શાહ, નસીરુદ્દીન (જ. 20 જુલાઈ 1950, અજમેર, રાજસ્થાન) : ભારતીય ચલચિત્રોના અભિનેતા. કળા અને વ્યાવસાયિક બંને પ્રકારનાં ચિત્રોમાં વ્યસ્તતા છતાં રંગમંચ પર પણ પૂરતો સમય ફાળવનાર નસીરુદ્દીન શાહ જે પાત્ર ભજવે તેમાં એકાકાર થઈ જવા માટે જાણીતા છે. પિતા ઉચ્ચ સરકારી અધિકારી હતા. નસીરનું બાળપણ બારાબંકીમાં અને કિશોરાવસ્થા નૈનીતાલમાં વીત્યાં. ત્યાંની ખ્યાતનામ અંગ્રેજી શાળા સેન્ટ જૉસેફમાં તેમણે શિક્ષણ લીધું હતું.
નાટકોમાં અભિનય કરવાનો શોખ ત્યાંથી જ જાગ્યો હતો. અજમેરની સેન્ટ એગ્નીઝ શાળામાં આ શોખ વધુ પોસાયો. વિદેશી ચલચિત્રો જોઈને ચિત્રોમાં અભિનેતા બનવાનું આકર્ષણ જાગતાં માત્ર 18 વર્ષની વયે તેઓ અજમેરથી મુંબઈ આવી ગયા હતા. સામાન્ય ચહેરોમહોરો ધરાવતા નાસીરને પહેલાં તો માત્ર લાંબો સંઘર્ષ કરવાનો જ વારો આવ્યો હતો. માતા-પિતા સમજાવીને ઘેર પાછા લઈ આવ્યા અને પહેલાં સ્નાતક થઈ જવાનું કહ્યું. એ માટે અલીગઢ ગયા. ત્યાં નાટ્યકાર ઝાહિદા જૈદીના સંપર્કમાં આવતાં અભિનયની બારીકીઓ શીખવા મળી. પછી અભિનયની વ્યવસ્થિત તાલીમ માટે દિલ્હીમાં નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા(NSD)માં જોડાયા.
એ દિવસોમાં તેઓ માત્ર અંગ્રેજી નાટકોમાં જ કામ કરતા હતા. ત્યાંથી અભિનયની વધુ તાલીમ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. ત્યાં ટૉમ ઑલ્ટર તથા બેન્જામિન ગિલાની સાથે મિત્રતા થતાં ત્રણેએ 1973માં ‘ઓટલે’ નામની એક નાટ્યસંસ્થાની સ્થાપના કરી. પુણેની તાલીમ પૂરી કરી મુંબઈ આવી ચલચિત્રોમાં કામ મેળવવાના પ્રયાસ દરમિયાન નાટકો ભજવવાનું ચાલુ રાખ્યું. અહીં તેમની મુલાકાત અભિનેત્રી રત્ના પાઠક સાથે થઈ. રત્ના પણ તેમની મંડળીમાં જોડાયાં. સમય જતાં નસીરનાં તેઓ જીવનસાથી બની ગયાં.
શ્યામ બેનેગલે જ્યારે ચિત્ર ‘નિશાંત’નું નિર્માણ હાથ ધર્યું ત્યારે નસીરને તેમણે પહેલી વાર તક આપી હતી. એ પછી તો થોડાં વર્ષો માત્ર શ્યામ બેનેગલનાં જ ચિત્રો ‘ભૂમિકા’, ‘મંથન’, ‘જુનૂન’ તથા અન્ય સર્જકોનાં ‘ગોધૂલી’, ‘આક્રોશ’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’ જેવાં બીજાં કેટલાંક કલાચિત્રોમાં જ તેમને કામ મળતું રહ્યું, પણ તેને કારણે આર્થિક સ્થિરતા ન આવતાં તેમણે માત્ર કલાચિત્રોના મર્યાદિત ચોકઠામાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો અને તેમાં સફળતા પણ મળી. આવી પહેલી સફળતા અપાવનાર ચિત્ર હતું ‘ત્રિદેવ’. આ ચિત્રમાં પડદા પર તેમણે ગાયેલું ગીત ‘ઓયે ઓયે…’ ખૂબ લોકપ્રિય થયું અને તે સાથે વ્યાવસાયિક ચિત્રોના દરવાજા પણ તેમના માટે ખૂલી ગયા. ચલચિત્રોમાંની વ્યસ્તતા છતાં તેમણે નાટકોમાં કામ કરવાનું આજદિન સુધી ચાલુ રાખ્યું છે અને એ રીતે રંગમંચ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેઓ નિભાવતા રહ્યા છે.
