શાસ્ત્રી, રવિ જયદીપ (જ. 27 મે 1962, મુંબઈ) : મુંબઈના ભૂતપૂર્વ ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટ ઑલરાઉન્ડર અને વર્તમાન વિશ્વવિખ્યાત તથા લોકપ્રિય ટીવી કૉમેન્ટેટર.
1979માં મુંબઈ તરફથી ‘લેગસ્પિન’ બૉલર તરીકે પ્રથમ કક્ષાની ક્રિકેટ-કારકિર્દી શરૂ કરનારા રવિ શાસ્ત્રીની ક્રિકેટ-કારકિર્દીમાં 1981ના વર્ષે અણધાર્યો વળાંક આવ્યો અને તેનું નસીબ ઝળકી ગયું !
1980-81માં સુનીલ ગાવસ્કરના નેતૃત્વ હેઠળ ભારતના ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-પ્રવાસો દરમિયાન, ન્યૂઝીલૅન્ડમાં વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટના પ્રારંભ પૂર્વે જ ભારતના બે સ્પિનરો બીમાર પડી જતાં, કપ્તાન સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ બૉર્ડને સંદેશો મોકલી તત્કાળ રવિ શાસ્ત્રીને ન્યૂઝીલૅન્ડ રવાના કરવા જણાવ્યું અને રવિ શાસ્ત્રી ભારતમાં રણજી ટ્રૉફીની તેની ચાલુ ક્રિકેટ-મૅચ છોડીને ન્યૂઝીલૅન્ડ રવાના થયો.
વેલિંગ્ટન ખાતે 21મી ફેબ્રુઆરી, 1981ના રોજ ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમમાં ટેસ્ટ-પદાર્પણ કર્યું, અને ટેસ્ટ-પ્રવેશે જ તેણે પોતાનું બૉલિંગ કૌવત ઝળકાવતાં, પ્રવાસના થાકને ભૂલી જઈ, બંને દાવમાં ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી. રવિ શાસ્ત્રી પ્રથમ ટેસ્ટમાં જ 63 રનમાં 6 વિકેટો ઝડપી ઝળકી ગયો. બીજા દાવમાં તેણે 4 દડામાં જ 3 વિકેટો ઝડપી તરખાટ મચાવી દીધો હતો. રવિ શાસ્ત્રી રાતોરાત ક્રિકેટજગતમાં ચમકી ગયો અને ભારતીય ક્રિકેટ ટીમમાં તેણે પોતાનું સ્થાન કાયમી કરી લીધું.
1982-83ના પાકિસ્તાન પ્રવાસમાં રવિ શાસ્ત્રીએ પોતાનું બૅટિંગ કૌવત પણ ઝળકાવ્યું. કરાંચી ખાતે પાકિસ્તાન સામેની છઠ્ઠી ટેસ્ટમાં રવિ શાસ્ત્રીએ પોતાની ટેસ્ટ-કારકિર્દીની પ્રથમ સદી ફટકારતાં શાનદાર 128 રન નોંધાવ્યા. ત્યારબાદ, 1982-83ના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં સેંટ જ્હૉન્સ ખાતે પાંચમી ટેસ્ટમાં તેણે ફરી બૅટિંગ કૌવત ઝળકાવતાં પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી 107 રન નોંધાવ્યા હતા.
રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટમાં ઑલ રાઉન્ડર તરીકે ખ્યાત બની ગયો. પછીથી તો તે ભારતીય ક્રિકેટ ટીમનો ઉપકપ્તાન પણ બન્યો. ભારતીય ક્રિકેટ બૉર્ડે રવિ શાસ્ત્રીમાં કુશળ કપ્તાન બનવાના ગુણ પારખીને તેને શરૂઆતથી જ યુવા ક્રિકેટ ટીમોનું નેતૃત્વ સોંપવાની શરૂઆત કરી હતી. 1980-81 શ્રીલંકા અંડર-19 ક્રિકેટ ટીમ સામે તેણે ભારત અંડર-19 ટીમનું કપ્તાનપદ સંભાળ્યું હતું. ત્યારબાદ 1984માં પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે અમદાવાદમાં મોટેરા ખાતે રમાયેલી મૅચમાં તેણે ભારત અંડર-25 ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું.
