ કિલ્લામાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. તેઓ પોતાને થયેલી અઢી વર્ષની સજા લાહોર અને ફીરોઝપુર જેલમાં ભોગવતા હતા તે દરમિયાન 1945માં તેમને જેલવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા.
દિલ્હી ક્લૉથ મિલ્સના માલિક લાલા શ્રીરામે તેમની તુરત જ સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. 1948માં વિવિધ રાજ્યોનું વિલીનીકરણ કરી સ્થપાયેલ સૌરાષ્ટ્ર રાજ્યની સરકારમાં જોડાવા માટે છૂટા કરવાની સરદાર પટેલની ઇચ્છાને માન આપી લાલા શ્રીરામે તેમને મુક્ત કર્યા હતા. તેમની નિમણૂક સૌરાષ્ટ્ર સરકારમાં ઉદ્યોગ અને આયોજન પ્રધાન તરીકે કરવામાં આવી હતી. પાછળથી તેમણે ખેતી અને નાણાખાતું પણ સંભાળ્યું હતું.
સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્યોના નિમ્નતમ વિકાસને ધ્યાનમાં રાખીને તેમણે ગ્રીડોના થાંભલા દ્વારા વીજકરણ, સિમેન્ટના પાકા રસ્તાઓ અને પાણીના બંધો બંધાવી સૌરાષ્ટ્ર રાજ્યનું એકીકરણ કરવાનો પાયો નાખ્યો હતો. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જમીન, કારખાનું, વીજળી, પાણી વગેરે આંતરમાળખાકીય સવલતો એક જ સ્થળે મળી શકે તે માટે રાજકોટમાં ભક્તિનગરમાં ભારતની પ્રથમ ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં પણ ઔદ્યોગિક વસાહતો શરૂ કરવામાં આવી હતી. અમેરિકન સરકાર સાથે સહકાર સાધી ભારતનું પ્રથમ અમેરિકન ટૅકનિકલ કૉર્પોરેશન મિશન (TCM) રાજકોટમાં સ્થાપવામાં તેમણે અગ્રભાગ લીધો હતો.
1956માં સૌરાષ્ટ્ર રાજ્યનું બૃહદ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં પંડિત જવાહરલાલ નહેરુએ કેન્દ્ર સરકારમાં તેમની નિમણૂક વાણિજ્ય-ઉદ્યોગ ખાતાના રાજ્યપ્રધાન તરીકે કરી હતી. ઔદ્યોગિક વિકાસમાં પાયારૂપ ગણાતા લોખંડનું ઉત્પાદન કરતાં કારખાનાં સ્થાપવા બાબતે પશ્ચિમના દેશોએ આડોડાઈ કરતાં તેમણે રશિયાના સહયોગથી મધ્યપ્રદેશમાં ભિલાઈ ખાતે લોખંડનું કારખાનું સ્થાપવાનું આયોજન કર્યું. ભારત સાથે વ્યાપાર કરવાની તક જતી રહેશે તે આશંકાથી પ્રથમ તો જર્મનીની ક્રપ અને દિમાગ કંપનીઓના તકનીકી સહયોગથી ઓરિસામાં રૂરકેલા ખાતે લોખંડનું કારખાનું સ્થાપવાની શરૂઆત થઈ. ત્યારબાદ બ્રિટિશ કૉર્પોરેટ કન્સૉર્ટિયમના સહકારથી પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરમાં લોખંડનું કારખાનું સ્થાપવામાં તેમણે અગ્રફાળો આપ્યો હતો. બૅંગાલુરુમાં રશિયાના તકનીકી સહયોગથી તેમણે હિન્દુસ્તાન હેવી મશીન ટૂલ્સનું કારખાનું શરૂ કરાવ્યું હતું.
