શયદા (. 24 ઑક્ટોબર 1892, પીપળી, ધંધૂકા તાલુકો; . 31 મે 1962, મુંબઈ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી. જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી. જન્મ એક ગરીબ ખેડૂત કુટુંબમાં. વતન ધોલેરા. પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. ‘શયદા’એ માત્ર ચાર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિયલોકાભિમુખ બનાવવામાં એમની મહત્વની ભૂમિકા છે. ‘બે ઘડી મોજ’ (1924) સામયિકના સ્થાપક-તંત્રી. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. વળી પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા. ‘જય ભારતી’ (1922), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (1961), ‘દીપકનાં ફૂલ’ (1965), ‘ચિતા’ (1968) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (1999)  એ તેમના કાવ્ય-ગઝલરચનાઓના ગ્રંથો છે. ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોનો મુખ્ય વિશેષ છે.

શયદા

‘મા તે મા’ (ભાગ 1-2), ‘અમીના’, ‘છેલ્લી રોશની’ (ભાગ 1-2), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ 1-2), ‘આઝાદીની શમા’ (ભાગ 1-2), ‘ખમ્મા ભાઈને’ (ભાગ 1-2), ‘દુખિયારી’ (ભાગ 1-2), ‘ચાંદની રાત’, ‘મુમતાઝ’, ‘સૌંદર્યપૂજા’, ‘નવો સંસાર’, ‘જમાનાની ઝલક’, ‘લયલા’, ‘ભરદરિયે’, ‘અંધારી રાત’ (ભાગ 12), ‘સેંથીમાં સિંદૂર’ (ભાગ 1-2), ‘અમાનત’ (ભાગ 1-2), ‘સાબીરા’ (ભાગ 1-2), ‘મોટી ભાભી’, ‘વણઝારી વાવ’, ‘વીરહાક’ (ભાગ 1-2),  ‘જ્યોતિ તોરણ’, ‘બેઠો બળવો’, ‘લક્ષ્મીનંદન’, ‘ડૉ. અનુપમ’, ‘શમશીરે અરબ’ (ભાગ 12), ‘પુનિત ગંગા’,  ‘લાખેણી લાજ’ (ભાગ 1-2), ‘જીવતા સૂર’, ‘નાની નણદી’, ‘આગ અને અજવાળાં’, ‘શાહજાદી કાશ્મીરા’, ‘રાજહંસ’ (ભાગ 1-2), ‘સૂરસમાધિ’ (ભાગ 1-2), ‘દેવ દુલારી’ (ભાગ 1-2),  ‘હમીદા’, ‘માયાનું મન’, ‘રાજેશ્વરી’, ‘રાજબા’, ‘અંધારી રાત’ (ભાગ 1-2), ‘અનવરી’, ‘માસૂમા’, ‘દોશીઝા’ વગેરે એમની નવલકથાઓ છે. ઉપરાંત એમનાં ‘અમરજ્યોત’ (1956) નાટક તથા ‘સંસારનૌકા’, ‘કર્મપ્રભાવ’, ‘વસંતવીણા’, ‘કુમળી કળી’, ‘નારીહૃદય’, ‘પૂજારી’ અને ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ વગેરે રંગભૂમિ પર ભજવાયેલાં નાટકો છે. ‘પાંખડીઓ’ (1938), ‘અમીઝરણાં’, ‘કેરીની મોસમ અને બીજી વાતો’ તથા ‘સંસારની શોભા’ એમના વાર્તાસંગ્રહો છે.

અમૃત ચૌધરી