વ્યાપારી દસ્તાવેજો : કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોની વિગતોને કોઈ પણ સ્વરૂપે દર્શાવતા પુરાવાઓ. મહદ્અંશે દસ્તાવેજો કાગળ-સ્વરૂપે હોય છે. પ્રાચીન કાળમાં વૃક્ષોના પાન પર પણ આ વિગતો દર્શાવવામાં આવતી હતી. આધુનિક કાળમાં આ વિગતો ફ્લૉપી અને સી.ડી. સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. આમ, સ્વરૂપ ગમે તે હોય, જો તે આર્થિક વ્યવહારોની વિગતો દર્શાવતું હોય તો તે વ્યાપારી દસ્તાવેજ કહેવાય છે. વ્યવહારોમાં આપ-લે ગર્ભિત છે. એ આપ-લેને ધારાકીય આધાર આપવા માટે દસ્તાવેજો બનાવવામાં આવે છે. દસ્તાવેજો, વાસ્તવમાં થયેલા વ્યવહારોના પુરાવા છે. થયેલા વ્યવહારોના ચોક્કસ જથ્થા અને નાણાકીય કિંમતને દસ્તાવેજો દર્શાવતા હોય છે. થયેલા વ્યવહારમાં સમય, સ્થળ અને તેના ન્યાયિક કાર્યક્ષેત્રને પણ દસ્તાવેજો દર્શાવે છે.

(1) વ્યવહારોની નોંધ દર્શાવતા દસ્તાવેજો : ચલણ, ભરતિયું, રસીદ, સામા આસામીના ખાતાનો ઉતારો જેવા દસ્તાવેજો વ્યવહારોની નોંધ દર્શાવે છે. માલની અવર-જવરના વ્યવહારોને દર્શાવતો દસ્તાવેજ ચલણ છે. માલ/સેવાનો વેચનાર, ખરીદનાર, જથ્થો, કિંમત, ન્યાયિક કાર્યક્ષેત્ર વગેરેને દર્શાવીને ભરતિયું માલનાં ખરીદ-વેચાણનો દસ્તાવેજ બને છે. માલ/સેવાના બદલામાં ખરીદનારે રોકડા/ચેક આપ્યા હોય કે તે ચૂકવવાનું વચન આપ્યું હોય તો તે ભરતિયામાં દર્શાવવામાં આવે છે. જો માલ/સેવાની કિંમત ભવિષ્યમાં ચૂકવવાનું વચન ભરતિયામાં દર્શાવાયું હોય તો તેનાં નાણાં ચૂકવવાની મુદત અને મુદત બાદની ચુકવણી પર લેવાના વ્યાજનો દર પણ ભરતિયામાં દર્શાવાય છે. નાણાં મેળવવાપાત્રનો નાણાં મળ્યાનો એકરાર દર્શાવતો દસ્તાવેજ રસીદ છે. નિયત કરતાં વધારે રકમની રસીદ પર રેવન્યૂ સ્ટૅમ્પ લગાડવો પડે છે. કોઈ એક ધંધાદારી એના ચોપડામાં અન્યની સાથે થયેલા નાણાકીય વ્યવહારોને નોંધતા ખાતાનો ઉતારો કરીને આપે તો તે દસ્તાવેજ ‘સામા આસામીના ખાતાનો ઉતારો’ કહેવાય છે.

(2) વ્યવહારોથી નીપજતી માલિકીને સ્પષ્ટ કરતા દસ્તાવેજો : આ દસ્તાવેજો કયા સમયથી, કયા સ્થળે અને કયા ન્યાયિક ક્ષેત્ર હેઠળ કયાં માલ-મિલકત, સેવા અને/કે નાણાંના માલિક કોણ બને છે તે દર્શાવે છે. આ દસ્તાવેજોના બે પ્રકાર છે, (ક) બિનહસ્તાંતરણીય અને (ખ) હસ્તાંતરણીય.

(ક) જે દસ્તાવેજો માલિકીની ચોક્કસ પરિસ્થિતિ દર્શાવતા હોય પરંતુ જેનો હસ્તાંતર અભિપ્રેત નથી એવા માલિકીના દસ્તાવેજો બિનહસ્તાંતરણીય છે. કોઈ કારણે જો એનું હસ્તાંતર થાય તોપણ માત્ર હસ્તાંતરને પરિણામે માલિકી બદલાતી નથી. સ્થાયી મિલકતોની માલિકીને દર્શાવતા દસ્તાવેજ બિનહસ્તાંતરણીય છે. ધારા-નિયત રકમવાળા સ્ટૅમ્પ-પેપર પરના દસ્તાવેજ કાયદેસરના ગણાય છે. બે કે વધારે વ્યક્તિઓ વચ્ચેના કરારપત્રો પણ બિનહસ્તાંતરણીય દસ્તાવેજ છે જે કરારની વિગતો દર્શાવે છે.

કેટલાક દસ્તાવેજો માલિકીની ચોક્કસ પરિસ્થિતિ દર્શાવતા હોય છે, પરંતુ એનું હસ્તાંતર અભિપ્રેત નથી હોતું. ટ્રાન્સફર-ફૉર્મ જેવા અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને એની માલીકી તબદીલ કરી શકાય છે. શૅર, ડિબેન્ચર, બૉન્ડ-સર્ટિફિકેટો આ પ્રકારના દસ્તાવેજો છે. આ સર્ટિફિકેટો હવે ડીમેટ કરવાનું શરૂ થયું છે; તેથી તેનું કાગળ-સ્વરૂપ લુપ્ત થવા માંડ્યું છે.

(ખ) જે દસ્તાવેજો માલિકીની ચોક્કસ પરિસ્થિતિ દર્શાવતા હોય, જેનું હસ્તાંતર અભિપ્રેરિત હોય અને હસ્તાંતર થતાં માલિકી બદલાય તો તે હસ્તાંતરણીય દસ્તાવેજો છે. ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, વિનિમયપત્રો, હૂંડી, બિલ ઑવ્ લેન્ડિંગ વેર હાઉસ વૉરન્ટ જેવા દસ્તાવેજો હસ્તાંતરણીય માલિકીના દસ્તાવેજો છે. આ દસ્તાવેજો પૈકી ‘બેરર’ કે એવી સંજ્ઞાથી ઓળખાતા દસ્તાવેજોનો હસ્તાંતર કરતાં શૅરો કરવાની જરૂર હોતી નથી, જ્યારે અન્ય પ્રકારના દસ્તાવેજોમાં તેની જરૂર હોય છે.

સૂર્યકાન્ત શાહ