‘શરાર’, મૌલાના અબ્દુલ હલીમ (જ. 1860, લખનૌ; અ. 1926) : ઉર્દૂ લેખક. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા પાસે મુતિઆ બુર્જ ખાતે થયું. ત્યાં તેમના પિતા હકીમ તફઝ્ઝુલ હુસેન દેશનિકાલ કરાયેલ અવધના નવાબ વાજિદ અલી શાહની નોકરીમાં હતા. શાહજાદાઓની સોબતની વિનાશકારી અસરથી વંચિત રાખવા તેમના પિતાએ તેમને લખનૌ મોકલી દીધા. ત્યાં વિખ્યાત પંડિતો પાસે તેમણે ફારસી અને અરબી ભાષાનો અભ્યાસ કર્યો. દિલ્હી ગયા બાદ તેમણે દિલ્હીના શમ્સ-ઉલ-ઉલમા નાઝિર હુસેન મુહાદ્દિસ પાસે હદીસનો અભ્યાસ કર્યો તેમજ અંગ્રેજીનું થોડું જ્ઞાન મેળવ્યું. 1880માં નવલકિશોર પ્રેસમાંથી પ્રગટ કરાતા ઉર્દૂ માસિક ‘અવધ પંચ’માં તેઓ જોડાયા. 1882માં પોતાનું માસિક ‘મહાશર’ શરૂ કર્યું.
તેમણે 21 જેટલાં ચરિત્રો, 28 ઐતિહાસિક નવલકથાઓ, 14 ભાવનાપ્રધાન નવલકથાઓ, 15 ઇતિહાસ અંગેના ગ્રંથો, 6 કાવ્યસંગ્રહો અને નાટકો તેમજ જુદા જુદા વિષયો પર 18 ગ્રંથો આપ્યા છે. વીર-શૃંગાર માટેની મહત્વની કાચી સામગ્રી એકત્રિત કરવા તેમણે ઇતિહાસનો અભ્યાસ કર્યો. તેમણે ઇતિહાસના બે ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા : ‘તારીખ-એ-સિંધ’ (બે ગ્રંથો 1906, 1908; સિંધનો ઇતિહાસ) અને ‘અસ્ર-એ-કદિમ’ (1928).
તેમના સૌથી વધુ નોંધપાત્ર ગ્રંથો આ પ્રમાણે છે : ચરિત્રો : ‘અબુબકર શિબ્લી’, (1918); ‘જુનૈદ બગદાદી’ (1923); ઐતિહાસિક નવલકથાઓ : ‘ઐયામ-એ-અરબ’ (1921); ‘બાબક ખર્રામી’ (1918); નવલકથાઓ : ‘હુસ્ન કા ડાકૂ’ (1913); ‘ઘૈબદાન દુલ્હન’ (1911); નિબંધસંગ્રહ : ‘ગુઝસ્તા લખનઉ’ (1914-16); નાટક : ‘શહીદ-વફા’ (1930).
તેમના ઉત્તમ ગ્રંથોમાં નવલકથાઓ ‘ફિરદૌસ-એ-બારિન’, ‘મલિક-ઉલ-અઝિઝ-ઓ-વર્જાના’ (1988); ‘ફલોરા ફલોરિન્ડા’ (1897) અને ‘ફતેહ ઉન્દુલાસ’ અને ‘ઐયામ-એ-અરબ’(1921)નો તથા ઇતિહાસમાં ‘તારીખ-એ-સિંધ’ના બે ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દુર્ગેશનંદિની’નો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે.
આમ, તેમણે ઉર્દૂ સાહિત્યમાં ઘણાં લક્ષ્યો સિદ્ધ કર્યાં છે અને ખાસ કરીને નિબંધસંગ્રહો અને ઇતિહાસમાં તત્કાલીન લેખકોમાં અગ્રેસર તરીકે તેમનું નામ યાદગાર રહ્યું છે.
બળદેવભાઈ કનીજિયા