વૉલપોલ, હૉરેસ (જ. 24 સપ્ટેમ્બર 1717, લંડન; અ. 2 માર્ચ 1797) : અંગ્રેજી ભયજનક નવલકથાઓના રચયિતા તથા પત્રલેખક. શિક્ષણ એટન અને કિંગ્ઝ કૉલેજ, કેમ્બ્રિજમાં. પિતા રૉબર્ટ વૉલપોલ. હૉરેસનું જીવન અત્યંત સમૃદ્ધ રીતે વ્યતીત થયું. 1741માં પાર્લમેન્ટમાં સભ્ય તરીકે અને 1768માં ત્યાંની સંસદ(હાઉસ)માં સભ્ય તરીકે નિમણૂક. સંસદસભ્ય તરીકે સભાઓમાં તેમની નિયમિત હાજરી. આ સભાઓમાં તેમણે કરેલાં વર્ણનો આજે પણ રસપૂર્વક વંચાય છે.
‘ઍડમિરલ બિંગ’ની જિંદગી બચાવવાના તેમના પ્રયત્નને લોકો આજે પણ યાદ કરે છે. તેમના જીવનનો ચિરસ્મરણીય બનાવ તેમણે પ્રાપ્ત કરેલ સ્ટ્રૉબેરી હિલ છે. આ જગ્યાને તેમણે એક ગૉથિક કિલ્લા જેવી બનાવવાનો પ્રયાસ કર્યો. ચિત્રવિચિત્ર ચીજોનો સંગ્રહ તેમણે ખૂબ જ ખંતથી કરેલો, પણ ઘણીબધી ચીજોનું કલાત્મક મૂલ્ય ઓછું હોવાને કારણે એ સ્થળની મહત્તા ઝાઝી ટકી નહિ. 1757માં એ સ્થળ એક પ્રિન્ટિંગ પ્રેસ બની ગયું; જ્યાંથી હૉરેસ વૉલપોલે પોતે લખેલી એક ‘એલિજી’ અને ગ્રે નામના અંગ્રેજ કવિના લખેલા બે ‘ઓડ’ પણ પ્રસિદ્ધ કરેલાં. હૉરેસ વૉલપોલની પ્રથમ ગણનાપાત્ર કૃતિ ‘અ કૅટલૉગ ઑવ્ રૉયલ ઍન્ડ નોબલ ઑથર્સ ઑવ્ ઇંગ્લૅન્ડ’ સ્ટ્રૉબરી હિલ પ્રેસમાં 1758માં છપાયેલી. એમનું બીજું પુસ્તક ‘એનેકડૉટ્સ ઑવ્ પેન્ટિંગ ઇન ઇંગ્લૅન્ડ’ (1762) આ પ્રેસમાં છપાયેલ. હૉરેસ વૉલપોલે 1764માં ‘ધ કેસલ ઑવ્ ઓટ્રેન્ટો’ નામનો રોમાંસ પણ લખેલો અને 1768માં ‘ધ મિસ્ટીરિયસ મધર’ નામનું કરુણ નાટક લખેલું. પત્રલેખનની બાબતમાં હૉરેસ વૉલપોલ અત્યંત ગંભીર હતા. તેમના મતાનુસાર સારું પત્રલેખન પરિશ્રમની કળા છે અને એ પરિશ્રમ લેવો જ જોઈએ. પત્રલેખનમાં પ્રામાણિકતાનો આવિર્ભાવ થવો જોઈએ. પત્રલેખન દ્વારા પત્રલેખકની સર્જક તરીકેની પ્રતિભાનો વાચક મળવો જોઈએ. વૉલપોલના પત્રો ઘટનાઓનું વર્ણન કરે છે. લેખકનો મુખ્ય ઉદ્દેશ આત્મકથાનક અભિવ્યક્તિનો છે. 1772માં લખેલા એક પત્રમાં હૉરેસ વૉલપોલે જે વાક્ય લખ્યું છે તે ચિરસ્મરણીય બની ગયું. આ વાક્ય છે : ‘‘બૌદ્ધિકો માટે જીવન એ પ્રહસન છે, જ્યારે સંવેદનશીલ વ્યક્તિઓ માટે જીવન એક કરુણાંતિકા છે.’’ અનેક પ્રકારની સાહિત્યિક કૃતિઓ વચ્ચે પત્રલેખન પણ સાહિત્યનો એક પ્રકાર છે. એની પ્રતીતિ હૉરેસ વૉલપોલના ચાર હજાર જેટલા પત્રોથી થઈ શકે છે.
ધીમંત પંકજ સોની