વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા)

January, 2006

વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા) : વાણિજ્યવ્યવહારમાં પાળવામાં આવતી નૈતિક ધોરણોની મૂલ્યવત્તા. ગ્રીક ભાષામાંનો ‘ethics’ શબ્દ નૈતિકતાનો અર્થ આપે છે. તે ઉપરાંત ચારિત્ર્ય, ધોરણો, સદાચાર, આદર્શ વગેરેને અનુલક્ષતી અન્ય અર્થચ્છાયાઓ પણ એમાંથી મળે છે. તેને કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સમજદારીપૂર્વક સ્વીકારવામાં આવેલ વ્યક્તિઓની વર્તણૂકનાં અપેક્ષિત નીતિધોરણો કહી શકાય. તેને સમાજે માણસની વર્તણૂક માટે નિર્ધારિત કરેલ નૈતિકતાના સિદ્ધાંતો પણ કહી શકાય. તે ઉચિત કે અનુચિત, સત્ય કે અસત્ય, વાજબી કે ગેરવાજબી, ન્યાયસંગત કે અન્યાયપૂર્ણ, યોગ્ય કે અયોગ્ય  તેની સ્પષ્ટતા કરે છે. વળી ઇમાનદારી, આજ્ઞાપાલન, સમાનતા, ઔચિત્ય વગેરેને ઇષ્ટ લેખી વ્યક્તિને યોગ્ય વર્તણૂક કરવાની દિશા ચીંધે છે.

વ્યાપારિક નૈતિકતાને વ્યવસાયનું સંચાલન કરવાની માર્ગદર્શિકા ગણી શકાય. જે માનદંડ દ્વારા તેના વ્યવહારના ઔચિત્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નૈતિકતાના સિદ્ધાંતો સમાજે તેનાં સામાજિક નીતિધોરણોને અનુલક્ષીને નિર્દિષ્ટ કર્યા હોય છે. આ સિદ્ધાંતોની માહિતી, સમજ તેમજ વ્યવસાયની પ્રવૃત્તિઓની યોગ્યતા કે અયોગ્યતાનો નિર્ણય કરે છે. વળી તે સંચાલકની વર્તણૂક પર આધાર રાખે છે. તેને વ્યાપારિક વ્યવસાયીઓની નૈતિક ફરજો તેમજ જવાબદારીઓના દાયિત્વની ચોકસાઈ કરવાનો પ્રયત્ન કહી શકાય. ભારતની એક અગ્રણી સંસ્થાના ચૅરમૅને કહ્યું છે તેમ, સંસ્થાના સંચાલકે જાહેર જીવનમાં શરમાવું પડે તેવું કોઈ પણ કાર્ય કરવું નહિ અને શુદ્ધ અંતરાત્મા જેવો કોઈ મુલાયમ તકિયો નથી. કાર્ય કરતી વખતે શું યોગ્ય છે અને શું નથી તે જાણ્યા પછી જ યોગ્ય આચરણ કરવું તે વ્યાપારિક નૈતિકતા ગણાય. કાર્યસ્થળ પર નૈતિકતાનું વાતાવરણ સંચાલકો તેમજ કર્મચારીઓને નીતિ પ્રત્યે સંવેદનશીલ બનાવી નૈતિકતાનું ઊંચું ધોરણ કેમ જાળવવું તેનું દિશાસૂચન કરે છે. બીજી બાજુએથી જોતાં નૈતિકતાનું વાતાવરણ અનુચિત કાર્યપદ્ધતિ સામે પ્રતિબંધક સાબિત થાય છે.

વ્યાપારને પણ સામાજિક જવાબદારી હોય છે, તેવી સ્વીકૃતિ બાદ સંચાલનની તાલીમના એક વિષય તરીકે વ્યાપારિક નૈતિકતાને આવરી લેવામાં આવી છે. વ્યાપારની જવાબદારીઓમાં પર્યાવરણનું રક્ષણ, સાર્વજનિક સ્વાસ્થ્ય, કેળવણી, સમાજસુધારણા, કામદારો અને કર્મચારીઓના ન્યાયી અને સમાન હક્કોનો તટસ્થતાપૂર્વક અમલ, ગ્રાહકો, કર્મચારીઓ, પુરવઠો પૂરો પાડનાર ઉત્પાદકો અને વિક્રેતાઓ વગેરેને લગતા મુદ્દાઓને-વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં હર્ષદ મહેતા, યુ.ટી.આઇ., સહકારી બૅંકો વગેરેના ગેરવહીવટ તેમજ નાણાંના દુરુપયોગ દ્વારા લાખો નાના રોકાણકારોના કરોડો રૂપિયાની મહેનતથી કરેલ બચત ખવાઈ ગઈ હતી. આ ગેરવહીવટ તેમજ ઉચાપતમાં ગણનાપાત્ર નાણાકીય નુકસાન, દુ:ખ અને કેટલાક કેસોમાં લોકોએ જિંદગીથી પણ વિદાય લેવી પડી હોય તેવું થયું હતું. કેટલાક અપરાધીઓને જેલની સજા પણ ભોગવવી પડી હતી. ગેરવહીવટ કરતી સંસ્થાઓ અને તેની સાથે સંકળાયેલ કર્મચારીઓએ વિશ્વાસ અને આબરૂ ગુમાવ્યાં હતાં. આ છળકપટનું કાર્ય સૌને વ્યાપારિક નૈતિકતા તેમજ માનવબંધુઓ પ્રત્યેની ફરજો પર ભાર મૂકવા પ્રેરે છે. સૌને તેની અગત્ય વિશે સભાન કરે છે.

આ ઉપરાંત ખોરાકમાં ભેળસેળ, પર્યાવરણના નિયમોની અવગણના, સ્વાસ્થ્ય-નિયમનોનો ભંગ, તોલમાપમાં ચોરી, દવાઓમાં ભેળસેળ, સામાજિક સુરક્ષાની આચારસંહિતાનો ભંગ; કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ મ્યુનિસિપાલિટી અને પંચાયતોએ કરેલા નિયમોની અવહેલનાએ માઝા મૂકી છે. ધંધામાં ચોરી, લબાડી, બદઇરાદો, ગેરકાયદેસરનાં ખરીદવેચાણ, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો, કરચોરી પણ ફેલાયેલાં છે; પરંતુ જનસહકાર તેમજ જાગૃતિ વિના સફળતા મળવી મુશ્કેલ છે. સૌ બીજા પાસે નૈતિક વ્યવહારની અપેક્ષા રાખે છે, પરંતુ પોતાને બાકાત રાખવામાં શાણપણ સમજે છે.

વિશ્વભરમાં મોટાં કૌભાંડો બહાર આવે ત્યારે વ્યાપારિક નૈતિકતાને યાદ કરવામાં આવે છે. સમય વ્યતીત થયે તેને સરળતાથી વીસરી જવામાં આવે છે; પરંતુ પશ્ચિમના વિકસેલ દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશો વચ્ચે નૈતિકતાના અમલમાં ગણનાપાત્ર તફાવત માલૂમ પડે છે. પાશ્ચાત્ય દેશોમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, સામાજિક હિતો, ખોરાકમાં શુદ્ધતા, તોલમાપમાં ચોકસાઈ, ગુણવત્તાની પ્રતિશ્રુતિ વગેરેમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. કાયદાઓનો સખ્તાઈથી અમલ કરવામાં આવે છે; તેથી સામાન્ય નાગરિક નિશ્ર્ચિંત રહીને પોતાનું દૈનિક જીવન મુશ્કેલી વિના વ્યતીત કરી શકે છે. ત્યાં મહત્તમ કૌભાંડો નાણાકીય તથા રાજકીય બાબતોને લગતાં જાણવા મળે છે. જ્યારે ભારત જેવા કેટલાક દેશોમાં મોટાભાગનાં ક્ષેત્રોમાં અનૈતિક વ્યવહાર લોકોને કોઠે પડી ગયો લાગે છે.

ભારતની મહત્તમ સંસ્થાઓ નૈતિક મૂલ્યો તેમજ સામાજિક જવાબદારીની અવગણના કરી પોતાનો સ્વાર્થ સાધવા માટે અનુચિત કાર્યો કરતાં જરા પણ સંકોચ અનુભવતા નથી; તેની વિગતોમાં ઊંડે ઊતરતાં જાણવા મળે છે કે સંસ્થાના સંચાલકો મહત્તમ નફો રળવા માટે નીતિમત્તાને અવગણીને સમાજના હિતને નુકસાન પહોંચે તેવાં કાર્યો કરતાં જરા પણ પાછી પાની કરતા નથી. દા. ત., લાંચરુશવત અને લાલચો દ્વારા અઘટિત માગણીઓ મંજૂર કરાવવી, કપટ કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા તેમજ હરીફોને હંફાવવા, વસ્તુમાં ભેળસેળ કરવી, પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે ગણી શકાય.

આ કાર્યોમાં સંસ્થાના સંચાલકોને મદદ કરવા માટે પોતાની બઢતી કે બીજા લાભો મેળવવા અધિકારીઓ તેમજ કર્મચારીઓ તત્પર હોય છે. જ્યારે અધિકારી વર્ગ ગોપનીયતાની ઉપેક્ષા, ખર્ચની છૂટનો ગેરઉપયોગ, કર્મચારીઓના પ્રશ્ર્નોના ન્યાયસંગત નિરાકરણની અવગણના, કાર્યોમાં વિલંબ વગેરે કરતાં છોછ રાખતા નથી.

વ્યાપારિક નૈતિકતા એ કોઈ ઘેલછા નથી; તે વ્યવહારકુશળતાનો ભાગ હોવી જોઈએ. તેનાં મુખ્ય કારણો આ છે : (1) નૈતિક વ્યવહારથી કાર્ય સરળતાથી અને કાર્યદક્ષતાથી થાય છે. (2) સમાજ કે વ્યાપારની જે મુશ્કેલીઓ કે પ્રશ્ર્નોનો ઉકેલ સરકાર, કાયદા કે નિયમનો લાવી શકતાં નથી, તે નૈતિક વ્યવહારથી સરળતાથી હલ કરી શકાય છે. (3) નૈતિક વ્યવહાર પોતે જ અમૂલ્ય છે, કારણ કે ઉચિત માનવીય વ્યવહારથી કાર્યની અને જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થાય છે. વિશ્વના મહત્તમ દેશો સ્વીકારે છે કે સમાજ તેમજ વ્યાપારની પ્રગતિ માટે નૈતિકતા ખૂબ મહત્વની છે.

વ્યાપારિક નૈતિકતાને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય : (1) વ્યક્તિની કાયદા, નૈતિકતાના સિદ્ધાંતો, સમાજના રીતરિવાજો, સંસ્થાની નીતિઓ તેમજ ઉચિત વ્યવહાર માટે સંમતિ; (2) સંસ્થાનાં મૂળભૂત મૂલ્યો, ઉત્પાદિત વસ્તુઓ તથા સેવાની ગુણવત્તા, કર્મચારીઓને યોગ્ય વળતર, આસપાસના સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ અને નૈતિક તેમજ સદાચારી મૂલ્યો દ્વારા જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ; (3) સમાજ, શૅરધારકો, બૅંકો, પુરવઠો પૂરો પાડનાર ગ્રાહકો, કર્મચારીઓ, પર્યાવરણની સંભાળ વગેરેની નૈતિક તેમજ સામાજિક જવાબદારી સાથે સમાજમાં પ્રતિષ્ઠા.

વ્યક્તિગત રીતે વિચારતાં, નૈતિક આચરણની અવગણના નાણાં કે નિર્ણયની ભૂલો કરતાં કારકિર્દીને વહેલી રોળી નાખે છે. સોદામાં જૂઠાણું, ચોરી, લબાડી વગેરે વ્યાપાર અને વ્યવસાયના પાયા હચમચાવી નાખે છે. અગ્રણીઓ માટે નૈતિક વ્યવહાર સંસ્થાના હિત માટે ખૂબ અગત્યનો છે; કારણ કે તે જ કર્મચારીઓ માટે નૈતિક વાતાવરણ જમાવે છે; સૌની માનસિક શક્તિમાં વૃદ્ધિ કરે છે અને પ્રામાણિકતા અને વિશ્વાસને ઉત્તેજન આપતું વાતાવરણ સર્જે છે; જે કર્મચારીઓને નવીન વિચારો પ્રસ્તુત કરવા, અસંમતિ દર્શાવવા, જોખમ લેવા ને જવાબદારી ઉપાડી લેવા પ્રોત્સાહન આપે છે.

નૈતિકતા એક વિશાળ માળખું પ્રસ્તુત કરે છે, જેની અંદર રહીને વ્યાપારિક વર્તણૂકનું મૂલ્યાંકન કરી શકાય છે. કેટલાક માણસો માટે ફક્ત પૈસો જ સર્વસ્વ હોય છે. તેમને માટે કુટુંબ, મિત્રો, માન, મોભો, સંતોષભર્યું જીવન સઘળું અપ્રસ્તુત હોય છે; પરંતુ સફળ વહીવટકર્તા સમજે છે કે વ્યાપાર એ જિંદગીનો એક હિસ્સો છે. સંસ્થા સમાજનું એક અંગ છે. જે વહીવટકર્તા જીવનની વાસ્તવિકતા તેમજ માનવીય મૂલ્યોને સંસ્થાની અંદર તેમજ બહાર અપનાવે છે તેઓ જ લાંબે ગાળે સફળ નીવડે છે. તેવી પ્રવૃત્તિઓને જ ધર્મબુદ્ધિ કહી શકાય. નૈતિક વર્તણૂક સફળ અને ઢ પરિણામો મેળવવામાં સહાયરૂપ થાય છે. વ્યવસાયમાં પ્રામાણિકતા પરસ્પરમાં વિશ્વાસ જગાવે છે, જે આપસના ભવિષ્યના સંબંધોમાં પાયારૂપ ગણાય છે. તેવી જ રીતે અનૈતિક વ્યવહાર લાંબે ગાળે નુકસાનકારક સાબિત થાય છે.

પ્રતિષ્ઠિત ટાટા જૂથની કંપનીઓના ચૅરમૅન જે. આર. ડી. ટાટાના શબ્દોમાં ‘ટાટા જૂથની વિવિધ સ્વતંત્ર કંપનીઓને બે મૂલ્યો સંગઠિત રાખે છે : એક તો સઘળા કર્મચારીઓ ટાટા જૂથનું નામ અને પ્રતિષ્ઠા સાથે સંકળાયેલ છે, જેની પ્રામાણિકતા અને ભરોસાપાત્રતાનો સાર્વજનિક સ્વીકાર થયેલો છે. બીજું, કર્મચારીઓની કુદરતી સહજ કર્તવ્યનિષ્ઠા અને નૈતિક માન્યતાઓમાં આસ્થા, જે તેમને બીજાંઓ કરતાં વિશિષ્ટ હોવાનું ગૌરવ બક્ષે છે.’

જિગીષ દેરાસરી