કૉન્સ્ટેબલ, જૉન (જ. 11 જૂન 1776, ઇગ્લૅન્ડ; અ. 31 માર્ચ 1837, લંડન) : ઓગણીસમી સદીના બ્રિટિશ ચિત્રકાર. તે યુરોપના, પ્રથમ ભૂમિદૃશ્યો – ‘લૅન્ડસ્કેપ’ આલેખનાર ચિત્રકાર છે.
અઢારમી સદીમાં ગેઇન્સબરોનાં પ્રાકૃતિક દૃશ્ય-ચિત્રોમાં વિશાળ પ્રકૃતિના આલેખનમાં માનવઆકૃતિઓ અત્યંત નાની જોવા મળે છે. 23 વર્ષની ઉંમરે તેમનાં રેખાચિત્રોના આધારે કૉન્સ્ટેબલ 1799માં રૉયલ એકૅડેમીની કલાશાળામાં જોડાયા. 1806માં કાકા વૉટ્સે ઇંગ્લિશ સરોવરોનો પ્રવાસ કરીને ચિત્રો દોરવા માટે તેમને આર્થિક મદદ કરી. 1811માં તેમણે રૉયલ એકૅડેમીમાં ડેડમ વેઇલ ચિત્ર પ્રદર્શિત કરી સફળતા મેળવી. 1819માં તે રૉયલ એકૅડેમીના ઍસોસિયેટ (ARA) બન્યા.
1824માં પૅરિસના સૅલૉનમાં તેમના ચિત્ર ‘હે વેઇન’ને સુવર્ણચંદ્રક મળ્યો. 1825માં તેમના બીજા ચિત્ર ‘વ્હાઇટ હૉર્સ’ને બીજો ચંદ્રક એનાયત થયો. કૉન્સ્ટેબલે સફોક, સૉલ્સબરી, હેમ્પસ્ટેડ અને બ્રાઇટન પ્રદેશોનાં દૃશ્યો આલેખ્યાં છે. તેમની દૃષ્ટિએ તેમાં અપૂર્વ સૌંદર્ય જોયું હતું. આ ચિત્રો આલેખીને તેમણે નામના મેળવી છે. ‘ધ લીપિંગ હૉર્સ’ (1825), ‘ધ કૉર્નફીલ્ડ’ (1827), ‘સૉલ્સબરી કેથીડ્રલ’ (1831) અને ‘ધ વૅલી ફાર્મ’(1835) તેમનાં શ્રેષ્ઠ ચિત્રો છે. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તેમનાં ઘણાં રેખાંકનો સચવાયાં છે.
કૃષ્ણવદન જેટલી