વ્યાસ, ચિન્તામણિ (જ. 1933, ખિમ્લાસા; જિલ્લો સોગાર, મધ્ય પ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. નવી દિલ્હીની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યો. આધુનિક નગરજીવનની વિટંબણાઓને ચીતરવા માટે તે જાણીતા છે. તેમણે પોલૅન્ડ, દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ અને અમેરિકામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1983થી 1987 સુધી અમેરિકામાં અને ફ્રાંસમાં યોજાયેલા ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના તેઓ ક્યુરેટર હતા.
તેમને નીચેની વિગતે સન્માનવામાં આવ્યા છે :
(1) ટી.બી. ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી, 1971.
(2) મૅડલ ફ્રૉમ પ્રેસિડેન્ટ ઑવ્ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી, 1975.
(3) ભારત કલા પરિષદ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, 1981
(4) ઝુએના ઍવૉર્ડ, વૉર્સો, પોલૅન્ડ
દિલ્હીનાં અખબારોમાં વ્યાસે કલાવિવેચનની કટાર પણ ચલાવેલી. હાલમાં તેઓ દિલ્હીમાં નિવાસ કરે છે અને કલાસર્જનમાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા