વ્યાસ, લક્ષ્મીશંકર

January, 2006

વ્યાસ, લક્ષ્મીશંકર (. 3 જુલાઈ 1920, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે અધ્યાપન અને પત્રકારત્વ સાથે લેખનકાર્ય સંભાળ્યું. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અને કાશી વિદ્યાપીઠમાં માનાર્હ અધ્યાપક રહ્યા. 1943માં ‘આજ’ના સહ-સંપાદક અને 1951થી 1993 સુધી તેના સિનિયર સંપાદક રહ્યા. કાશી વિદ્યાપીઠમાં તેમણે પત્રકારત્વના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેઓ 1975માં પરાડકર સંગ્રહાલયના સ્થાપક બન્યા.

તેમણે અત્યાર સુધીમાં 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચાલુક્ય કુમારપાળ’ (1952) તેમનો ઐતિહાસિક ગ્રંથ છે. ‘પરાડકરજી ઔર પત્રકારિતા’ (1964), ‘વિશ્વ કે યુગનિર્માતા સાહિત્યકાર’ (1975), ‘પત્રકારિતા કે યુગનિર્માતા’ (1988); ‘મહાત્મા માલવીય ઔર હિંદી પત્રકારિતા’ (1989) – એ તમામ માનવ-સંસ્કૃતિને લગતા તેમના નોંધપાત્ર ગ્રંથો છે. તેમણે ‘સાહિત્યકારોં કે સંસ્મરણ’ (1990) ગ્રંથ પણ આપેલ છે.

તેમને 1978માં અંબિકા પ્રસાદ સુવર્ણચંદ્રક અને 1985માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર મળ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા