શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ અપાવ્યું હતું. આ ભાષાઓની જાણકારીને કારણે નાની ઉંમરે જ શાયરી તરફ તેમનો ઝુકાવ થઈ ગયો હતો. 1936માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થતાં જ આંતર કૉલેજ અને આંતર યુનિવર્સિટી મુશાયરાઓમાં તેમને પારિતોષિક મળવા માંડ્યાં હતાં. સ્નાતક થયા બાદ 1942માં તેઓ દિલ્હી ગયા. દરમિયાનમાં શાયર તરીકે તેઓ નામના મેળવી ચૂક્યા હતા.
બે વર્ષ બાદ 1944માં તેઓ મુંબઈ ગયા. તેમની ખ્યાતિ પહેલેથી જ અહીં પહોંચી ગઈ હોવાથી તેમને ચિત્રોમાં ગીતો લખવાનું કામ મેળવતાં જરાય મુશ્કેલી ન પડી. નિર્માતા-દિગ્દર્શક એ. આર. કારદાર અને સંગીતકાર નૌશાદ તેમના પ્રથમ સાથી બન્યા. પ્રથમ તેમણે ચિત્ર ‘દર્દ’ માટે ગીતો લખ્યાં. આ ચિત્રનાં બધાં જ ગીતો લોકપ્રિય બન્યાં. ખાસ તો ઉમાદેવીએ ગાયેલું ‘અફસાના લિખ રહી હૂં…’ તો આજે પણ વીસરાયું નથી. ‘દર્દ’ પછી ‘મેલા’, ‘અનોખી અદા’, ‘અમર’, ‘બૈજુ બાવરા’, ‘ઉડન ખટોલા’, ‘દિલે નાદાં’, ‘મધર ઇન્ડિયા’ અને ‘મુગલે આઝમ’થી માંડીને ‘લીડર’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘ભરોંસા’, ‘સંઘર્ષ’, ‘ગંગાજમના’, ‘રામ ઔર શ્યામ’, ‘દો બદન’ સહિતનાં લગભગ દોઢસો જેટલાં ચિત્રોમાં ગીતો લખ્યાં અને તેમાંનાં અનેક ગીતો લોકપ્રિય થયાં.
શકીલે લખેલાં મોટાભાગનાં ગીતોને સંગીતબદ્ધ નૌશાદે કર્યાં હતાં. ‘ચૌદહવીં કા ચાંદ હો યા આફતાબ હો’ (‘ચૌદહવીં કા ચાંદ’ 1960), ‘હુસ્ન વાલે તેરા જવાબ નહીં’ (‘ઘરાના’ 1961) અને ‘કહીં દીપ જલે કહીં દિલ’ (‘બીસ સાલ બાદ’ 1962) માટે તેમને શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. સતત ત્રણ વર્ષ આ ઍવૉર્ડ બીજા કોઈ ગીતકારને આજ સુધી મળ્યો નથી. હિંદીમાં તેમના છ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે.
નોંધપાત્ર અને લોકપ્રિય થયેલાં ગીતો : ‘ઓ દૂર કે મુસાફિર હમ કો ભી સાથ લે લે’ (‘ઉડન ખટોલા’), ‘છોડ બાબુલ કા ઘર મોહે પી કે નગર આજ જાના પડા’ (‘બાબુલ’), ‘યે જિંદગી કે મેલે દુનિયા મેં કમ ન હોંગે’ (‘મેલા’), ‘ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલ કે’ (‘ગંગાજમના’), ‘સુહાની રાત ઢલ ચૂકી ન જાને તુમ કબ આઓગે’ (‘દુલારી’), ‘જોગન બન જાઊંગી સૈંયા તોરે કારન’ (‘શબાબ’), ‘માન મેરા એહસાન અરે નાદાન’ (‘આન’), ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (‘મુગલે આઝમ’).
હરસુખ થાનકી