તે સમયે ભારત વિદેશી હૂંડિયામણની તીવ્ર તંગી અનુભવતું હતું. મનુભાઈના પ્રયત્નોને પરિણામે રશિયાએ ભારત સાથે ભારતીય ચલણમાં વ્યાપાર કરવાની પદ્ધતિનો સ્વીકાર કર્યો હતો; જેને પરિણામે ભારતના ઉદ્યોગો માટે ભારે યંત્રસામગ્રીની તેમજ લશ્કર માટેનાં સાધનોની સરળતાથી આયાત શક્ય બની હતી. ભારતીય નિકાસકારો માટે નિકાસનું એક વિશાળ બજાર ઉપલબ્ધ થયું હતું. નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમણે વિવિધ વસ્તુઓ(રંગ, રસાયણો, દવાઓ, કાપડ, શણ, કાથી, ચર્મ વગેરે)ને માટે નિકાસપ્રોત્સાહન કાઉન્સિલો(Export Promotion Councils)ની જે તે ઉદ્યોગોના સહકારથી સ્થાપના કરી હતી. વળી તેમને પ્રોત્સાહન માટે વિવિધ સવલતો અને સહાય પૂરી પાડવાનું આયોજન પણ કર્યું હતું. ભારતનાં વિવિધ રાજ્યોમાં 400થી વધુ ઔદ્યોગિક વસાહતો સ્થપાવવામાં તેમણે સક્રિય રસ લીધો હતો. પેટ્રોલિયમમાંથી બનતી વસ્તુઓ પરની વિકસિત દેશોની પકડમાંથી મુક્ત થવા માટે રશિયાના સહકારથી ભારતમાં રિફાઇનરીઓ સ્થાપવા માટેનું આયોજન કર્યું હતું. તેમણે વિદેશી કંપનીઓને દેશમાં ખનિજ તેલ શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવાની ફરજ પાડી હતી. 1956થી 1967 દરમિયાન તેમણે પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીની સરકારોમાં ઉદ્યોગ, વ્યાપાર, ખનિજ વગેરે ખાતાંઓના પ્રધાન તરીકે સેવાઓ આપી હતી. 1967થી 1973 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.
1968માં તેમની નિમણૂક ગુજરાત સરકારના ગુજરાત મૂડીરોકાણ નિગમ લિમિટેડ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડના ચૅરમૅન તરીકે થઈ હતી. તેમના વિશાળ અનુભવનો લાભ તેમણે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કરી ઉદ્યોગોને સઘળી આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવા માટે રાજ્યભરમાં ઔદ્યોગિક વસાહતો(મકરપુરા, અંકલેશ્વર, વાપી વગેરે)ની સ્થાપના કરાવી હતી. ઔદ્યોગિકીકરણને વેગ આપવા લાયકાત ધરાવતા અનુભવી તજ્જ્ઞોને સ્વતંત્ર ઉદ્યોગો સ્થાપવા માટે વિશ્વભરમાં પ્રથમ એવી 100 % નાણાકીય સહાયની યોજના હેઠળ 1,200 ઉદ્યોગ સાહસિકો પાસે કારખાનાં સ્થપાવવામાં સક્રિય રસ લીધો હતો. આ કાર્યોએ ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી બીજાં રાજ્યોમાંથી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઉદ્યોગો નાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા; જેને પરિણામે રસાયણ તથા દવા ઉત્પાદન કરવાનાં ક્ષેત્રોમાં ગુજરાતને અગ્રસ્થાન પ્રાપ્ત થયું હતું.
ઉદ્યોગ-સાહસિકોને ઉદ્યોગો સફળતાથી ચલાવવા માટેનું શિક્ષણ આપવા ઉદ્યોગ-સાહસિક શિક્ષણ યોજનાનું આયોજન કર્યું હતું. તેને પરિણામે રાજ્યના વિવિધ નિગમોએ એકત્ર થઈ ઉદ્યોગ-સાહસિક શિક્ષણ યોજનાઓ શરૂ કરી હતી. હાલમાં ગાંધીનગર પાસે આવેલ ભાટ ગામમાં ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થાન (Entrepreneurship Development Institute – EDI) ભારત તેમજ વિદેશના ઉદ્યોગ- સાહસિકોને વ્યવસ્થિત શિક્ષણ પૂરું પાડે છે.
તેમને વાંચન તેમજ લેખનનો શોખ હતો. તેમણે વિવિધ દૈનિકો તેમજ સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો પ્રકાશિત કર્યા હતા. તેમણે કાપડ-ઉદ્યોગ કમિશન તેમજ ભારતીય બૅન્કિંગ કમિશનના ચૅરમૅન તરીકે સેવાઓ આપી હતી. તેમનાં પત્ની વિદ્યાબહેન જાણીતાં સમાજસેવિકા છે અને દિલ્હીમાં તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે.
જિગીશ દેરાસરી