શંભુ મહારાજ (. 1904; . 4 નવેમ્બર 1970) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના વિખ્યાત નૃત્યકાર. પિતાનું નામ કાલકાપ્રસાદ. શંભુ મહારાજ તેમના સૌથી નાના પુત્ર હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી; પણ કાકા બિંદાદીન મહારાજ(1829-1915)નું ખૂબ હેત મળ્યું. આઠ-દસ વર્ષના થયા ત્યાં બિંદાદીન મહારાજનો પણ સ્વર્ગવાસ થયો. પણ પિતાતુલ્ય કાકાએ બાળક શંભુનો હાથ સૌથી મોટાભાઈ અચ્છન મહારાજના હાથમાં મૂક્યો અને વચન લીધું કે તેને પોતાના દીકરા-ભાઈની જેમ ઉછેરવો અને સંપૂર્ણ કલાવારસો આપી સાચો શિષ્ય બનાવવો. અચ્છન, લચ્છુ (1901-1978) અને શંભુ એમ ત્રણેય ભાઈઓ રાજદરબારમાં સાથે નૃત્ય કરતા.

શંભુ મહારાજ

નૃત્ય ઉપરાંત સંગીતની ખયાલ ગાયકીની શિક્ષા તેમણે ઉસ્તાદ મિયાં જાન (પંજાબવાલે) ઉસ્તાદ અમીરખાં (પટિયાલા), રામપુરના ઉસ્તાદ મુસ્તાક હુસેન પાસે લીધી હતી તથા ઠૂમરીની તાલીમ ફૈઝાબાદમાં દોઢ વર્ષ રહી આઇઉદ્દીનખાંના નાના ભાઈ રહીમઉદ્દીનખાં પાસે લીધી. 1947થી ઑલ ઇંડિયા રેડિયો – લખનૌ પર શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આપતા. ઠૂમરી ગાવા ઉપરાંત તેના બોલ તેઓ પોતે લખતા અને ધૂન બનાવી-સંગીતમાં ધૂન બેસાડી મોહક અભિનય કરતા. તેમના ઠૂમરી-સાહિત્યમાં ઉર્દૂ શબ્દોનો ઉપયોગ વધુ રહેતો, જ્યારે બિંદાદીન મહારાજની બંદીશોમાં વ્રજભાષાનો પ્રયોગ વધારે થતો. આનું મુખ્ય કારણ એ હતું કે શંભુ મહારાજના સંગીત તેમજ સાહિત્યના ગુરુઓ મુસલમાન ધર્મના અનુયાયીઓ હતા.

સંગીતકાર અને નર્તક ઉપરાંત તેઓ અચ્છા તબલાવાદક પણ હતા. દેશના લગભગ દરેક રજવાડામાં તેમણે નૃત્ય કર્યું હતું. તેઓ જે સંગીત-સંમેલનમાં ગયા ત્યાં તેમને ‘અભિનયભારતી’, ‘નૃત્યસમ્રાટ’, ‘નૃત્ય-અવતાર’ જેવી ઉપાધિઓ મળી. કેન્દ્રીય સંગીત-નાટક-અકાદમીના સ્થાપનાવર્ષ 1953માં તેમને તે સંસ્થાનો પુરસ્કાર મળ્યો. ત્યારબાદ ભારત સરકાર તરફથી 1958માં ‘પદ્મશ્રી’નું બિરુદ મળ્યું. શરૂઆતનાં વર્ષોમાં રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી-લખનૌ ખાતે કથક શીખવતા, પણ દિલ્હી ખાતે ભારતીય કલાકેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી દિલ્હી આવી વસ્યા અને તેમની કળા અને કથકની તાલીમ દ્વારા ગણમાન્ય શિષ્યગણ ઊભો કરી દેશભરમાં કથકને જનમાન્યતા અપાવી. ઓગણીસમી સદીના પાંચમા દાયકાનાં છેલ્લાં વર્ષોમાં મ્યૂઝિક કૉન્ફરન્સમાં પણ તેઓ નૃત્ય કરતા. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને નૃત્ય વિશે સમજ આપવાનો શિરસ્તો ભારતમાં તેમણે શરૂ કર્યો. અચ્છન, લચ્છુ અને શંભુ આ ત્રણે ભાઈઓ હોવા છતાં ત્રણેયની નૃત્યશૈલી જુદી જુદી હતી. શંભુ મહારાજનો હસ્તઅભિનય વધુ વખણાતો. વાજિદ અલીશાહની છેલ્લી ઠૂમરી ‘બાબૂલ મોરા નૈહર છૂટો હી જાય’ પોતે  ગાઈને રજૂ કરતા. કાકા બિંદાદીન મહારાજની કૃતિ ‘કૌન ગલી ગયો શામ’ મદ્રાસ(હવે ચેન્નાઈ)ની મ્યૂઝિક અકાદમીમાં રજૂ કરી ત્યારે દક્ષિણ ભારતની અભિનયસમ્રાજ્ઞી બાલા-સરસ્વતીએ મુક્ત સ્વરે વખાણ કર્યાં અને જી. એન. બાલ સુબ્રમણ્યમે તત્કાળ શંભુ મહારાજને ‘અભિનય ચક્રવર્તી’નો ખિતાબ આપ્યો. લચ્છુ મહારાજના કથકમાં નજાકત રહેતી, જ્યારે શંભુ મહારાજની પ્રસ્તુતિમાં પૌરુષત્વ અને તાંડવ તત્વને પ્રાધાન્ય મળતું. તેઓ માનતા કે રંગમંચ પર આવા નર્તક ઊભો રહી ‘થાટ’માં સ્થિર થાય તેમાં પણ નૃત્યનો લય પગથી માથા સુધી જાગ્રત થવો જોઈએ. અને તેઓ પોતે સ્વયં સંપૂર્ણ દક્ષતાથી તેમની દરેક રજૂઆતમાં નૃત્ય પ્રસ્તુત કરતા.

શંભુ મહારાજનો વિવાહ ઉત્તર પ્રદેશના ગ્રામીણ કથક પરિવારમાં થયો હતો. પાંચ સંતાનમાંથી પહેલાં બે, પુત્ર અને પુત્રીનું એકસાથે મૃત્યુ થવાથી તેઓ કાયમ વ્યથિત રહેતા અને તેમના ભાવપ્રદર્શનમાં કારુણ્ય અને કરુણરસ સહજ રીતે પ્રેક્ષકોને સ્પર્શી જતાં. અચ્છન મહારાજે તેમને કથક શીખવ્યું તેમ શંભુ મહારાજે તેમના ગુરુભાઈના દીકરા બિરજુ મહારાજને કથક શીખવ્યું. 1970માં તેમની અંતિમ ઘડી સુધી બિરજુ મહારાજને તેઓ કથકના ભાવનું રહસ્ય શીખવતા રહેલા.

પ્રકૃતિ કાશ્યપ