વૉયેજર અન્વેષણયાન શ્રેણી : સૌરમંડળના બહારના ગ્રહો-ગુરુ, શનિ અને યુરેનસ-નાં અન્વેષણ માટે અમેરિકા દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલાં યાનોની શ્રેણી. 1970’-80 દરમિયાન સૌરમંડળના બહારના ગ્રહો લગભગ એક સીધી રેખામાં આવ્યા હતા. આ તકનો લાભ લઈને એક જ અંતરીક્ષયાનની મદદથી એ બધા ગ્રહોનું ક્રમશ: અન્વેષણ કરવાની યોજના નક્કી કરવામાં આવી હતી. એ યોજનાને ‘મહાન યાત્રા’(grand tour)નું નામ આપવામાં આવ્યું હતું. એ યોજનામાં પ્રથમ પાયોનિયર-10 (1972) અને પાયોનિયર-11 (1973) અંતરીક્ષ-યાનો પ્રક્ષેપિત કરવામાં આવ્યાં હતાં, અને ત્યારબાદ વૉયેજર-1 (1977) અને વૉયેજર-2 (1977) પ્રક્ષેપિત કરવામાં આવ્યાં હતાં.
વૉયેજર-1 અને વૉયેજર-2 અંતરીક્ષયાનો બધી રીતે એકસમાન હતાં. 825 કિગ્રા. વજનના દરેક અંતરીક્ષયાનમાં કુલ 11 ઉપકરણો હતાં. એ ઉપકરણો વડે આંતરગ્રહીય અંતરીક્ષનાં ભૌતિક પરિબળો સૌર પવન (solar wind), આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્ર (interplanetary magnetic field) તથા કૉસ્મિક કિરણો (cosmic rays) તથા જે તે ગ્રહના વાતાવરણ, ચુંબકીય ક્ષેત્ર અને તેમાંના વિદ્યુતકણો વિશે માહિતી મળી હતી. એ ઉપરાંત, જે તે ગ્રહ અને તેના ઉપગ્રહોની તસવીરો મળી હતી.
પૃથ્વીથી કરોડો કિમી. દૂરના ગ્રહ તરફ જતાં યાનોને અત્યંત અલ્પ માત્રામાં સૂર્યનો પ્રકાશ મળે છે. આથી, બંને યાનોમાં સૌર કોષ આધારિત વિદ્યુતશક્તિ ઉપતંત્રને બદલે ન્યૂક્લિયર ખંડન આધારિત વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરતાં ત્રણ ઉપ-તંત્રો રાખવામાં આવ્યાં હતાં. આ ઉપ-તંત્રોમાં રેડિયોધર્મી સમસ્થાનિક (radioactive isotope) પ્લૂટોનિયમ-238નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ત્રણ ઉપ-તંત્રો દ્વારા વૉયેજર યાનને કુલ 450 વૉટ વિદ્યુતશક્તિ મળતી હતી, જેમાં દર વર્ષે બે ટકાના દરે ઘટાડો થતો હતો.
પૃથ્વી પરના સંદેશાવ્યવહાર તંત્ર સાથે સતત રેડિયો-સંપર્ક રહી શકે તે માટે બંને વૉયેજર યાનના 3.7 મીટર વ્યાસના મોટા ડિશ-એન્ટિના હંમેશાં પૃથ્વીની દિશામાં રહે તેવી વ્યવસ્થા હતી. અંતરીક્ષયાન અને પૃથ્વી વચ્ચેનાં કરોડો કિમી.નાં અંતર પસાર કરીને પૃથ્વી પર પહોંચતા રેડિયો-સંકેતો અત્યંત ક્ષીણ થતા હોવાથી પૃથ્વી પરના ભૂમિમથકમાં 64 મીટર વ્યાસના અત્યંત મોટા ડિશ-એન્ટિના રાખવામાં આવ્યા હતા. અમેરિકાની અંતરીક્ષ-સંસ્થા ‘નાસા’ દ્વારા સ્થાપવામાં આવેલા ભૂમિમથક સંકુલDeep Space Network(DSN)માં અમેરિકા, સ્પેન અને ઑસ્ટ્રેલિયામાં એકબીજાથી લગભગ 120° રેખાંશના અંતરે આ પ્રકારનાં ભૂમિ-મથકો સ્થાપવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ભૂમિમથકોની મદદથી વૉયેજર યાન સાથે ચોવીસ કલાક રેડિયો-સંપર્ક રાખી શકાતો હતો. આ ત્રણેય ભૂમિમથકો ભૂ-સ્થિર કક્ષામાંના સંદેશાવ્યવહાર ઉપગ્રહો દ્વારા એકબીજા સાથે જોડાયેલાં હતાં.
બંને અંતરીક્ષયાનોનું દિશા-નિયંત્રણ ત્રિ-ધરી આધારિત હતું; જેમાં ગાયરોસ્કોપ વાપરવામાં આવ્યા હતા. અંતરીક્ષમાં યાનની દિશા સૂર્ય અને અગત્સ્ય (canopus) તારાની દિશાના સંદર્ભમાં નિયંત્રિત થતી હતી.
બંને અંતરીક્ષયાનોને Fly-by ઉડ્ડયન માર્ગમાં મૂકવામાં આવ્યાં હતાં; જેમાં યાન જે તે ગ્રહથી અમુક અંતરેથી પસાર થઈને અંતરીક્ષમાં આગળ નીકળી જતાં હતાં. એ સમય દરમિયાન ગ્રહના શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળની મદદથી યાનને વધારાની ગતિ અનાયાસે મળતી હતી. ત્યારબાદ યાનના ચોકસાઈપૂર્વકના માર્ગદર્શન દ્વારા તેને તે પછીના ગ્રહની મુલાકાત લેવાનું શક્ય બનતું હતું. આ રીતે એક જ અંતરીક્ષયાન ક્રમશ: જુદા જુદા ગ્રહ પાસેથી પસાર થતું હોવાથી એ ગ્રહોનાં અવલોકનો મળતાં હતાં.
20 ઑગસ્ટ 1977ના રોજ વૉયેજર-1 પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું અને તે માર્ચ 1979 દરમિયાન ગુરુ ગ્રહથી અમુક અંતરેથી પસાર થયું ત્યારે ગુરુ ગ્રહ અને તેના ઉપગ્રહો વિશે ઘણી વૈજ્ઞાનિક માહિતી તથા તસવીરો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વૉયેજર-1 ઑગસ્ટ 1980માં શનિ ગ્રહથી કેટલાક અંતરેથી અંતરીક્ષમાં આગળ ગયું હતું. તે સમય દરમિયાન શનિ ગ્રહ, તેનાં વલયો અને ઉપગ્રહો વિશે ઘણી માહિતી અને તસવીરો મળી હતી.
વૉયેજર2 અંતરીક્ષયાન 5 સપ્ટેમ્બર 1977ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. ખાસ મહત્વની હકીકત એ છે કે વૉયેજર2 દ્વારા ક્રમશ: ચારેય વિરાટ ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂનની મુલાકાત શક્ય બની હતી, જે અંતરીક્ષ-યુગની એક અત્યંત મહત્વની સિદ્ધિ ગણવામાં આવે છે.
હજારો વર્ષો બાદ ભવિષ્યમાં જ્યારે આ અંતરીક્ષયાનો આંતરતારકીય અંતરીક્ષ(intersteller space)માં યાત્રા કરે ત્યારે કોઈ તારાના ગ્રહ ઉપર સંભવિત સંપૂર્ણ વિકસિત સંસ્કૃતિના લોકોને જો આ અંતરીક્ષયાનો મળે તો એમને માટે વૉયેજર અંતરીક્ષયાનોમાં પૃથ્વીની 60 ભાષા(દસ ભારતીય)માં શુભેચ્છાસંદેશ, પૃથ્વી પરના કેટલાક નૈસર્ગિક અવાજો (વીજળીનો કડાકો, તાળી પાડવાનો અવાજ, દેડકાંનું ડ્રાઉં, ડ્રાઉં અને નવજાત બાળકનું રુદન) અને સંગીતની ગ્રામોફોન રેકૉર્ડ તથા પૃથ્વી પર વસતાં માનવીપુરુષ અને સ્ત્રીનાં ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં.
છેલ્લા સમાચાર પ્રમાણે, પ્રક્ષેપિત થયા પછી 26 વર્ષ બાદ વૉયેજર અંતરીક્ષયાન સૂર્યથી 90 ખગોળીય એકમ(Astronomical Unit)ના અંતરે છે. હજુ તેને પૂરતા પ્રમાણમાં વિદ્યુતશક્તિ મળે છે.
પરંતપ પાઠક