1977માં તેમને ‘મંથન’ માટે અને 1980માં ‘આક્રોશ’ માટે ફિલ્મફેરનો સ્પેશિયલ ઍવૉર્ડ મળ્યો હતો. એક અંધશાળાના અંધ આચાર્યની ભૂમિકા તેમણે ‘સ્પર્શ’માં ભજવી હતી. એ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું. 1981માં ‘ચક્ર’માં તેમને ઝૂંપડપટ્ટીમાં રહેતા આવારા અને ગુંડા યુવાનની ભૂમિકા માટે અને 1983માં ‘માસૂમ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. 1985માં ગૌતમ ઘોષ-દિગ્દર્શિત ચિત્ર ‘પાર’માં તેમના અભિનયની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. એ વર્ષે વેનિસ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં તેમને ઉત્કૃષ્ટ અભિનય માટે ઍવૉર્ડ અપાયો હતો. હિંદી ચલચિત્રો ઉપરાંત નસીરે ‘ભવની ભવાઈ’ ગુજરાતી ચિત્ર, ‘પ્રતિદાન’ (બંગાળી) અને ‘ગોધૂલી’ (કન્નડ સંસ્કરણ) તથા હોલિવુડના ‘ધ લીગ ઑવ્ એક્સ્ટ્રા ઑર્ડિનરી જેન્ટલમૅન’ ચલચિત્રોમાં પણ કામ કર્યું છે. ટી.વી. સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’માં પણ તેમનો અભિનય ખૂબ નોંધપાત્ર રહ્યો હતો.
નોંધપાત્ર ચિત્રો : ‘નિશાંત’ (1975); ‘મંથન’ (1976); ‘ભૂમિકા’ (1977); ‘જુનૂન’ (1978); ‘ભવની ભવાઈ’ (1980); ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ ?’, ‘આક્રોશ’, ‘સ્પર્શ’, ‘હમ પાંચ’ (1980); ‘ઉમરાવજાન’, ‘ચક્ર’ (1981); ‘બાઝાર’, ‘આધારશિલા’ (1982); ‘માસૂમ’, ‘મંડી’, ‘કથા’, ‘અર્ધ સત્ય’, ‘જાને ભી દો યારોં’ (1983); ‘પાર્ટી’, ‘પાર’, ‘મોહન જોશી હાજિર હો’, ‘હોલી’, ‘ખંડહર’ (1984); ‘મિર્ચ મસાલા’, ‘ત્રિકાલ’ (1985); ‘એક પલ’, ‘જિનેસિસ’, ‘કર્મા’ (1986); ‘યે વોહ મંઝિલ તો નહીં’, ‘જલવા’, ‘ઇઝાઝત’ (1987); ‘પેસ્તનજી’, ‘લિબાસ’, ‘ધ પરફેક્ટ મર્ડર’, ‘હીરો હીરાલાલ’ (1988); ‘ત્રિદેવ’ (1989); ‘સર’ (1993); ‘દ્રોહકાલ’, ‘મોહરા’ (1994); ‘ચાઇના ગેટ’, ‘બૉમ્બે બૉઇઝ’ (1998); ‘સરફરોશ’ (1999); ‘મોન્સૂન વેડિંગ’ (2001); ‘તીન દીવારેં’, ‘ધ લીગ ઑવ્ એક્સ્ટ્રા ઑર્ડિનરી જેન્ટલમૅન’ અને ‘મકબૂલ’ (2003).
હરસુખ થાનકી