કૉન્ફયૂશિયસ

January, 2024

કૉન્ફ્યૂશિયસ (ઈ. પૂ. 551, યો કે લુ, શાન્તુંગ; અ. ઈ. પૂ. 479, સી રીવર, લુ ) : ચીનના મહાન ચિંતક. તેમનું ચીની નામ કુંગ-ફુ-ત્ઝુ હતું. જગતમાં પોતાની પ્રાચીન સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ટકાવી રાખનાર મુખ્ય બે દેશો છે : એક ભારત અને બીજો ચીન. ચીનમાં પ્રજાસત્તાક રાજ્ય એકસરખું ચાર હજાર વર્ષ કરતાં પણ વધારે ચાલ્યું છે. ચીનના આ લાંબા ઇતિહાસમાં શાન્તુંગના સંત કૉન્ફ્યૂશિયસને જે માન મળ્યું છે તેવું માન બીજી કોઈ પણ વ્યક્તિને મળ્યું નથી. કૉન્ફ્યૂશિયસના પ્રતિ આ અપૂર્વ આદરના લીધે ચીનના લોકોની સંસ્કૃતિ આ એક જ મહાપુરુષના પ્રભાવ દ્વારા સવિશેષ ઘડતર પામી છે.

પોતાના જીવનની તવારીખ આપતાં કૉન્ફ્યૂશિયસે કહ્યું છે કે, ‘પંદર વર્ષની ઉંમરે હું વિદ્યોપાર્જનમાં તલ્લીન બન્યો, ત્રીસ વર્ષની ઉંમરે કોઈની પણ સામે અડગ ઊભા રહેતાં હું શીખ્યો, ચાળીસ વર્ષની ઉંમરે મારી ભ્રમણાઓ ટળી અને હું સંશયમુક્ત થયો, પચાસ વર્ષની ઉંમરે હું પ્રભુના નિયમો સમજતો થયો, સાઠ વર્ષની ઉંમરે સત્યના શ્રવણ માટે હું આદરયુક્ત થયો, સિત્તેર વર્ષની ઉંમરે સુનીતિના મધ્યમમાર્ગને ઉલંઘ્યા વિના મારા હૃદયની પ્રેરણાને અનુસરવાનું સામર્થ્ય મારામાં આવ્યું.’

કૉન્ફયૂશિયસ

તેમના પિતા શુ-લિયાંગ-હો લશ્કરના ઉચ્ચ હોદ્દા પર હતા. તેમના પિતાનાં અગિયાર સંતાનોમાં તે સૌથી નાના હતા. તેમની ત્રણ વર્ષની વયે પિતાનું મૃત્યુ થતાં માતાની હૂંફ નીચે તે મોટા થયા. સત્તર વર્ષની ઉંમરે તો એમણે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો સારો એવો અભ્યાસ કરી લીધો હતો. ઓગણીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યું, પરંતુ ત્રણેક વર્ષ બાદ પત્નીને છૂટાછેડા આપી દીધા. સંતાનોમાં તેમને એક દીકરો અને એક દીકરી હતાં. બાવીસમે વર્ષે તેમણે ઘરમાં જ પાઠશાળા સ્થાપી અને તેમાં શિષ્યોની ભરતી કરી. તે તેમને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. તેમની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્ર્નોત્તર સ્વરૂપની હતી. તેમણે વિદ્વત્તા, ચારિત્ર્ય, પ્રામાણિકતા અને વફાદારી પર ખાસ ભાર મૂક્યો છે. તે સત્યના ઉપાસક હતા. તેમનું અંગત જીવન નમ્ર અને ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ, પવિત્ર છતાં ચોખલિયા વૃત્તિરહિત હતું. તે સત્યવક્તા અને મિતભાષી હતા. કરકસરયુક્ત જીવન ગાળતા; મન, વચન અને કર્મમાં એકતા દાખવતા. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય હતા. તે કહેતા કે અપકારનો બદલો ન તો અપકારથી વાળો, ન તો ઉપકારથી; પરંતુ ન્યાયથી વાળો. તેમના મતે પશુપંખીઓના સંગમાં રહી અરણ્યમાં વાસ કરવા કરતાં મનુષ્યોની વચ્ચે રહી તેમનું શ્રેય કરવું વધુ ઉચિત છે. તે એક રીતે પ્રત્યક્ષવાદી (positivist) હતા. આપણે ઈશ્વર અને પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ જ લોક સુધારીએ; આ ભૂમિ પર જ સદાચાર વડે નંદનવન વસાવીએ, એ એમનું જીવનસૂત્ર હતું. મનુષ્ય એ જ મનુષ્યનું સેવાપાત્ર ઇષ્ટ આરાધ્ય દૈવત છે. આથી લોકોએ એમને ચીની સંસ્કૃતિમાં નવો પ્રાણ પૂરનાર, સ્થાપક અને પ્રવર્તક તથા સદાચારપ્રધાન ધર્મના પિતાનું બિરુદ આપ્યું. વિશ્વની નીતિવ્યવસ્થા વિશેની આસ્થા ને તેમાંથી ફલિત થતો સદાચાર વિશેનો આગ્રહ કૉન્ફ્યૂશિયસના સંપ્રદાયમાં દેખા દે છે.

તે કહેતા કે ‘હું સંત નથી. પણ અધ્યયન અને અધ્યાપનમાં અવિશ્રાંત શ્રમ કરું છું. હું સર્જક નથી પણ સંદેશવાહક છું. મને આટલી વસ્તુઓ સતત ખટક્યા કરે છે – સદગુણ વધારવામાં નિષ્ફળતા, સત્યના અમલમાં નિષ્ફળતા અને ખોટું સુધારી લેવામાં નિષ્ફળતા. પ્રથમ દૃષ્ટિએ જોતાં સાવ સામાન્ય લાગે એવી બાબતો પર તેમણે ભાર મૂક્યો છે.

 

ચીમનલાલ વલ્લભરામ રાવળ