1987-88માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરઆંગણેની ટેસ્ટશ્રેણીમાં ભારતનો કપ્તાન દિલીપ વેંગસકર ઈજાગ્રસ્ત થતાં ચેન્નાઈ ખાતે રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ચોથી ટેસ્ટમાં રવિ શાસ્ત્રીએ ભારતનું કાર્યકારી કપ્તાનપદ સંભાળતાં ટેસ્ટ-પ્રવેશક સ્પિનર નરેન્દ્ર હિરવાણી અને વિકેટ-કીપર કિરણ મોરેની જુગલબંદીની સહાયથી શાનદાર ટેસ્ટવિજય મેળવ્યો હતો.
1991-92નો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ અને વિશ્વકપ ક્રિકેટ-સ્પર્ધા રવિ શાસ્ત્રી માટે નિરાશાજનક પુરવાર થયાં. જોકે સિડની ખાતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં શાસ્ત્રીએ ધીમી બૅટિંગ કરીને પણ શાનદાર બેવડી સદી ફટકારતાં 206 રન નોંધાવ્યા હતા. વિશ્વકપ ક્રિકેટ દરમિયાન તો તેની ધીમી કંટાળાજનક બૅટિંગથી ભારતીય પ્રેક્ષકો ભારે નારાજ-નિરાશ થઈ ગયા હતા. શાસ્ત્રી માટે ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત થયો. 1992-93નો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ રવિ શાસ્ત્રી માટે ટેસ્ટ-કારકિર્દીનો અંત બની ગયો. પછીથી તેની ભારતીય ટીમમાં પસંદગી ન થઈ.
વન-ડે ક્રિકેટમાંયે તેનો પ્રારંભે શાનદાર દેખાવ રહ્યો હતો. 1985માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી ‘બેન્સન-હેજીસ વિશ્વશ્રેણી’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિ શાસ્ત્રી બૅટિંગ-બૉલિંગમાં ઝળક્યો અને ટુર્નામેન્ટના અંતે તેને ‘ચૅમ્પિયન ઑવ્ ચૅમ્પિયન’ જાહેર થયો હતો. તેણે ઇનામમાં ‘ઑડી’ કાર મેળવી હતી.
રણજી ટ્રૉફીમાં રવિ શાસ્ત્રીની એક સિદ્ધિ યાદગાર બની હતી. 1985માં મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ તરફથી વડોદરા સામે રમતાં, વડોદરાના લેફ્ટ આર્મ સ્પિનર તિલકરાજની એક છ દડાની ઓવરમાં દરેક દડામાં તેણે ‘સિક્સર’ ફટકારવાનો વિક્રમ નોંધાવીને સર ગેરી સૉબર્સની એવી સિદ્ધિની બરાબરી કરી હતી. વડોદરા સામેની એ રણજી મૅચમાં રવિ શાસ્ત્રીએ 123 દડામાં 13 છગ્ગા સાથે અણનમ 200 રન નોંધાવીને રણજી ક્રિકેટના ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો હતો.
રવિ શાસ્ત્રીએ 80 ટેસ્ટમૅચોના 121 દાવમાં 14 વાર અણનમ રહીને 35.79ની સરેરાશથી કુલ 3,830 રન નોંધાવ્યા હતા; જેમાં 11 સદીઓ (સર્વોચ્ચ 206), 12 અર્ધસદીઓનો સમાવેશ થતો હતો. 40.96ની બૉલિંગ-સરેરાશથી તેણે 151 વિકેટો ઝડપી હતી, 36 કૅચ કર્યા હતા.
વન-ડે ક્રિકેટમાં તેણે 150 મૅચોના 128 દાવમાં 21 વાર અણનમ રહીને 4 સદીઓ, 18 અર્ધસદીઓ સાથે કુલ 3,106 રન (સરેરાશ 29.5) નોંધાવ્યા હતા અને 36.05ની સરેરાશથી કુલ 129 વિકેટો ઝડપી હતી. 15 રનમાં 5 વિકેટોનો તેનો સર્વોત્તમ બૉલિંગ દેખાવ હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, 1993થી રવિ શાસ્ત્રી ઇએસપીએન અને સ્ટાર સ્પૉર્ટ્સ – આ ટીવી ચૅનલો પર ક્રિકેટ કૉમેન્ટરી આપી રહ્યો છે. આજે વિશ્વના શ્રેષ્ઠ ટીવી-કૉમેન્ટેટરોમાં રવિ શાસ્ત્રીની ગણના થાય છે.
1986માં, ભારત સરકાર દ્વારા અર્જુન ઍવૉર્ડથી રવિ શાસ્ત્રીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
જગદીશ બિનીવાલે