શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ; વિવિધ ભારતીય યુનિવર્સિટીઓના બૉર્ડ ઑવ્ સ્ટડિઝના સભ્ય તથા કાશ્મીરની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહેલા.
તેમની માતૃભાષા કાશ્મીરી છે, છતાં તેમણે ઉર્દૂ ગ્રંથો પણ આપ્યા છે. તેમણે આશરે 20 ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં ‘હયાતન નબી’ (પવિત્ર સંતના જીવન અંગે ફારસી ગ્રંથનો અનુવાદ છે.); ‘હૈજ બાબા’ (1980) (‘હાજી બાબા ઑવ્ ઇસ્ફહાન’) ફારસી શિષ્ટમાન્ય ગ્રંથનો અનુવાદ છે. ઉર્દૂમાં : ‘શમ્સ ફકીર’ (1965)માં કાશ્મીરી સૂફી સંતનું જીવન અને ચૂંટેલાં કાવ્યો છે. ‘રસૂલ-ઇ-ખુદા’ (1980) ફારસીમાંથી અનૂદિત ગ્રંથ છે. ‘શાહ-ઇ-હમદાન’ (1995) વિવેચનાત્મક ચરિત્ર તથા ‘જામી ઍન્ડ હિઝ પોએટ્રી’ વિવેચન છે. તેમણે ફારસીમાંથી રામાયણને કાશ્મીરીમાં અનૂદિત કર્યું છે. તેમણે 14 જેટલાં ફારસી પાઠ્યપુસ્તકોનું સંપાદન કર્યું છે. તેમણે ઈરાન, તુર્કમેનિસ્તાન, અઝરબૈજાન, તજિકીસ્તાનમાંની યુનિવર્સિટીઓ તથા રશિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝની મુલાકાત લીધી છે. અમેરિકા અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ પણ તેમણે ખેડ્યો છે.
બળદેવભાઈ કનીજિયા