શબાબ લલિત (ભગવાનદાસ) [જ. 3 ઑગસ્ટ 1933, ખાનગઢ, જિ. મુઝફ્ફરગઢ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ કવિ. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ., ઉર્દૂમાં એમ.એ., પીએચ.ડી. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ પબ્લિસિટી ઑફિસર તરીકે સેવાનિવૃત્ત થયા પછી લેખનકાર્યમાં જોડાયા.
તેઓ અંજુમન તરક્કી-એ-ઉર્દૂ (હિંદ), હિમાચલ પ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી; બઝ્મ-એ-અદબ, હિમાચલના જનરલ સેક્રેટરી; શિક્ષણ અને સંસ્કૃતિ અને હિમાચલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ માટેના રાજ્ય સલાહકાર-બૉર્ડના સભ્ય; ‘જદીદ ફિક્રો-ફન’ના મહેમાન સંપાદક; ઉર્દૂ દૈનિક ‘વીર ભારત’, ઉર્દૂ માસિક ‘લહરે’ અને દૈનિક ‘હિમાચલ ટાઇમ્સ’ના સંપાદકમંડળમાં રહેલા.
તેમની માતૃભાષા સરાઇકી હોવા છતાં તેમણે ઉર્દૂ, હિંદી તથા પહરીમાં ગ્રંથો આપ્યા છે. તે પૈકી ઉર્દૂમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘મિઝરાબ’ (1961), ‘પતવાર’ (1964), ‘પુરવાઈ’ (1967), ‘સેહરા કી પ્યાસ’ (1973), ‘દરિયૉ કા સફર’ (1980), ‘સમુંદર પ્યાસા હૈ’ (1986), ‘અજનબી હવા’ (1996) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘મુનાવર લખનવી : એક મુતાલિયા’ (1996) તેમનો વિવેચનસંગ્રહ છે; હિંદીમાં ‘ધનક્ક મેરી ચેતના કી’, ‘અપની તલાશ મેં’ (1986), ‘તૈએતે પાષાણ’ તેમના કાવ્યસંગ્રહો છે. પહરીમાં : ‘ભાગ સુ દે નૌને’ (1978), ‘ગુજ્જી ચોટ’ (1989) કાવ્યસંગ્રહો છે. તેમણે આકાશવાણી, દૂરદર્શન, જલંદરના ગીત અને નાટ્યવિભાગ માટે સંગીતમય રૂપકો, ગીતો અને ગઝલોની રચના કરી હતી.
તેમને પંજાબ સરકારના ભાષા વિભાગ તરફથી ઍવૉર્ડ; ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી તથા હિમાચલ અકાદમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ લિટરેચર તરફથી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા